Tehran માં ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલનારી ટોળકીના સાગરીતને ગાંધીનગર પોલીસે દિલ્હીથી ઝડપી લીધો
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચૌધરી સમાજના દંપતી સહિત 4 જણાને ઈરાનના તહેરાન ખાતે બંધક (Hostage in Tehran) બનાવી યાતના આપી મોટી રકમની ખંડણી તાજેતરમાં વસૂલવામાં આવી હતી. જૂન-2023માં પણ અમદાવાદમાં રહેતા એક પટેલ દંપતીને તહેરાનમાં બંધક બનાવીને યાતના આપ્યા બાદ લાખો રૂપિયાની ખંડણી વસૂલી તેમને મુક્ત કરાયા હતા. ગેરકાયદેસર રીતે વિદેશ જતા ભારતીયોને ઈરાનના તહેરાન (Tehran Iran) માં બંધક બનાવીને પાકિસ્તાની ગેંગ લાખો/કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવે છે. આ વખતે ગાંધીનગર જિલ્લા પોલીસે તહેરાનના ચકચારી પ્રકરણમાં ઝંપલાવી વિદેશમાં બેસીને ખંડણી નેટવર્ક ચલાવતી ટોળકી સાથે સંકળાયેલા દિલ્હીના એજન્ટ સુધી પહોંચી ગઈ છે.
Hostage in Tehran ના બે વર્ષમાં બે કેસ સામે આવ્યાં
ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળેલા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્ની નિશાબહેનને જૂન-2023માં Tehran ખાતે બંધક બનાવાયા હતા. પંકજ પટેલને ઢોર માર મારતો તેમજ શરીર પર બ્લેડના ચીરા મારતો વીડિયો બનાવી પાકિસ્તાની શખસે બંધક દંપતીના પરિવારજનોને મોકલી આપી લાખો રૂપિયાની ખંડણી માગી હતી. જે રકમ ગાંધીનગરના એજન્ટ અભય રાવલે ચૂકવી બંધક દંપતીનો છુટકારો કરાવ્યો હતો. ગત ઑક્ટોબર મહિનામાં ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા ચૌધરી સમાજના એક દંપતી સહિત ચાર લોકોને અમદાવાદથી બેંગકોક અને ત્યાંથી ઈરાનના તહેરાન ખાતેના Imam Khomeini International Airport પર ઉતાર્યા હતા અને ત્યાંથી હૉટેલમાં લઈ જવાનું કહી બંધક બનાવાયા હતા. બંધક બનાવાયેલા લોકોને ક્રુરતાપૂર્વક માર મારી તેના વીડિયો બનાવીને અપહરણકર્તાએ પરિવારજનોને મોકલી આપી બે કરોડ જેટલી ખંડણી માગી હતી.
Tehran ની ગેંગને ખંડણી ચૂકવતા થયો હતો છુટકારો
ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના એક દંપતી સહિત ચારનું અપહરણ કરીને ઈરાનના તહેરાન ખાતે બંધક બનાવાયા હોવાનો મામલો સામે આવતા સ્થાનિક ધારાસભ્યએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં વાત પહોંચાડી હતી. માણસાના ધારાસભ્ય જયંતિભાઈ સોમાભાઈ પટેલે (J S Patel MLA) કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને એક વિગતવારનો પત્ર લખીને ચારેય બંધકોને છોડાવવા મદદ માગી હતી. Tehran ખાતે ચૌધરી અજયકુમાર કાંતીભાઈ (ઉ.31), અજ્યભાઈના પત્ની પ્રિયાબહેન (ઉ.25), ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ (ઉ.35) અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈ (ઉ.28) ને બંધક બનાવાયા હતા. ચારેય જણા તેમના સમાજના એક એજન્ટ થકી ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. બંધકોને છોડાવવા માતબર રકમ ખંડણી રેકેટ ચલાવતી (Kidnapping and Extortion Racket) ટોળકીને ચૂકવ્યા બાદ ચારેયને મુક્ત કરાયા હતા.
ગાંધીનગર SOG એ દિલ્હીના એજન્ટને દબોચ્યો
બે વર્ષમાં બે દંપતી સહિત 6 ગુજરાતીઓને તહેરાનમાં બંધક બનાવી યાતના આપી ખંડણી વસૂલવાની ઘટનાને ગાંધીનગર પોલીસે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. ભોગ બનનારા ચૌધરી સમાજના લોકોની તેમજ તેમના પરિવારજનોની લાંબી પૂછપરછ તપાસ બાદ ગત મહિનાના અંતમાં માણસા પોલીસ સ્ટેશન (Mansa Police Station) ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ચૌધરી સમાજના એક એજન્ટે દંપતી સહિત 4 લોકોને ઓસ્ટ્રેલિયા પહોંચાડવા દિલ્હીના એજન્ટને કામ સોંપ્યું હતું. દિલ્હીના એજન્ટે આગળ અન્ય કોઈને આવી વિગતો સામે આવતા ગાંધીનગર એસઓજી પીઆઈ વી.ડી.વાળા (PI V D Vala) એ મૂળ ઉત્તરાખંડના જરીકઅહેમદ ખાનને દિલ્હીથી ઝડપી લીધો છે. જરીકઅહેમદ ખાન સફીકઅહેમદ ખાનની ધરપકડ બાદ અપહરણ/ખંડણી રેકેટમાં સંડોવાયેલા શખસો સુધી પહોંચવા Gandhinagar Police Team પ્રયાસ કરી રહી છે.


