Air India પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા યુવાનની કેમ બબ્બે વખત થયા અંતિમ સંસ્કાર ?
Air India Plane Crash : અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરતાંની સાથે Air India નું પ્લેન તૂટી પડતા અકલ્પનીય દુર્ઘટના સર્જાઈ હતી. પ્લેનમાં પ્રવાસ કરી રહેલાં તમામ મુસાફરો, ક્રુ મેમ્બર અને પાઇલટ-કૉ પાઇલટ ઉપરાંત તબીબી વિદ્યાર્થીઓ સહિત 260 લોકો મોતને ભેટ્યાં હતા. Ahmedabad Police, ફાયરબ્રિગેડ, 108, બચાવ ટુકડીઓ અને સિવિલ હૉસ્પિટલ ખાતે તૈનાત ડૉકટરોએ દિવસ-રાત જોયા વિના ફરજ બજાવી હતી. પોલીસ, ડૉક્ટર અને ફૉરેન્સિક ઑફિસરોની ટીમનો મુખ્ય ઉદ્દેશ ઓળખી નહીં શકાય તેવા મૃતદેહોની DNA થકી ઓળખ કરી સ્વજનોને આપવા. સતત બે સપ્તાહ સુધી DNA Sample અને DNA Matching ની ચાલેલી પ્રક્રિયા બાદ ગત 27 જૂનના રોજ કચ્છના યુવાનની ઓળખ થઈ હતી. મૃતક યુવાનની ઓળખ થાય કે તેના અવશેષ મળે તે પહેલાં જ પરિવારજનોને 26 જૂનના રોજ પ્રતીકાત્મક અંતિમવિધિ કરી નાંખી હતી. મૃતક અનિલ ખીમાણીની ઓળખમાં કેમ વિલંબ થયો અને બબ્બે વખત અંતિમ સંસ્કાર ? સમગ્ર પરિસ્થિતિ જાણવા વાંચો આ અહેવાલ...
તંત્ર માટે સૌથી મોટો પડકાર
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જુના આઈજીપી કમ્પાઉન્ડ (Old IGP Compound Meghaninagar) માં ગત 12 જૂનના રોજ બનેલી Air India Plane Crash ની ઘટનાએ તંત્ર માટે મોટો પડકાર ઉભો કર્યો હતો. તંત્રના જુદાજુદા વિભાગોએ એકબીજાના સહયોગ અને સહાનૂભૂતિ સાથે પડકારને ઝીલી લીધો હતો. તૂટી પડેલા Air India પ્લેનનો કાટમાળ હટાવવા તેમજ આસપાસના વિસ્તારમાંથી મૃતદેહો અને તેના અવશેષો યુદ્ધના ધોરણે શોધી કાઢ્યા હતા. આ તમામ અવશેષોમાંથી DNA મેળવવા તેમજ મૃતકોના પરિવારજનોના DNA સેમ્પલ માટે તબીબોની ટીમ કામે લાગી ગઈ હતી. બીજી તરફ Ahmedabad Police એ ગાંધીનગર સ્થિત ફૉરેન્સિક લેબોરેટરીમાં પળભરનો વિલંબ કર્યા વિના DNA સેમ્પલ પહોંચાડ્યા. પોલીસ અને તબીબોની જેમ ફૉરેન્સિક ઑફિસરોની ટીમે પણ દિવસ-રાત જોયા વિના કામે લાગેલી રહી. ગત 27 જૂનની સાંજે 260મો અને લગભગ અંતિમ DNA રિપોર્ટ તૈયાર કર્યો.
શા માટે અનિલ ખીમાણીની ઓળખમાં વાર લાગી ?
હિન્દુ સંસ્કારો અનુસાર મૃતકની બબ્બે વખત અંતિમક્રિયા કરવામાં આવી હોય તેવી રાજ્ય અથવા દેશની આ પ્રથમ ઘટના હશે. દિવસ-રાત DNA ની ચકાસણી ચાલી રહી હોવા છતાં અનિલ ખીમાણીની ઓળખ કરવામાં કેમ વાર લાગી તે જાણવા Gujarat First એ પ્રયાસ કર્યો છે. પ્લેન ક્રેશના ઘટના સ્થળે સતત મૃતદેહો, તેના અવશેષો તેમજ પ્રવાસીઓના સામાનની શોધખોળ ચાલતી આવી છે અને આજે પણ ચાલી રહી છે. પ્લેન ક્રેશની ઘટનામાં દાખલ થયેલા અકસ્માત મોતની તપાસ પીઆઈ પી. વી. ગોહિલ (P V Gohil PI) પાસે છે. ગોહિલે જણાવ્યું છે કે, અકસ્માત બાદ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા મૃતદેહો અને તેના અવશેષ શોધવાની હતી. સાથે-સાથે વિમાનનો કાટમાળ હટાવવા વરસાદની વચ્ચે ભારે વાહનોનો સ્થળ પર ઉપયોગ થતો રહ્યો. દરમિયાનમાં કેટલાંક સ્થળે માટી નીચે અવશેષો દટાઈ ગયા હતા. ગત 25 જૂનના રોજ હાથ-પગના કેટલાંક હાડકા તેમજ છાતીના ભાગના અવશેષો સ્થળ પરથી મળી આવતા તેમાંથી DNA Sample લેવાયું અને DNA Matching માટે મોકલી અપાયું. જેના આધારે Anil Khimani મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટી મળી.
આ પણ વાંચો : Ahmedabad Rath Yatra : અમદાવાદની રથયાત્રામાં 22 કરોડનો ખર્ચ, સૌથી મોટી રકમ ક્યાં ખર્ચાય છે ?
26 જૂને પ્રતીકાત્મક અને 28 જૂને વાસ્તવિક અંતિમક્રિયા કરાઈ
લંડન ખાતે રહેતા સ્વજનોને મળવા માટે Air India ની ફલાઈટમાં જઈ રહેલા અનિલ લાલજીભાઈ ખીમાણી (ઉ.32) અન્ય પ્રવાસીઓની સાથે દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. કચ્છના ભુજ તાલુકાના દહીંસરા ગામથી અમદાવાદ દોડી આવેલા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. દિવસો સુધી અનિલભાઈના અવશેષોની રાહ જોયા બાદ ખીમાણી પરિવારની ધીરજ ખૂટી ગઈ અને અંતિમ સંસ્કાર સહિતની વિધિ કરવાનો પરિવારે નિર્ણય લીધો. મૃતક અનિલ ખીમાણીના પરિવારે ગત 26 જૂનના રોજ ભારે હૈયે પાર્થિવ દેહ કે અવશેષો વિના જ પ્રતીકાત્મક રીતે અંતિમક્રિયા કરવાનો નિર્ણય લીધો. દહીંસરા ગામમાં પ્રતીક સ્મશાનયાત્રા યોજાઈ અને ગામના સ્મશાનમાં જઈને અનિલ ખીમાણીની અંતિમવિધિ કરવામાં આવી. અમદાવાદ સિવિલ હૉસ્પિટલ (Civil Hospital Ahmedabad) માંથી 27 જૂનની સાંજે DNA મૅચ થયા હોવાની જાણ થતાં તુરંત અનિલભાઈના અવશેષોને મેળવી કચ્છ લઈ જવાયા. જ્યાં 28 જૂનના રોજ વિધિવત રીતે સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
આ પણ વાંચો : એક જ પરિવારના 5 સભ્યોની Dubai માં હત્યા કરનારા જન્મટીપના કેદીએ ગળા ફાંસો ખાધો


