Satyajit Ray : ભારતના એકમાત્ર ઓસ્કર વિનર ફિલ્મ ડાયરેક્ટર સત્યજીત રેની આજે જન્મજયંતિ
- Satyajit Ray નો જન્મ 02 મે 1921ના રોજ કોલકાતામાં થયો હતો
- Satyajit Ray નું અવસાન 23મી એપ્રિલ 1992ના રોજ થયું હતું
- Satyajit Ray એકમાત્ર ભારતીય ફિલ્મ ડાયરેક્ટર છે જેમને ઓસ્કર મળ્યો હોય
Satyajit Ray : સત્યજીત રે વિશે કંઈપણ કહેવું, લખવું કે જણાવવું એ સૂરજ સામે દીવો પ્રગટાવવા બરાબર છે. એક સફળ દિગ્દર્શક હોવા ઉપરાંત તેઓ એક લેખક, નિર્માતા, ગીતકાર અને ઉત્તમ ચિત્રકાર હતા. તેમણે પોતાના જીવનકાળમાં કુલ 37 ફિલ્મો બનાવી હતી. જેમાંથી તેમને ફિલ્મક્ષેત્રે પદાર્પણ માટે ઓસ્કર (OSCAR) એનાયત કરવામાં આવ્યો હતો. Satyajit Ray નો જન્મ 02 મે 1921ના રોજ કોલકાતામાં થયો હતો.
સત્યજીત રેની ફિલ્મોગ્રાફી
સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા Satyajit Ray એ વિશ્વ મંચ પર ભારતીય સિનેમા પર એક અમીટ છાપ છોડી છે. Satyajit Ray ની ફિલ્મો પાથેર પાંચાલી, ચારુલતા, જલસાઘર, ગોપી ગાયેનનાયક, ગણશત્રુ જેવી અદ્ભુત 36 જેટલી ફિલ્મો બનાવી. તેમણે એક માત્ર હિંદી ફિલ્મ શતરંજ કે ખિલાડી (Shatranj Ke Khiladi) પણ બનાવી હતી. જો કે શતરંજ કે ખિલાડી દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ હતી.
હોલિવૂડ ડાયરેક્ટર્સના મેન્ટર
સત્યજીત રે એટલે ભારતના એકમાત્ર ફિલ્મ ડાયરેક્ટર જેમને ઓસ્કાર એવોર્ડ (OSCAR Award) જીત્યો હોય. સત્યજીત રે પોતે એક ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ હતા. તેમની પાસેથી શીખવા માટે માત્ર ભારત જ નહિ પરંતુ દરેક દેશના ડાયરેક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓ પણ ઉત્સુક રહે છે. ડાયરેક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓ તો ઠીક પરંતુ હોલિવૂડના ખ્યાતનામ ડાયરેકટર્સ પણ સત્યજીત રેના જીવન કવનમાંથી શીખતા રહે છે. હોલિવૂડના આ ડાયરેક્ટર શીખવા ઉપરાંત જાહેરમાં કબૂલી પણ ચૂક્યા છે કે તેઓ કઈ વાત સત્યજીત રેમાંથી શીખ્યા છે. આ ખ્યાતનામ ડાયરેક્ટરમાં સ્ટીવન સ્પીલબર્ગ, માર્ટિન સ્કોર્સેસે, ફ્રાન્સિસ ફોર્ડ કપોલા, વૂડી એલન વગેરેનો સમાવેશ થાય છે. જો કે સત્યજીત રે એ હોલિવૂડની ખ્યાતનામ ફિલ્મ ધી બાયસિકલ થીફ જોઈને જ ફિલ્મો બનાવવાનું નક્કી કર્યુ હતું.
ફ્રાન્સિસ ફોર્ડ કપોલા
ધ ગોડફાધર (The God Father) જેવી મહાન ફિલ્મોની સિરીઝ આપનારા ડાયરેક્ટર ફ્રાન્સિસ ફોર્ડ કપોલાએ પોતાના સીનેમેટિક આદર્શોમાંના એક ગણાવ્યા છે.
સ્ટીવન સ્પીલબર્ગ
જ્યુરાસિક પાર્ક (Jurassic Park), ઈન્ડિયાના જોન્સ (Indiana Jones) અને શિન્ડલર્સ લિસ્ટ જેવી મહાન ફિલ્મો બનાવનારા સ્ટીવન સ્પીલબર્ગે પણ સત્યજીત રેનો પોતાના પર ઘણો પ્રભાવ હોવાનું અનેકવાર જાહેરમાં કબૂલ્યું છે. સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ઈટીમાં એલિયનનું પાત્ર સત્યજીત રેના સ્કેચ પરથી પ્રેરિત હોવાનો વિવાદ પણ બહુ ગાજ્યો હતો.
વૂડી એલન
એની હોલ (Annie Hall) અને મેનહટન જેવી કલ્ટ અને ક્લાસિક ફિલ્મો બનાવનારા વૂડી એલને સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવની સિનેમેટિક રજૂઆત માટે સત્યજીત રેને શ્રેષ્ઠ ગણાવ્યા છે.
માર્ટિન સ્કોર્સેસે
હોલિવૂડની ખ્યાતનામ ફિલ્મો ટેક્સી ડ્રાઈવર (Taxi Driver) અને ગુડફેલાસ જેવી ફિલ્મો બનાવનારા મહાન ડાયરેક્ટર માર્ટિન સ્કોર્સેસે સત્યજીત રે જે રીતે માનવ લાગણીઓને કેમેરામાં કેદ કરે છે તેની બહુ પ્રશંસા કરી છે. માર્ટિન સ્કોર્સેસે સત્યજીત રેના અપુ ટ્રાયોલોજીની બહુ પ્રશંસા કરે છે.
આ પણ વાંચોઃ SRK in MCU : શું શાહરુખ MCU ફિલ્મમાં દેખાશે ? વાંચો વિવિધ ફેન્સ થીયરીઝ...
અવસાન અગાઉ ઓસ્કર
કોઈપણ મહાન ફિલ્મ દિગ્દર્શકનું સંપૂર્ણ મૃત્યુ શક્ય નથી કારણ કે તેમને બનાવેલ મહાન ફિલ્મો દ્વારા તેમનું નામ હંમેશા જીવંત રહે છે. 23 એપ્રિલ, 1992માં Satyajit Ray નું દેહાવસાન થયું. જો કે તેમના મૃત્યુ થોડા દિવસ અગાઉ તેમને ફિલ્મક્ષેત્રે આપવામાં આવેલા યોગદાન બદલ ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે હોસ્પિટલના બિછાને ઓસ્કર તેમના હાથમાં પકડ્યો તે ક્ષણ અવિસ્મરણીય હતી. તેઓ ઓસ્કર એવોર્ડ મેળવનારા પ્રથમ અને એકમાત્ર ભારતીય ફિલ્મ દિગ્દર્શક હતા.
Satyajit Ray ને મળેલ બહુમાન
Satyajit Ray ને વર્ષ 1992માં ઓસ્કર એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ 1958માં સત્યજીત રેને ભારત સરકાર તરફથી પદ્મ શ્રી, વર્ષ 1965માં પદ્મભૂષણ, વર્ષ 1976માં પદ્મવિભૂષણ અને વર્ષ 1984માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો હતો. સત્યજીત રેને કુલ 36 નેશનલ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Rishi Kapoor's Death Anniversary : ઋષિ કપૂરના જીવનની આ અજાણી બાબતો જાણીને આપ પણ થઈ જશો આશ્ચર્યચકિત...


