Bharuch: ‘શું આદિવાસી લોકો પ્રગતિ ના કરી શકે?’ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીથી આદિવાસી સમાજમાં રોષ
- લગ્નમાં હેલિકોપ્ટર મુદ્દે બિભત્સ કોમેન્ટથી આદિવાસીઓ નારાજ
- આદિવાસીઓએ તીર-કામઠા સાથે કલેક્ટર કચેરીએ દેખાવો કર્યા
- કલેક્ટર કચેરીએ એકત્ર થઇ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી
- સોશિયલ મીડિયામાં ગંદી ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ
Bharuch: ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખરચી ગામનો યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલા યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતાં. જેમાં એક ચરોતરના યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીઓ લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાતા શુક્રવારના રોજ હાથોમાં તીર કામઠા સાથે કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં એકત્ર થઇને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી. નોંધનીય છે કે, લાલભાઈ નામના વ્યક્તિએ અહીં લખી પણ ના શકાય તેવા શબ્દોમાં અભદ્ર ટિપ્પણી કરી હતી. આખરે કોઈની પ્રગતિ જોઈને શા માટે આવી ટિપ્પણીઓ કરવી પડે? હવે આની સામે કાર્યવાહી કરવા માટે આદિવાસી સમાજના યુવાનોએ ઉગ્ર અપીલ કરી છે.
આ પણ વાંચો: બુકી RR, Tommy ઊંઝા, Meet ગુજરાત અને શરાબ માફિયા Viju Sindhi સામે SMC એ ગેમ્બલીંગનો કેસ નોંધ્યો
માતા અને બહેન સુધી અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી!
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઇ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી. જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ
આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેકટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સુત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા, દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈઓ - બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


