Bharuch: ઝઘડિયા દુષ્કર્મની ઘટનાને લઇને મહિલાઓમાં ભારે રોષ, જાણો શું કહ્યું...
- નરાધમની હેવાનિયત બાદ મહિલાઓએ કરી કાયદાની માંગ
- મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવવા કરાઈ માંગ
- ઝારખંડના મંત્રી પીડિતા સુધી આવે તો ગુજરાતના ચૂંટાયેલ પ્રતિનિધિ કેમ નહીઃ મહિલાઓ
- સમગ્ર ગુજરાતમાં જન પ્રતિનિધિઓ સામે મહિલાઓમાં રોષ
Bharuch: ભરૂચ જિલ્લો ઔદ્યોગિક નગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે પરંતુ, આ ઔદ્યોગિક નગરીમાં હવે મહિલાઓની સુરક્ષા નામમાત્ર હોય તેવી તસવીર ઉપસી રહી છે. કારણ કે, ઝઘડિયા GIDC માં 10 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના બાદ તેણીનાં ગુપ્તાંગમાં લોખંડનો સળીયો નાખીને વિકૃતિની હદ વટાવી સગીરાની હત્યાનાં પ્રયાસનાં મામલામાં 3 દિવસ બાદ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પીડિત પરિવારને સાંત્વના પાઠવવા પણ પહોંચતા નથી. આથી, ભરૂચની મહિલાઓમાં પણ આવા નેતાઓ સામે ફિટકાર વરસી રહી છે.
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક નગરી તરીકે વિકસિત થઈ ચૂક્યો છે. ભરૂચ જિલ્લાનાં 9 પૈકી 8 તાલુકામાં વિવિધ મોટા ઉદ્યોગો સ્થપાયેલા છે અને આ ઉદ્યોગોમાં રોજગારી મેળવવા માટે પરપ્રાંતિયો પણ સ્થાનિક મકાનો ભાડેથી રાખી અહીં રહેતા હોય છે. પરંતુ, ગુજરાતની ધરતી પર જ્યારે કોઈ પરપ્રાંતિય ગંભીર પ્રકારનું કૃત્ય કરે ત્યારે તેનું કલંક ગુજરાતને પણ લાગે છે. આ પ્રકારનું જ લાંછન ભરૂચનાં 'નિર્ભયાકાંડ' બાદ ગુજરાતની ભૂમિને લાગ્યું છે.
હજુ સુધી જનપ્રતિનિધિ પીડિત પરિવારને ન મળતા લોકોમાં રોષ
સગીરા જ્યારે બળાત્કારનો ભોગ બની ત્યારે તેણીને સમયસર સારવાર મળે અને તેનો જીવ બચી જાય તેવા તમામ પ્રયાસો પોલીસે કર્યાં હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેની પ્રાથમિક સારવાર બાદ ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાનાં કારણે સર્જરી કરવાની જરૂર હોય છતાં પણ સગીરાનો જીવ બચશે કે કેમ તેવી ચિંતા આજે પણ તાબીબોને સતાવી રહી છે. તબીબોએ પ્રથમ વખત બળાત્કારનો આવો કિસ્સો જોયો હોય તેવી હકીકત વર્ણવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સગીરાની પ્રાથમિક સારવાર રાત્રિનાં 9 વાગ્યાથી બીજા દિવસની સવારે અઢી વાગ્યા સુધી ચાલી હતી અને હોસ્પિટલ પર પોલીસ અને મીડિયા સિવાય એક પણ રાજકીય નેતા ફરક્યા નહોતા, જેના કારણે જનપ્રતિનિધિઓ સામે પણ હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ 'નિર્ભયાકાંડ' બાદ જનપ્રતિનિધિઓ ભૂગર્ભમાં ઉતર્યા!
આ ગોઝારી ઘટના બાદ ભરૂચ જિલ્લાનાં 5 ધારાસભ્ય, 1 સાંસદ, એક પણ સત્તાપક્ષનાં કે વિપક્ષનાં રાજકીય નેતાઓએ ડોકયું સુધ્ધાં કર્યુ ન હતું. જનપ્રતિનિધિ બનવું અને ત્યાર પછી રાજાશાહી જીવન જીવવું તે જનપ્રતિનિધિઓ માટે શરમજનક સાબિત થઈ રહ્યું છે. કારણ કે, સાચા જનપ્રતિનિધિ ત્યારે જ કહેવાય છે જ્યારે મતદારો તકલીફમાં હોય અને જનપ્રતિનિધિ તેમની પડખે ઊભા રહે. પરંતુ, ભરૂચની ઘટના બાદથી જનપ્રતિનિધિઓ તો ભૂગર્ભમાં ઊતરી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બળાત્કારનો ભોગ બનેલી સગીરા વડોદરાની હોસ્પિટલમાં ICU માં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, આવા સમયમાં ઝારખંડનાં મંત્રી આવી જતાં હોય તો સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માનવતાની દ્રષ્ટિએ ભોગ બનનારનાં પરિવારને સાંત્વના પાઠવવા કેમ ન જઈ શકે ? સગીરાને કોઈ તકલીફ છે ? સારવાર માટે રૂપિયાની જરૂર છે કેમ ? એવું ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ન પૂછી શકે ?
આ પણ વાંચો: ગુજરાતને કલંકિત કરતી ઝઘડિયા દુષ્કર્મ ઘટના અંગે પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું ?
આરોપીને કડકમાં કડક સજા થયા તેવા પોલીસનાં પ્રયાસ
આવા નરાધમને તાત્કાલિક સજા કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કહ્યું હતું કે, સમગ્ર પ્રકરણમાં તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં કોઈપણ કચાસ ન રહે અને નરાધમને વહેલામાં વહેલી તકે સજા મળે તે માટે DySP ડોક્ટર કુશલ ઓઝાની આગેવાનીમાં PI, PSI ની એક સમિતિ બનાવવામાં આવી છે અને સમગ્ર પ્રકરણમાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવામાં આવે તેવા તમામ પ્રયાસોમાં જોતરાઈ ગઈ છે
આવા નરાધમોને તો 15 દિવસમાં ફાંસીની સજા કરી દેવી જોઈએ : આશા ઓંકાર
ઝઘડિયા GIDC વિસ્તારનાં 'નિર્ભયાકાંડ' બાદ મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશા ઓંકાર નામની એક મહિલાએ જણાવ્યું કે, જે ઘટના સામે આવી છે તેમાં સગીરાનો જીવ બચી જાય તેવી પ્રાર્થનાઓ કરીએ છીએ. નરાધમે દુષ્કર્મ બાદ તેની માનસિકતા કેટલી વિકૃત થઈ હશે કે તેણે સગીરાને પીંખી લોખંડનો સળીયો નાખી તેણીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આવા વિકૃત માનસિક ધરાવનારને 15 દિવસમાં ફાંસીની સજા થયા તેવા પ્રયાસો કરવા જોઈએ.
આ પણ વાંચો: હવસખોરની ક્રૂરતા સામે માસૂમની ચીસો દબાઈ! ઢસડાતી-ઢસડાતી જ્યારે તે ઘરે પહોંચી તો...
વિદ્યાર્થિનીઓને 'ગુડ ટચ'-'બેડ ટચ' માટે અલગ વિષય જ રખાયો છે : સંગીતા કાપશે
આજનાં સોશિયલ મીડિયાનાં જમાનામાં નરાધમોની માનસિકતા કંઈ હદ સુધી પહોંચી શકે છે તેના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ ડોક્ટરની ગેંગરેપ કરી હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ માં જગદંબાની આરાધનાનાં પર્વ નવરાત્રીમાં પણ ગુજરાતમાં અનેક સ્થળે ગેંગરેપની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે અને હાલ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારની જે ઘટના સામે આવી છે તેમાં તો નરાધમે તમામ હદ્દો વટાવી દીધી છે. અમારી સ્કૂલમાં હું શિક્ષક તરીકે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ કોને કહેવાય તે અંગે સ્કૂલમાં વિષય ફાળવવામાં આવ્યો છે અને આવો વિષય તમામ શૈક્ષણિક શાળાઓમાં પણ હોવો જરૂરી બની ગયો છે.
હું ગુજરાતને સેફ માનતી હતી પરંતુ, આવી ઘટનાઓ સુરક્ષા સામે સવાલો ઊભા કરે છે : અર્ચના
હું આમ તો પરપ્રાંતિય છું ગુજરાત મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સેફ માનવામાં આવતું હતું પરંતુ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કલંકિત કરતી ઘટનાઓ સામે આવી રહી છે અને મહિલાઓ અને બાળકોની સુરક્ષા કરવામાં ગુજરાત સરકાર સંદતર નિષ્ફળ નીવડી છે. એટલું જ નહીં ગુજરાતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ ભોગ બનનારની વાહરે આવતા નથી. સરકાર કેવી રીતે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરી શકે ? પહેલા બેટીઓની સુરક્ષા માટે કડક કાયદો તો બનાવો. ગુજરાતમાં આજે બાળકીઓ અને મહિલાઓ ઘરની બહાર નીકળતા ગભરાઈ રહી છે. ગુજરાત બાળકીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ બની રહ્યો હોય તેવું મારું એક સ્ત્રી તરીકે માનવું છે.
સગીરાની હાલત અત્યંત ગંભીર છે : પ્રેમિલા વરમોરા, સમાજ સુરક્ષા સંગઠન-ભરૂચ
ઝઘડિયા જીઆઇડીસીની ઘટનામાં સગીરાની હાલત અત્યંત ગંભીર છે. સગીર સાથે દુષ્કર્મ કર્યા બાદ સગીરાનાં ગુપ્ત ભાગમાં લોખંડનો સળીયો ઘૂસાડવા બાબતે તેની અંદર સુધી ઈજા થાય છે. અંદર નાજૂક જે પાર્ટ્સ હોય છે તે ગંભીર પ્રકારે ડેમેજ થયા છે. હાલ તે વડોદરાની હોસ્પિટલમાં ICU માં સારવાર હેઠળ છે. ભગવાનને મારી પ્રાર્થના છે સગીરા જે પ્રકારે પીડાઈ રહી છે તે એક મહિલા તરીકે હું પોતે સહન નથી કરી શકતી. ભગવાન તેને આ દુઃખ અને પીડા સહન કરવાની શક્તિ આપે અને તેણીને વહેલી તકે સાજી કરે તેવી મારી ભગવાનને પ્રાર્થના છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ


