SMC અને ખેડા એલસીબીએ ચાર દિવસમાં 4 કરોડથી વધુનો વિદેશી દારૂ પકડ્યો, પંજાબના Liquor Mafia સુધી ગુજરાત પોલીસ પહોંચશે ?
મહિને કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતા અનેક Liquor Mafia ગુજરાતમાં વર્ષોથી કાર્યરત છે. એક જાય તો તેનું સ્થાન બીજો લઈ લે છે. કારણ કે, આ ધંધો મબલખ રૂપિયા રળી આપે છે. Gujarat Police ની ધોંસ હોવા છતાં રોજ અનેક નાના-મોટા વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી અને વિતરણ થઈ જાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) સતત વિદેશી દારૂના નેટવર્કને તોડવા પ્રયત્નશીલ રહે છે. ચાલુ સપ્તાહમાં ઉપરાછાપરી બે દિવસમાં પંજાબના શરાબ માફિયા (Liquor Mafia Punjab) ઓએ મોકલેલો 2.29 કરોડનો વિદેશી દારૂ Team SMC એ પકડી પાડ્યો છે. સાથે ખેડા એલસીબીએ બે દિવસમાં 1.80 કરોડનો શરાબ જપ્ત કર્યો છે. પંજાબ ખાતેથી ગુજરાતમાં મોકલવામાં આવતા વિદેશી દારૂના રેકેટમાં સ્થાનિક હોલસેલરોની સંડોવણી હોવાની પૂરેપૂરી સંભાવના છે.
Liquor Mafia ઓ માટે ગુજરાત કેમ હૉટ ફેવરિટ ?
વર્ષ 1960થી ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ પ્યાસીઓની કમી નથી. દાયકાઓથી ગુજરાતમાં પાડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાંથી વિદેશી દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે. રાજસ્થાન સરકારની છેલ્લાં કેટલાંક વર્ષોમાં બદલાયેલી નીતિ અને સંકલનના કારણે ગુજરાતમાં વિદેશી દારૂ ભરેલી ટ્રકો આવતી બંધ થઈ છે. જો કે, નાના પાયે દારૂ ઘૂસાડવામાં આવે છે. બીજી તરફ છેલ્લાં બે-ચાર વર્ષમાં પંજાબ, હરિયાણા તેમજ ગોવા ખાતેથી Liquor Mafia જંગી જથ્થામાં વિદેશી શરાબ ગુજરાતમાં સતત ઘૂસાડી રહ્યાં છે.
Liquor Mafia ઓમાં ગુનેગારો પણ સામેલ
ગુજરાત રાજ્યમાં વિદેશી શરાબનો બેનંબરી કારોબાર કરોડો/અબજો રૂપિયાનો હોવાથી અનેક ગુનેગારો આ કારોબારમાં સામેલ છે. મૉસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર અનિલ પાંડ્યા (Gangster Anil Pandya) અને દુબઈમાં છુપાયેલો વિજય ઉદવાણી ઉર્ફે વિનોદ સિંધી (Vinod Sindhi Alias Vijay Udhwani) તેમજ બિશ્નોઈ ગેંગ સહિતના અનેક ગુનેગારો દારૂના ધંધામાં મહિને કરોડો રૂપિયા રળે છે.
SMC એ કચ્છ અને અમદાવાદ જિલ્લામાંથી જંગી દારૂ પકડ્યો
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાલુ સપ્તાહમાં તારીખ 4 અને 5ના રોજ અનુક્રમે કચ્છના ભચાઉ તેમજ અમદાવાદના ધંધુકા ખાતેથી 2.29 કરોડનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. Team SMC એ આપેલી અખબારી યાદીમાં વિદેશી દારૂ બનાવતી પંજાબની ડિસ્ટિલરીઝ (Distillery of Punjab) ના નામોનો પણ ઉલ્લેખ કર્યો છે. કચ્છના ભચાઉ ખાતેથી એસએમસીએ 1.86 કરોડનો વિદેશી દારૂ, ટ્રક, એક મોબાઈલ ફોન સહિત 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપ્યા છે. જ્યારે ધંધુકા તાલુકાના વાગડ ગામ પાસે ખુલ્લી જગ્યામાં કટિંગ કેસ કરીને 43 લાખનો IMFL, 5 વાહનો, 7 મોબાઈલ ફોન સહિત 79.52 લાખનો મુદ્દામાલ કબજે કરી 5 શખસોને પકડ્યા છે. અત્રે નોંધનીય છે કે, બંને કેસમાં દારૂ સપ્લાયર Gangster Anil Pandya હોવાનું સામે આવ્યું છે. ધંધુકામાં થયેલા કેસમાં રિઢા બુટલેગર અર્જુનસિંહ બળવંતસિંહ ચુડાસમા (રહે. વાગડ, તા.ધંધુકા)ને ફરાર દર્શાવ્યો છે.
Kheda_Local_Crime_Branch_seized_Indian_made_foreign_liquor_worth_1.80_croresmuggled_from_Punjab_and_Haryana
ખેડા LCB એ બે દિવસમાં 1.80 કરોડનો IMFL પકડ્યો
ખેડા જિલ્લા લૉકલ ક્રાઈમ બ્રાંચે (Kheda LCB) તારીખ 6 અને 7ના રોજ અનુક્રમે ઠાસરા અને કઠલાલ ખાતેથી 1.80 કરોડનો વિદેશી દારૂ (Indian Made Foreign Liquor) જપ્ત કર્યો છે. ઠાસરા ખાતેથી એલસીબી ટીમે બાતમી આધારે 42.69 લાખનો વિદેશી દારૂ, આઈસર અને બે મોબાઈલ ફોન સહિત 49.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલો શરાબ હરિયાણાનો છે. જ્યારે કઠલાલ પોલીસ સ્ટેશન (Kathlal Police Station) ની હદમાં આવેલી વાત્રક નદીના કાંઠેથી કટિંગ દરમિયાન રેડ કરીને 45 લાખના 7 વાહનો સાથે એલસીબીએ 1.38 કરોડનો વિદેશી દારૂ પકડ્યો છે. ફરિયાદ અનુસાર ફૉર સેલ ઈન પંજાબ (For sale in Punjab) લખેલો વિદેશી શરાબ કોણે મોકલ્યો છે તેની પોલીસ તપાસ ચલાવી રહી છે.


