પોલીસ અને અદાલત સમક્ષ ICICI Lombard નો બોગસ વીમો રજૂ કરનારા શખ્સ સહિતની ટોળકી સામે છેતરપિંડી અને કાવતરાની ફરિયાદ નોંધાઈ
ICICI Lombard : બોગસ વીમા પૉલિસીના ભૂતકાળમાં પણ અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યાં છે. એક દસકો એવો હતો કે, લાખો/કરોડો રૂપિયા ઠગ ટોળકીએ ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી પડાવી લીધા. કુદરતી રીતે મૃત્યુ પામેલા વ્યક્તિને અકસ્માત મોતમાં ખપાવી તેમજ મૃતક વ્યક્તિના નામે લાખો/કરોડની વીમા પૉલિસી ઉતારીને કૌભાંડ (Insurance Compensation Scam) આચર્યા હોવાના કિસ્સા રાજ્યભરમાં બની ચૂક્યાં છે. અમદાવાદ જિલ્લામાં આ વખતે વાહનની બોગસ વીમા પૉલિસી બનાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ICICI Lombard નામની વીમા કંપનીએ વર્ષ 2008માં બનેલી ઘટનાને લઈને એક છકડા માલિક સહિતના અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ICICI Lombard ને વર્ષ 2012માં ખબર પડી
અમદાવાદ જિલ્લાના જે-તે સમયના બાવળા પોલીસ સ્ટેશન (Bavla Police Station) ની હદમાં બલદાણા હાઈસ્કુલ પાસેના નાળા પર મુસાફરો ભરેલો છકડો પલટી ખાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે સામેથી આવતા બાઈક સવારને ઈજાઓ પહોંચી હતી. 16 ડિસેમ્બર 2008ના રોજ બનેલી ઘટના મામલે પોલીસે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષ 2012માં અકસ્માતનો ભોગ બનનારા બાઈક ચાલકે વળતર માટે અદાલતમાં (Motor Accident Claims Tribunal Ahmedabad) દાવો કર્યો હતો. વળતર માટેનો દાવો થતાં છકડા માલિકે ICICI Lombard Insurance Policy રજૂ કરતા કંપની સામે અદાલતે સમન્સ કાઢ્યું હતું. સમન્સ મળ્યા બાદ કંપનીના વકીલે દાવા અરજીમાં રજૂ કરાયેલા દસ્તાવેજોની સર્ટિફાઈડ નકલો મેળવી હતી. કંપનીએ જ્યારે વીમા પૉલિસી તપાસી તો તેમાં તારીખો સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું.
ICICI Lombard એ શું નોંધાવી છે ફરિયાદ ?
થર્ડ પાર્ટી વીમા કલેઈમની તપાસ કરનારા આઈસીઆઈસીઆઈ લૉમ્બાર્ડના અધિકારી રાજીવકુમાર મિશ્રાએ કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશન (Kerala GIDC Police Station) માં પ્રવિણ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. પ્રવિણ નટુભાઈ સોલંકી (રહે. ચિયાડા, તા.બાવળા) એ જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતેની શ્રી રાજશક્તિ ઑટો મૉબાઈલમાંથી ગોવિંદ આહીર થકી છકડો ખરીદ્યો હતો. ખરીદી વખતે પ્રવિણ સોલંકીએ ગોવિંદ આહીર પાસેથી વીમા પૉલિસી સહિતના દસ્તાવેજ મેળવ્યા ન હતા. ફેટલ એક્સિડન્ટની ઘટના બાદ પ્રવિણે ગોવિંદ આહીર પાસેથી ICICI Lombard વીમા પૉલિસી સહિતના દસ્તાવેજો મેળવ્યા હતા અને તે પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. સરકારી કામે રજૂ કરવામાં આવેલી થર્ડ પાર્ટી વીમાની પૉલિસીની વાસ્તવિક તારીખ 30 ડિસેમ્બર 2008 થી 29 ડિસેમ્બર 2009 સુધીની હતી તેમાં છેડછાડ કરીને 14 સપ્ટેમ્બર 2008 થી 13 સપ્ટેમ્બર 2009 કરી દેવામાં આવી હતી. જેથી પ્રવિણ સોલંકી સહિત તપાસમાં મળી આવે તે તમામ સામે કાવતરૂં રચી, બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બોગસ વીમા પૉલિસી કેમ બનાવી ?
વાહન અકસ્માતમાં એકનું મોત તેમજ અન્યને ઈજા પહોંચી હોવાથી પોલીસે આ મામલે ગુનો નોંધીને છકડો કબજે લેવાની કાર્યવાહી કરી હતી. પોલીસે કબજે લીધેલો છકડો છોડાવવા માલિક પ્રવિણ સોલંકીએ ઘટનાના 14 દિવસ બાદ થર્ડ પાર્ટી વીમો (Third Party Insurance) મેળવીને તેની પૉલિસીની તારીખો સાથે છેડછાડ કરી સપ્ટેમ્બર મહિનાની તારીખ કરી નાંખી હતી. લગભગ 17 વર્ષ બાદ છકડો કોની માલિકીનો છે અને ક્યાં છે ? તેની કેરાલા જીઆઈડીસી પોલીસ તપાસ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, બાવળા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર-2008માં નોંધાયેલા કેસના અસલ દસ્તાવેજો શોધવા કેરાલા જીઆઈડીસી પોલીસ માટે મુશ્કેલ બન્યાં છે.
આ પણ વાંચો : રાજ્યભરમાં સરકારી બાબુઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કરી લાખોના તોડ કરતા પત્રકારને ACB Gujarat એ પકડ્યો


