Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Poshan Pakhawadiyu 2025: બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા રાજ્ય સરકારનો નિર્ધાર

રાજ્યના દરેક નાગરિક, ખાસ કરીને બાળકો, સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણને સુનિશ્ચિત કરવા માટે નવીન અને પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યાં છે
poshan pakhawadiyu 2025  બાળકો  કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા રાજ્ય સરકારનો નિર્ધાર
Advertisement
  • Poshan Pakhawadiyu 2025: સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા રાજ્ય સરકારનો નિર્ધાર
  • મહિલા - બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા(Bhanuben Babaria) ની આગેવાનીમાં તા.૮ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી 'પોષણ પખવાડીયું ૨૦૨૫'ની સફળ ઊજવણી
  • પોષણ વ્યસ્થાપન, તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન જેવા વિવિધ પાંચ ક્ષેત્રોમાં પોષણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

Poshan Pakhawadiyu 2025 : ગુજરાત સરકાર દ્વારા ‘પોષણ અભિયાન’ હેઠળ સ્વસ્થ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના દરેક નાગરિક, ખાસ કરીને બાળકો, સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણને સુનિશ્ચિત કરવા માટે નવીન અને પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યાં છે. પોષણ અભિયાન માત્ર આરોગ્યલક્ષી નહીં, પરંતુ ગુજરાતની ભાવિ પેઢીને સશક્ત બનાવવાનું એક અભૂતપૂર્વ પગલું છે. સમાજના દરેક વર્ગ સુધી પોષણની પહોંચ સુનિશ્ચિત કરી, ગુજરાત સરકારે આ ક્ષેત્રે દેશભરમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

″સહી પોષણ દેશ રોશન”

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના સહી પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે પોષણલક્ષી અનેક નવતર આયામો હાથ ધર્યા છે. ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે દેશભરમાં દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં ‘પોષણ પખવાડિયું’ અને સપ્ટેમ્બર માસમાં ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ઊજવવામાં આવે છે. આ અભિયાન પોષણક્ષમ આહાર તથા આરોગ્યપ્રદ ભારતના નિર્માણ તરફ સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ભારતભરમાં વર્ષ ૨૦૧૮થી શરૂ કરવામાં આવેલા ૭ પોષણ માસ અને ૬ પોષણ પખવાડા દ્વારા, વિવિધ થીમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર, એનીમીયા અને પોષણ બાબતે જાગૃતી કાર્યક્રમ, બાળકોમાં ઓબેસીટી અને સ્વસ્થ્ય જીવનશૈલી સંદર્ભે માહિતગાર કરવા જેવા વિવિધ પોષણકેન્દ્રિત ૧૦૦ કરોડથી વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. જે સુપોષિત ભારત તરફ વિશાળ જનમસમુદાયને સંવેદનશીલ બનાવવામાં ફાળો આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં અને મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણને નાથવા, બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામુદાયિક ભાગીદારીતા એમ બહુવિધ આયામો દ્વારા કુપોષણ નિવારવા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

રાજ્યભરમાં કુલ ૪૦.૮૩ લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ

પોષણ પખવાડીયા ૨૦૨૫ અંતર્ગત રાજ્યભરમાં કુલ ૪૦.૮૩ લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરાઈ. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા(Bhanuben Babaria) ની આગેવાનીમાં તા. ૮ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી પોષણ પખવાડીયું ૨૦૨૫ની સફળ ઊજવણી કરવામાં આવી હતી. પોષણ પખવાડીયા દરમિયાન પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા જેવા નક્કી કરવામાં આવેલા વિવિધ પાંચ ક્ષેત્રો અંતર્ગત રાજ્યભરમાં કુલ ૪૦, ૮૩, ૯૯૪ જેટલી પ્રવૃત્તિઓનું આયોજન કરી સમગ્ર ગુજરાતમાં પોષણ અને આરોગ્ય માટેની સારી આદતોને પ્રોત્સાહિત કરી છે.

Advertisement

પોષણ પખવાડીયું ૨૦૨૫ માટે કુલ પાંચ મુખ્ય ક્ષેત્રો

આ વર્ષના પોષણ પખવાડીયા ૨૦૨૫ માટે કુલ પાંચ મુખ્ય ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ ૧૦૦૦ દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી, બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જાગૃતિ ફેલાવવી જેવા વિષયો પર કામગીરી કરાઈ હતી.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાયેલી પહેલો

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ૨૦૨૧ માં શરૂ કરાયેલ પોષણ ટ્રેકર એપ્લિકેશન આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે. આ એપ્લિકેશનને નવી સુવિધાઓ, અહેવાલો અને સુધારાઓ સાથે સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે.

પોષણ ટ્રેકર એપ્લિકેશનને નવી સુવિધાઓ, અહેવાલો અને સુધારાઓ સાથે અપગ્રેડ

પાત્રતા ઘરાવતા દરેક લાભાર્થીને સેવાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવું એ પોષણ અભિયાનનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે અને પોષણ ટ્રેકર એપ્લિકેશનને બધા લાભાર્થીઓ માટે સુલભ બનાવવાના પ્રયાસના ભાગરૂપે લાભાર્થી નોંઘણી માટેનું ફોર્મ પોષણ ટ્રેકર વેબ એપ્લિકેશનમાં સમાવિષ્ટ કરાયું છે. પોષણ ટ્રેકર વેબ ઇન્ટરફેસ લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્ર પસંદ કરીને એપ્લિકેશનમાં નોંધણી માટે અરજી કરવાની સુવિઘા આપે છે જેમાં તેઓ ઉપલબ્ધ સેવાઓ પણ જોઈ શકે છે. જેમાં વૃદ્ધિની દેખરેખ અને પૂરક પોષણ વિતરણનું નિરીક્ષણ થાય છે. પોષણ અભિયાન અંતર્ગત પોષણ સંબંધિત સૂચકાંકો પર ડેટા જનરેટ કરવા માટે કેન્દ્રીય પ્લેટફોર્મ પોષણ ટ્રેકરનો ઉપયોગ કરે છે. જેમાં ઓછું વજન, દૂબળાપણું અને ઠીંગણાપણું, પૂરક પોષણનું વિતરણ, ગૃહ મુલાકાતો અને સમુદાય આધારિત કાર્યક્રમોની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયમિતપણે સમીક્ષા કરી તે હેઠળ કામગીરી કરવામાં આવે છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુપોષણને નામશેષ કરવાની પહેલ

સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) યોજના હેઠળ છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને રેફરલ સેવાઓ પૂરી પાડે છે. ૬ મહિનાથી ૩ વર્ષના બાળકોને ટેક-હોમ રાશન તથા આંગણવાડીમાં ૩ થી ૬ વર્ષના આશરે ૧પ.૬૪ લાખથી વધુ બાળકોને દૈનિક સવારનો ગરમ નાસ્તો અને ગરમ રાંધેલા બપોરના ભોજનની સુવિધા આપવામાં આવે છે. સગર્ભા તથા ધાત્રી માતાઓને બાલશકિત, માતૃશકિત અને પૂર્ણાશકિત ટેક હોમ રેશન (THR) પૂરક પોષણ આહાર તરીકે અપાય છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ૫ લાખથી વધુ માતાઓને લાભ અપાયો

કુપોષણની સમસ્યાનો સામનો કરવા અને ભાવિ પેઢીઓને બચાવવા માટે બાળકોને પૂરતું પોષણ પૂરું પાડવા માટે રાજ્યમાં મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના (MMY) જેવી વિવિધ પોષણલક્ષી યોજનાઓ કાર્યરત છે. આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને ૨ વર્ષ સુધીના બાળકોની માતાઓને રો-રાશન કે જેમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર ફોર્ટિફાઇડ તેલ આપવામાં આવે છે. જે હેઠળ છેલ્લા એક વર્ષમાં ૫ લાખથી વધુ માતાઓને લાભ અપાયો છે.

૧૪ આદિજાતિ જિલ્લાઓની આશરે ૧ લાખથી વઘુ સગર્ભા અને ધાત્રી માતાઓ “પોષણ સુધા યોજના”થી લાભાન્વિત

રાજ્યના આદિવાસી તાલુકાઓમાં સગર્ભાઓને અને ૬ માસ સુઘીના બાળકોને સ્તનપાન કરાવતી માતાઓને ૧ સમયનું સંપૂર્ણ ભોજન આપવાના ઉદ્દેશ્ય સાથે પોષણ સુધા યોજના (PSY) અમલી છે. આ યોજના હેઠળ એક લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભાન્વિત કરાઈ છે

“પૂર્ણા યોજના” અંતર્ગત ૧૦ લાખથી વધુ કિશોરીઓને મળ્યો લાભ

રાજ્યની ૧૫-૧૮ વર્ષની કિશોરીઓમાં કુપોષણ અને એનિમિયાને ઘટાડવાના આશયથી પૂર્ણા યોજના કાર્યરત છે. જેમાં પૂરક પોષણ અને આયર્ન તથા ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે અને આરોગ્ય તપાસ કરાય છે. જે હેઠળ અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ કિશોરીઓને લાભ અપાયો છે. પોષણ માહ માત્ર એક ઉજવણી નથી, પણ આ દેશના નાગરિકોને પોતાના જીવનમાં પોષણને કેન્દ્રસ્થાને લાવવાનો સંકલ્પ છે. શારીરિક રીતે તંદુરસ્ત અને માનસિક રીતે સક્રિય પેઢી માટે યોગ્ય પોષણ ફરજિયાત છે. આવો, આપણે સૌ મળીને પોષણ માહને સફળ બનાવીએ અને “સુસ્ત જીવનશૈલી નહીં, સદા પોષણ” તરફ એક મજબૂત પગલું ભરીએ.

આ પણ વાંચો: Gujarat Foundation day : ગોધરામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી, CMના હસ્તે રૂ. 650 કરોડના વિકાસકાર્યોની ભેટ

Tags :
Advertisement

.

×