VADODARA : ચોમાસા પહેલા લોકોએ જાતે જ ઘર બહાર "પાળ" બાંધી
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા પ્રિમોન્સૂન કામગીરીને લઇને મોટા દાવાઓ તો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેના પર શહેરના નાગરીકોને ઓછો ભરોસો હોવાથી ચોમાસા પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આનંદ સોસાયટીમાં વરસાદના પાણી ઘરમાં ઘૂસી જવાની સમસ્યાને ધ્યાને રાખીને લોકોએ ઘર બહાર ઢીંચણ સમી પાળ બાંધી છે. આમ કરવાથી વરસાદના પાણીને ઘરમાં પ્રવેશતા અટકાવી શકાશે તેવો તેમને વિશ્વાસ છે.
દાવા પર ઓછો ભરોસો
વડોદરા પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી હોવાના દાવાઓ કરવામાં આવ્યા છે. આ વખતે કોઇ વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા નહી સર્જાય અને જો સર્જાશે તો ગણતરીના સમયમાં જ વરસાદી પાણીનો નિકાલ થઇ જશે, તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરવાસીઓને તે દાવા પર ઓછો ભરોસો હોય તેમ જણાતા લોકોએ જાતે જ ઘર બહાર પાળ બનાવી છે. ઢીંચણ સમી પાળ બનાવીને વરસાદના પાણીને ઘરમાં પ્રવેશતા આટકાવવા માટે લોકોએ જાતે જ પ્રયત્ન કર્યો છે.
રાત રાત જાગીએ છીએ
સ્થાનિક મહિલા માયાબેન માછી જણાવે છે કે, પાણી ભરાઇ જાય તો અમે બહાર ઉલેચીએ છીએ. ગટરનું પાછળથી પાણી આવે છે, આગળથી આવે છે, સિઝનમાં ભરાઇ જાય છે. આ કારેલીબાગની આનંદ નગર સોસાયટી છે. દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે. હમણાં ઉંબરે પથ્થર લગાડી પાળ બાંધી છે. પછી કાઢી નાંખીએ છીએ. અમે વરસાદ પડે ત્યારે રાત રાત જાગીએ છીએ. ઘરમાં જ પાણી હોય તો કેવી રીતે ઉંધ આવે.
તેઓ ભૂલી ગયા
અન્ય મહિલા હંસાબેન જણાવે છે કે, દર વર્ષે પાણી ભરાય છે. ગયા વર્ષે અમે રજૂઆત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, વરસાદ ચાલે છે, એક મહિના પછી કરીશું. પરંતુ ત્યાર બાદ તેઓ ભૂલી ગયા હોય તેમ લાગે છે. પાણી ઘરમાં ન આવે તે માટે પથ્થર મુકી પાળ બાંધી દઇએ છીએ. બાદમાં તે કાઢી લઇએ છીએ. ઘરમાં પાણી આવી જાય તો મુશ્કેલી તો પડે છે.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના મહિલા કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરને “પાવર” બતાવ્યો



