વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 3140 કરોડની જોગવાઇ, ઇકોસેન્સિટિવ ઝોનનો ખાસ ખ્યાલ રખાયો
ગાંધીનગર : રાજ્ય સરકાર “પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર” માટે વન અને વન્યજીવના સંરક્ષણ સાથે નેટ ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ છે. વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે. રાજ્યમાં વન કવચ હેઠળ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણમાં ખૂબ જ સારી સફળતા મળેલ છે.
એશિયાઇ સિંહોના સંવર્ધન માટે ખાસ વ્યવસ્થા
ગુજરાત રાજ્યની અસ્મિતા એવા એશિયાઇ સિંહના સંવર્ધન માટે એક સમગ્ર અને સંકલિત કાર્યયોજના અમલમાં મૂકવામાં આવેલ છે. વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹655 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે ₹563 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹416 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ લાલીયાવાડી નહીં ચાલે, કાગળ પર હાજર સાહેબોને 10.30 એ પહોંચવું જ પડશે
વન વિકાસલક્ષી કામગીરી માટે 372 કરોડની જોગવાઇ
વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹372 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹225 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હરિત વન પથ યોજના તેમજ મોટા રોપાઓ દ્વારા વૃક્ષારોપણ માટે ₹90 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરી વિસ્તારને સુશોભિત કરી હરિયાળુ બનાવવા વન કવચ મોડલ દ્વારા વાવેતર કરવા ₹50 કરોડની જોગવાઇ.
સિંહના અકસ્માત નિવારણ માટે ખાસ વ્યવસ્થા
એક જ પ્લેટફોર્મ પરથી વન વિભાગની પ્રવૃતિઓથી માહિતગાર થવા, ITના માધ્યમથી રેલ્વે ટ્રેક પર થતા સિંહના અકસ્માત નિવારવા તથા દક્ષિણ ગુજરાતમાં થતા વન્યપ્રાણી-માનવ વચ્ચે ઘર્ષણ ઘટાડવા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની સ્થાપના કરવામાં આવશે. જે માટે ₹40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સામાજિક વનીકરણ ક્ષેત્રે ખાતાની નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા માટે ₹38 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
મિષ્ટી કાર્યક્રમ માટે ખાસ વ્યવસ્થા
રાજ્યના દરિયાકાંઠાને ગ્રીન વોલ થકી સુરક્ષિત કરવાના હેતુથી શરુ કરાયેલ ‘મિષ્ટી કાર્યક્રમ’(મેન્ગ્રોવ વાવેતર)ના અમલીકરણમાં ગુજરાત પ્રથમ ક્રમે રહેલ છે. જે માટે ₹10 કરોડની જોગવાઇ કરેલી છે. ઇકો સેન્સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે ₹9 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પડાલા બેટ, કોરીક્રીક વિસ્તારને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા તેમજ બેટ દ્વારકા ડેવલપમેન્ટ માટે આયોજન કર્યું છે. કચ્છ વિસ્તારના ચાડવા રખાલ ખાતે હેણોતરો(Caracal) કેપ્ટિવ બ્રિડીંગ સેન્ટર અને ડીસા ખાતે નવીન પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજધાનીને મળ્યા ચોથા મહિલા મુખ્યમંત્રી, રેખા ગુપ્તાએ દિલ્હીના CM તરીકે શપથ લીધા


