Bharuch : જિલ્લામાં 654 ગામમાં સરવેની કામગીરી પૂર્ણ, કપાસ, તુવેર, ડાંગર સહિતનાં પાકોને નુકસાનનું તારણ!
- Bharuch નાં ગામોમાં માવઠાથી પાક નુકસાનીનો સરવે થયો પૂર્ણ
- ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નુકસાનીનો સરવે કરવા માટે 355 ટીમનું ગઠન કરાયું
- 654 ગામોમાં સરવેની કામગીરી પૂર્ણ, કપાસ, તુવેર, ડાંગર, શાકભાજી સહિતનાં પાકોને નુકસાનનું તારણ
Bharuch : જિલ્લામાં પડેલા માવઠાનાં (Unseasonal Rains) કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધનાં ધોરણે સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendrabhai Patel) સૂચના અનુસાર અને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સરવે આંકલનનું કાર્ય યુદ્ધનાં ધોરણે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા ખેતરોમાં જઇને પાકને થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવે છે.
Bharuch માં સરવે માટે 355 ટીમની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા
કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ ઉક્ત 355 ટીમની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા. આ ટીમોમાં ખેતીવાડી ખાતાનાં (Agriculture Department) અધિકારીઓ સિવાય તલાટી મંત્રી, આત્માનાં વિભાગ અને વિસ્તરણ અધિકારી સામેલ છે. આ ટીમો ગામ-ગામની મુલાકાત લઇ સરપંચ, ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરીને પંચરોજકામ અનુસાર માહિતી સંકલિત કરી રહી છે.
ડાંગર, સોયાબીન, કપાસમાં વધુ નુકસાન થયું હોવાનું જણાયું
જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં (Bharuch) જુદા-જુદા પાકનું 2 લાખ 11 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. કમૌસમી વરસાદના પરિણામે ભરૂચ જિલ્લાના 9 તાલુકોમાં ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર અને કઠોળ સહિતનાં પાકને નુકસાન થયું છે. કાપણીનાં તબક્કે રહેલા ડાંગર અને સોયાબીનનાં પાકો સહિત કપાસમાં વધુ નુકસાન થયું હોવાનું સરવેમાં ધ્યાને આવે છે.
આ પણ વાંચો - Ahmedabad : AAP યોજશે 'કિસાન મહાપંચાયત', પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપી માહિતી
કુલ 654 ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના તમામ ગામોને સરવે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તા.3 ની સ્થિતિને ભરૂચ, અંકલેશ્વર (Ankleshwar), હાંસોટ, નેત્રંગ, ઝઘડિયા, આમોદ, વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ 654 ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઇ છે, જેમાં 205454 હેક્ટર વાવેતર પૈકી 189175 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે, જેમાં 33 ટકા કે તેથી વધું 135064 જેટલા હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - Kumarbhai Kanani : સાવરકુંડલામાં બેનર લાગતા રાજકારણ ગરમાયું! MLA કુમારભાઈ કાનાણીની પ્રતિક્રિયા
'રાજ્ય સરકારે પેકેજ જાહેર કરી ખેડૂતોની પીડામાં સહભાગીતા બતાવી'
અંકલેશ્વર તાલુકાનાં તેલવા ગામનાં ખેડૂત મલેક અબ્દુલ લતીફ અહેમદેએ જણાવ્યું કે, મારા ડાંગરનાપાકને ભારે નુકસાન થયું છે. છ મહિનાથી વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેડૂતો પાયમાલ થવાનાં આરે છે. ત્યારે સરકારે તરત યોગ્ય વળતરની ખાતરી આપી છે, તેથી અમારી ચિંતા હવે હળવી થઈ છે. હાંસોટ તાલુકાનાં કલમ ગામનાં ખેડૂત જનક પટેલે જણાવ્યું કે, “અંકલેશ્વર અને હાંસોટ તાલુકાનાં (Hansot) ગામોમાં ડાંગરનાં પાકને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે અને હજું પણ 10 દિવસ બાદ કાપણી કરી શકાય તેમ છે. આ વરસાદના કારણે પ્રોડ્કશનમાં ધણું જ નુકસાન થયું છે. ત્યારે, રાજ્ય સરકારે પેકેજ જાહેર કરી અમારા જેવા ખેડૂતોની પીડામાં સહભાગીતા બતાવી છે.
આ પણ વાંચો - Vadodara : વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો! બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ