Amit Khunt Case માં સામેલ ટોળકીના મુખ્ય સૂત્રધાર રાજદીપ રીબડા સહિત બે આરોપી હજુ પણ ફરાર
Amit Khunt Case : ભૂતકાળની ઘટનાઓનો બદલો લેવા માટે શક્તિશાળી લોકો નિમ્નકક્ષા સુધી પહોંચી જાય તેવા કિસ્સા ભાગ્યે જ બને છે. આવો જ એક કેસ છે ગોંડલ તાલુકાના રિબડા ગામના અમિત ખુંટની આત્મહત્યા. અમિત ખૂંટના આપઘાત કેસ (Amit Khunt Suicide Case) માં ફરિયાદ નોંધાઈ ત્યારથી આજદીન સુધી આ કેસ ચર્ચામાં રહ્યો છે. મૃતક અમિત ખૂંટ પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નૉટ સહિતના ઠોસ પુરાવાઓ બાહુબલી મનાતા અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપ સામે મોટી આફત લાવ્યાં છે. ધારાસભ્ય પોપટ સોરઠીયા મર્ડર કેસ (MLA Popat Sorathiya Murder Case) ની સજામાં જુનાગઢ જેલ ખાતે અનિરૂદ્ધસિંહ રિબડા (Aniruddhsinh Ribda) પરત ફરતા સાડા ચાર મહિનાથી ફરાર આરોપી રાજકોટ જિલ્લા પોલીસને હાથ લાગ્યો. પિતા અનિરૂદ્ધની ધરપકડ બાદ પુત્ર રાજદીપ રિબડા (Rajdeep Ribda) તેમજ રહીમ મકરાણીની શોધમાં પોલીસ લાગી ગઈ છે. અત્રે નોંધનીય છે કે, અમિત ખૂંટના આપઘાત માટે રાજકોટ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કથિત બળાત્કારની ફરિયાદ કારણભૂત છે.
Amit Khunt Case માં બદલાનું કારણ શું ?
Honey Trap માં ફસાવીને અમિત ખૂંટ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવા રચાયેલા ષડયંત્ર પાછળ અનેક કારણો છે. મૃતક Amit Khunt Case માં નોંધાયેલી ફરિયાદમાં તેમના ભાઈ મનિષભાઈએ લખાવ્યું છે કે, જાડેજા પિતા-પુત્રએ જમીનો પડાવી લીધી હોવાના વિવાદમાં ગત વિધાનસભા ચૂંટણી વખતે હુમલો કરાવવામાં આવ્યો હતો. પોપટ સોરઠીયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવા ગૃહ વિભાગ (Home Department Gujarat) માં અરજી કરી હતી. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2022માં રાજદીપ જાડેજા સામે હુમલો, ધમકી અને આર્મ્સ એક્ટ હેઠળ મૃતક ફરિયાદ નોંધાવી ચૂક્યા છે.
વકીલો, અપરાધીઓ સહિતની ટોળકી Amit Khunt Case માં સામેલ
ખાર કાઢવા માટે નિમ્નકક્ષાએ ગયેલી સૌરાષ્ટ્રની ટોળકીમાં પિતા-પુત્ર, બે વકીલો, ગુનેગાર અને યુવતી સામેલ છે. Amit Khunt Case માં અનિરૂદ્ધ જાડેજા અને રાજદીપ જાડેજા મુખ્ય સૂત્રધારો છે. જુનાગઢ જેલવાસ દરમિયાન અનિરૂદ્ધસિંહને મળેલા ગુનેગાર મૂળ UPનો અતાઉલ્લા મણિયાર, રહીમ મકરાણી (બંને રહેય જુનાગઢ) તેમજ પુજા રાજગોર સાથે મળીને હની ટ્રેપનું કાવતરૂં ઘડ્યું હતું. સોશિયલ મીડિયા થકી એક સગીરાનો ઉપયોગ કરીને અમિત ખૂંટને જાળમાં ફસાવાયો હતો. ત્યારબાદ રાજકોટની હૉટલમાં સગીરા પર અમિત ખૂંટે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં સંજય પંડિત અને દિનેશ પાતરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી.પરમાર (PI A D Parmar) અત્યાર સુધીમાં સગીરા, યુવતી, બે વકીલ, અનિરૂદ્ધસિંહ અને અતાઉલ્લાની ધરપકડ કરી ચૂક્યાં છે. ચકચારી કેસમાં ફરાર રાજદીપ રિબડા અને રહીમ મકરાણી ઉપરાંત અન્ય આરોપીની સંડોવણી આગામી દિવસોમાં સામે આવે તો નવાઈ પામવા જેવું નથી.
પોલીસ પાસે છે આરોપીઓ વિરૂદ્ધ ઠોસ પુરાવા
અમિત ખૂંટ સામે બળાત્કારની ફરિયાદ કરનારી સગીરા સાથે બે વકીલ અને પુજા રાજગોર સતત હાજર રહ્યાં હોવાના પુરાવારૂપે CCTV Footage તપાસમાં સામેલ કરાયા છે. એક સમયે અનિરૂદ્ધસિંહ સામે પડેલા વકીલ સંજય પંડીત (Sanjay Pandit Advocate) જેમના પર હુમલો પણ થઈ ચૂક્યો છે અને અન્ય વકીલ દિનેશ પાતર પોલીસ સ્ટેશનમાં સતત નજરે પડે છે. આ ઉપરાંત સગીરાને લઈ જવાઈ હતી તે હૉસ્પિટલમાં પણ બંને વકીલોની હાજરીના પુરાવા પોલીસે મેળવ્યાં છે. મુખ્ય સૂત્રધારો સામે સૌથી મજબૂત પુરાવો મૃતકે લખેલી અંતિમ ચિઠ્ઠી છે.
આ પણ વાંચો : રાજ્યભરમાં સરકારી બાબુઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કરી લાખોના તોડ કરતા પત્રકારને ACB Gujarat એ પકડ્યો


