Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારોને આ દિવસથી મળશે 24 કલાક પાણી

Gandhinagar : ગાંધીનગરના રહીશો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે દાયકાઓ જૂના પાણીના નેટવર્કને બદલીને 24 કલાક પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે.
gandhinagar   સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારોને આ દિવસથી મળશે 24 કલાક પાણી
Advertisement
  • Gandhinagar માં મળશે 24 કલાક પાણીની સુવિધા!
  • બીજા શહેરો માટે ઉદાહરણ : ગાંધીનગરમાં શરૂ થશે દિવસ-રાત પાણી પુરવઠો
  • સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારોને મળશે 24 કલાક પાણી
  • પાણી લીકેજ પડકાર વચ્ચે પૂર્ણતાને આરે ગાંધીનગર સ્માર્ટ વોટર પ્રોજેક્ટ

Gandhinagar : ગાંધીનગરના રહીશો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે દાયકાઓ જૂના પાણીના નેટવર્કને બદલીને 24 કલાક પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. 19 ઓગસ્ટ, 2025થી ગાંધીનગરના સેક્ટર-14 થી 29 પૈકીના 10 સેક્ટરના રહેવાસીઓને દિવસ-રાત (24 કલાક) પાણી મળવાનું શરૂ થશે. આ પ્રોજેક્ટ ઘણા પડકારો પછી પૂર્ણ થયો છે. ભૂતકાળમાં, પાઇપલાઇન ટેસ્ટિંગ દરમિયાન અનેક જગ્યાએ લીકેજની સમસ્યા જોવા મળી હતી, જેના કારણે હજારો લિટર પાણીનો બગાડ થયો હતો. આથી, તંત્રએ આ પડકારોનો સામનો કરવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી છે અને દરેક સેક્ટર માટે ફરિયાદ નિવારણ નંબરો પણ જાહેર કર્યા છે.

આખા શહેરને આવરી લેતી એક મહત્વાકાંક્ષી યોજના

ગાંધીનગર (Gandhinagar) એ ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી બનશે, જ્યાં સમગ્ર શહેરી વિસ્તારમાં 24 કલાક પાણીની યોજના સાકાર થશે. પ્રારંભિક તબક્કામાં મંગળવારથી સેક્ટર-14 થી 29 સુધીના વિસ્તારોને 24 કલાક પાણી મળશે, જ્યારે અન્ય સેક્ટરમાં પણ ટૂંક સમયમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે નાગરિકોને પાણીનું બિલ મીટરના આધારે ચૂકવવું પડશે. આ યોજનામાં નવા સમાવિષ્ટ 18 ગામડાં અને પેથાપુર નગરપાલિકા સહિત સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. 50 વર્ષ પહેલાં નાખવામાં આવેલા જૂના પાણીના નેટવર્કને સંપૂર્ણપણે બદલીને નવી પાઇપલાઇન, સમ્પ, અને અન્ય માળખાકીય સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. હાલની વ્યવસ્થા પ્રમાણે, સરિતા ઉદ્યાન હેડ વર્કસ અને ચરેડી હેડ વર્કસ પરથી પાણીનું વિતરણ કરવામાં આવશે, અને પાણીનો મુખ્ય સ્ત્રોત નભોઇ હેડ વર્કસથી શહેર તરફ આવતી નર્મદા મુખ્ય નહેરની બલ્ક લાઇન રહેશે. પાણી શુદ્ધિકરણ માટે સરિતા હેડ વર્કસ ખાતે 45 MLD અને ચરેડી હેડ વર્કસ ખાતે 35 MLDના પ્લાન્ટ્સ કાર્યરત છે.

Advertisement

પાણી લીકેજ માટે હેલ્પલાઇન નંબરો જાહેર

ગાંધીનગરના આ વોટર પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં પાણીના વધુ દબાણને કારણે કેટલીક જગ્યાએ લીકેજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવા સમયે નાગરિકોને તાત્કાલિક સહાય મળે તે માટે જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે દરેક સેક્ટર માટે અલગ-અલગ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. સેક્ટર 14, 15, 16, 17 અને 18 માટે 9313032820 પર, સેક્ટર 21 માટે 9313094143 પર તેમજ સેક્ટર 22 માટે 9313046386 પર, સેક્ટર 23 અને 28 માટે 9313031633, સેક્ટર 24 માટે 9313045646 પર, સેક્ટર 25 માટે 9313098941 પર, સેક્ટર 26 (ગ્રીનસિટી) માટે 9313048912 પર, સેક્ટર 26 (કિસાનનગર) માટે 9313045241 પર, સેક્ટર 27 માટે 6352502131 પર અને સેક્ટર 28 (GIDC)-29 માટે 6352508045 હેલ્પલાઇન નંબરો ઉપલબ્ધ રહેશે. નાગરિકો અને જનપ્રતિનિધિઓને વિનંતી કરવામાં આવી છે કે જો પાણી પુરવઠા દરમિયાન કોઈ લીકેજ કે અન્ય સમસ્યા દેખાય તો તરત જ આ નંબરો પર જાણ કરે, જેથી તંત્ર ઝડપી કામગીરી કરીને સમસ્યાનું નિવારણ કરી શકે.

Advertisement

પ્રોજેક્ટનો ઇતિહાસ અને પડકારો (Gandhinagar City)

ગાંધીનગર શહેરની સ્થાપના વખતે જે પાણી અને ગટર લાઇન નાખવામાં આવી હતી, તે વધતી જતી વસ્તીની જરૂરિયાત પૂરી કરી શકતી નહોતી. પરિણામે, છેલ્લા ઘણા વર્ષોથી પાણી ઓછા ફોર્સથી આવવાની અને જૂની લાઇનમાં ભંગાણ થવાની ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાના નિવારણ માટે, વર્ષ 2019માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગરને 24 કલાક પાણી આપવાની યોજના અમલમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટ દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઘરે-ઘરે પાણીના મીટર લગાવવા અને નવી પાઇપલાઇન નાખવા માટે શહેરભરમાં આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું. યોગ્ય રીતે માટીના પુરાણના અભાવે ગયા ચોમાસામાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા હતા, જેના કારણે ઘણા વાહનો ભૂવામાં ગરકાવ થઈ ગયા હતા.

ટેસ્ટિંગ દરમિયાનની સમસ્યાઓ અને નિવારણ

આ યોજનાની નવી લાઇનોના ટેસ્ટિંગ દરમિયાન પણ અનેક સમસ્યાઓ જોવા મળી હતી. જ્યારે પ્રેશર સાથે પાણી છોડવામાં આવ્યું, ત્યારે સેક્ટર-14 અને 15ના એપ્રોચ પાસે મોટા લીકેજ સર્જાયા. પરિણામે, હજારો લિટર પાણી ઉભરાઈને ખ- માર્ગ અને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું હતું, જેના કારણે વરસાદ વગર જ પાણી ભરાયા જેવી સ્થિતિ ઉભી થઈ હતી. આ બધી ઘટનાઓએ સ્માર્ટ સિટીના કામકાજ સામે નાગરિકોમાં નારાજગી ઉભી કરી હતી.

જોકે, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના જણાવ્યા મુજબ, હવે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવશે. શરૂઆતમાં સંભવિત લીકેજની સમસ્યાઓ ઊભી થઈ શકે છે, પરંતુ તેને તાત્કાલિક ઉકેલવા માટે તંત્રએ તૈયારી કરી છે. વહીવટી તંત્રે દરેક સેક્ટરમાં એક ટેકનિકલ કર્મચારી અથવા સુપરવાઇઝરની સાથે લીકેજ રિપેર કરવા માટેની ટીમો તૈનાત રાખી છે. ત્યારે વિભાગે નાગરિકોને આ યોજનાને સફળ બનાવવા માટે સહકાર આપવા વિનંતી કરી છે. હવે મંગળવારથી આ પ્રોજેક્ટની અગ્નિપરીક્ષા થશે, અને જોવું રહ્યું કે તંત્ર આ પડકારમાંથી સફળતાપૂર્વક પાર ઉતરે છે કે કેમ.

આ પણ વાંચો :   દહેગામ : રેત માફિયાઓએ કર્યું મેશ્વો નદીનું ચિરહરણ; ગામલોકોનું જીવન બન્યું દોહીલું

Tags :
Advertisement

.

×