Ahmedabad Civil Hospital ને મળ્યું 211મું અંગદાન, સમાજમાં વધી રહી છે અંગદાનની જાગૃતા!
- Ahmedabad Civil Hospital ને મળ્યું 211મું અંગદાન
- સમાજમાં વધી રહી છે અંગદાનની જાગૃતા
- સિવિલમાં અત્યાર સુધી જુદા જુદા 699 અંગદાન મળ્યા છે
સિવિલ હોસ્પિટલમાં થયું ૨૧૧મું અંગદાન , એક લીવર અને બે કીડનીનું દાન મળ્યું. લોકોમાં વધતી જાગૃતિ અને સિવિલ હોસ્પિટલની સજ્જતાને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો સિલસિલો વેગવાન બન્યો છે. બુધવારે વધુ એક અંગદાન સાથે કુલ અંગદાનનો આંક ૨૧૧એ પહોંચ્યો છે.
Ahmedabad Civil Hospital છૂટક મજૂરી કરતા મજૂરનો મળ્યો અંગદાન
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અનિલભાઈ વાઘેલા ૩૧મી ઑગસ્ટના રોજ પોતાના ઘરે જ કોઈ કારણસર બેભાન થઈને ઢળી પડતાં તેમને સૌથી પહેલા એલ.જી. હોસ્પિટલ ખાતે લઈ જવાયા. સ્થિતિ ગંભીર જણાતાં વધુ સઘન સારવાર માટે એ જ દિવસે તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Ahmedabad Civil Hospital ના અભિયાન મળી રહી છે સફળતા
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પહેલી સપ્ટેમ્બરે ડોક્ટરોએ અનિલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા અનિલભાઇ વાઘેલાની બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સિવિલ હોસ્પિટલમાં હાજર તેમનાં પત્ની બેલાબહેન તેમજ અન્ય હાજર સગાઓને સમજાવવામાં આવ્યા. પરિવારજનોએ અનિલભાઈનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી આ અંગે જણાવે છે કે સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૧૧ અંગદાન થયા છે . જેના દ્વારા કુલ ૬૯૯ અંગોનું દાન મળ્યું છે.અનિલભાઇ વાઘેલાના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૮૬ લીવર, ૩૮૬ કીડની, ૧૭ સ્વાદુપિંડ, ૬૮ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, ૨ નાનાં આંતરડાં, ૧૪૪ ચક્ષુ તથા ૨3 ચામડીનું દાન મળ્યુ છે.
સમાજમાં વધી રહી છે અંગદાનની જાગૃતા!
ડૉ. જોષીએ વધુમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અંગદાન કાર્યક્રમ છેલ્લાં ચાર વર્ષ કરતાં વધારે સમયથી ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે, પરંતુ જો અંગો ની પ્રતીક્ષામાં રાહ જોતા દર્દીઓના વેઇટિંગ લિસ્ટની વાત કરવામાં આવે તો રાજ્ય તેમજ દેશમાં તેનું લિસ્ટ ઘણું લાંબુ છે અને રોજ આવા દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. આવી પરિસ્થિતિમાં માત્ર સિવિલ હોસ્પિટલ અમદાવાદ નહીં પરંતુ રાજ્યના તમામ ખૂણામાં આવેલી સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો કે જે આઈસીયુ બેડ ધરાવે છે, તેઓ પણ આ દિશામાં કામ કરે તે ખૂબ જ જરૂરી છે. આખા રાજ્યમાંથી દરરોજ ઓછામાં ઓછું રોજ એક અંગદાન થાય તેવા લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ, જેથી કરીને અંગોની પ્રતીક્ષામાં કોઈપણ દર્દીને મૃત્યુને વહાલું ન કરવું પડે.
અહેવાલ : સંજ્ય જોશી,અમદાવાદ
આ પણ વાંચો: Ahmedabad : સોલામાં પુત્રનો નિર્દયી કૃત્ય ; લગ્ન ન કરાવવાના ઝઘડામાં માતાની હત્યા


