Banaskantha: ડીસાના જાવલ ગામમાં હત્યાનો ઉકેલાયો ભેદ! પિતરાઈ બહેને પ્રેમી સાથે મળી ખેલ્યો ખૂની ખેલ
- બનાસકાંઠાના જાવલ ગામે ખેડૂતની હત્યાનો ભેદ ઉકેલાયો
- પિતરાઈ બહેને પ્રેમી સાથે મળી પિતરાઈ ભાઈની કરી હત્યા
- પોલીસે હત્યામાં સામેલ મહિલા સહિત બે શખ્સને ઝડપ્યા
- સાટા પદ્ધતિમાં બીજે ન જવું પડે તે હેતુથી પિતરાઈ ભાઈને મારી નાંખ્યો
ડીસા તાલુકાના જાવલ ગામે ગણેશ પટેલ નામના વ્યક્તિ તેમના ખેતરમાં સૂતા હતા. તે સમયે કેટલાક શખ્સો આવ્યા. ગણેશભાઈના માથા સહિતના ભાગે કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી. સવારે પરિવારજનો ખેતરમાં આવીને જોતા ગણેશભાઈ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી. લાશ પાસેથી નાના-મોટા દરેક પુરાવા એકઠા કરવામાં આવ્યા. લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથધરી હતી.
આરોપીઓ સુધી પહોંચવા 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા
પરિવાજનોના નિવેદન લઈ આરોપીઓ સુધી પહોંચવા 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. હ્યુમન અને ટેકનિકલ સોર્સની પણ મદદ લેવામાં આવી. આ દરમિયાન, પોલીસને મૃતકની પિતરાઈ બહેન પર શંકા ગઈ. તેની વધુ કડકાઈથી પૂછપરછ કરતા ગણેશની હત્યા પરથી પડદો ઉંચકાઈ ગયો. પોલીસે ગણેશની પિતરાઈ બહેન મંજુ, તેના પ્રેમી સહદેવ પટેલ અને ભરત પટેલની ધરપકડ કરી છે.
મૃતક ગણેશ અને આરોપી મંજુ પિતરાઈ ભાઈ બહેન
પોલીસના કહેવા મુજબ, મૃતક ગણેશ અને આરોપી મંજુ પિતરાઈ ભાઈ બહેન હતા. ગણેશભાઈના લગ્ન પિતરાઈ બહેન મંજુના સાટામાં થયા હતા. મંજુના લગ્ન નક્કી થયા તે યુવક પસંદ નહોતો. મંજુને સહદેવ પટેલ સાથે પ્રેમસંબંધ હતા. પિતરાઈ ભાઈ ગણેશની હત્યા કરવામાં આવે તો તેની પત્ની પિયર જતી રહે અને તેના કારણે લગ્ન વિચ્છેદ થાય. જેથી, મંજુને સાટામાં લગ્ન નક્કી થયું છે તે ઘરે ના જવું પડે. આ માટે, મંજુએ પ્રેમી સહદેવ સાથે મળી પિતરાઈ ભાઈ ગણેશની હત્યાનો પ્લાન ઘડ્યો. આ માટે આઈડિયા જાણવા માટે ક્રાઈમ સિરીયલ અને શો પણ જોતા હતા. 15 દિવસથી મંજુ અને તેનો પ્રેમી માત્ર વોટ્સએપ કોલથી વાતચીત કરતા હતા.
કુહાડીના ઘા મારી હત્યા કરી દીધી
આ દરમિયાન, ગણેશ કેટલા વાગ્યે ઘરેથી નીકળે છે, ખેતરમાં જાય તે તમામ બાબતોની જાણકારી પ્રેમીને આપી હતી. છેલ્લા પાંચ દિવસથી ગણેશભાઈ રાતના સમયે ખેતરમાં સૂવા જતા હતા. એ વાત મંજુના ધ્યાનમાં આવી. જેથી, બનાવની રાત્રે મંજુ, પ્રેમી સહદેવ અને ભરત સાથે બાઈક પર ખેતરમાં ગઈ. નિંદ્રાધીન ગણેશભાઈના માથા, કાન, ગળા અને છાતી પર કુહાડીના ઘા મારી હત્યા કરી દીધી. કંઈ બન્યુ જ ના હોય એમ ઘરે જતી રહી. મંજુના મનમાં ને મનમાં પ્રેમી સહદેવ સાથે લગ્નના સપના જોઈ રહી હતી. એવામાં ગણેશના મર્ડરનો ભેદ ઉકેલાઈ ગયો.
આ પણ વાંચોઃ Weather update : 5 દિવસ સુધી છવાયેલ રહેશે વરસાદી માહોલ, 7 રાજ્યોમાં રેડ એલર્ટ, ઘરની બહાર ન નીકળવા અપીલ
સાટા પદ્ધતિ મુજબ લગ્ન ના કરવા પડે અને પ્રેમી સાથે લગ્ન કરી શકાય તે માટે મંજુએ પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો. આ કામમાં મંજુનો સાથ તેના પ્રેમી અને ભરતે આપ્યો..જેના કારણે મંજુની સાથે તે બન્નેને પણ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે..તો, આ ઘટનાથી ડીસા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચોઃ LIVE: Operation Sindoor : ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને એપ્પલે ફગાવ્યું, એપ્પલના CEO ટીમ કૂકનું મોટું નિવેદન


