Banaskantha : 12 વર્ષ પહેલા ગામ છોડી જનારા 29 આદિવાસી પરિવારનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પુનર્વસન કરાવશે
- આવતીકાલે દાંતાના મોટા પીપોદરા ગામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાત લેશે (Banaskantha)
- ગૃહ રાજ્યમંત્રી 29 આદિવાસી પરિવારોનું પુનઃવસન કરાવશે, 8.5 હેક્ટર જેટલી જમીન ખેતીલાયક કરાઈ
- કુરિવાજ ચડોતરુંનાં કારણે 12 વર્ષ પહેલા 29 કોદરવી પરિવારના 300 સભ્યોએ ગામમાંથી સ્થળાંતર કર્યું હતું
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પરિવારોનું પુનર્વસન કરાવશે, મકાન તેમ જ જીવનજરૂરી સુવિધાઓ અપાશે
Banaskantha : આવતીકાલે ગુરુવારે સવારે દાંતા તાલુકાના (Danta) મોટા પીપોદરા ગામે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) હાજર રહી આદિવાસી પરિવારોનું પુનઃવસન કરાવશે. આ પરિવારોની 8.5 હેક્ટર જેટલી જમીન અંગે બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને માપણી કરાવી હતી. તેમ જ ઝાડી-ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી છે.
આદિવાસી સમાજનાં એક કુરિવાજ ચડોતરુંનાં કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા મોટા પીપોદરા ગામમાંથી (Mota Pipodra Village) 12 વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને 29 કોદરવી પરિવારોનાં 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. આ પરિવારોનું પુનર્વસન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આવતીકાલે કરાવવામાં આવશે. આ પરિવારોને સંપૂર્ણ માન-સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ હશે, જેમાં આદિવાસી સમાજનાં આગેવાનો, પંચો પણ હાજર રહેશે.
ચડોતરાને લીધે આદિવાસી પરિવારો અન્ય જગ્યાએ ચાલ્યા ગયા હતા
આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના (Danta) મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદાર્વી સમુદાયના 29 પરિવારોના 300 જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો હતો. ગ્રામ પંચાયતનાં આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરી હતી. આ પરિવારોની આ ગામમાં 8.5 હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ (Banaskantha) સાથે સંકલનમાં રહીને કરી હતી. ઝાડી-ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરાઈ છે.
આ પણ વાંચો - Ahmedabad : વાહ રે પોલીસ..! દારુના અડ્ડા પર 'જનતા'ની રેડ, બુટલેગરને બદલે નાગરિકોની અટકાયત
આદિવાસી પરિવારો ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કરશે
ઉપરાંત, આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીનાં 27 જેટલા પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમ જ અન્ય જીવનજરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે. આદિવાસી પરિવારોનાં પુનર્વસનની આ ઐતિહાસિક કામગીરી અંતર્ગત મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) આ પરિવારોને માનભેર ગામમાં આવકારશે. સાથોસાથ તેમની જમીન પર પૂજાવિધિ કરી બિયારણ વાવણી થકી આ પરિવારોને પુનઃ આ ગામના એક અંગ તરીકે જોડશે. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્થળાંતર કરેલા પરિવારો સાથે વાર્તાલાપ કરીને તેમના પુનર્વસન માટેની યોજનાઓ પર ચર્ચા કરશે. ઉપરાંત, અસરગ્રસ્ત પરિવારોને શિક્ષણ સામગ્રી અને રેશન કિટનું વિતરણ કરશે.
આ પણ વાંચો - Naina Vavadiya Case : 19 વર્ષીય શિક્ષિકાને ન્યાય અપાવવા કેન્ડલ માર્ચ, નેતાઓ, મોટી સંખ્યામાં લોકો જોડાયા
ગબ્બર પોલીસ ચોકીનું પણ ઉદ્ઘાટન કરશે
આગામી ભાદરવી મહામેળાને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવાઈ છે, ત્યારે આબુરોડ માર્ગ પરના ગજદ્વાર પાસે ગબ્બર પોલીસ ચોકીનું (Gabbar Police Chowki) પણ ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. આજે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ મોટા પીપોદરા અને ગબ્બર પોલીસ ચોકીની મુલાકાત લીધી હતી.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી
આ પણ વાંચો - સરાડીયા-વાંસજાળીયા નવી લાઇન માટે રૂ.1.12 કરોડનાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણની પ. રેલવેનાં ભાવનગર ડિવિઝનની મંજૂરી


