Chhota Udepur : નાગરિકોને ડબલ માર, એક તરફ કુદરતી કહેર અને બીજી તરફ વીજકાપની ભરમાર
- છોટા ઉદેપુર જિલ્લાના મુખ્ય મથકના રહીશો વીજ પુરવઠા વિના તડપી રહ્યા છે
- વીજ પુરવઠાની અનિયમિતતા અને કુદરતી આફતો એમ ડબલ માર વેઠી રહ્યા છે
- મેન્ટેનન્સ માટે 10-10 કલાક સુધી વીજકાપ સહન કરેલ જનતા હવે અકળાઈ ઉઠી છે
Chhota Udepur : લાંબા સમયથી છોટા ઉદેપુર (Chhota Udepur) જિલ્લાના મુખ્ય મથક ખાતે વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા ગંભીર બનતી જાય છે. સામાન્ય વરસાદ કે પવન ફૂંકાતા જ સૌથી પહેલા વીજળી ગૂલ થઈ જાય છે. સ્થાનિકોને વરસાદમાં ભીંજાવા કરતા આ કુત્રિમ અંધારપટ અને બફારાથી વધુ સહન કરવું પડે છે. વીજ કંપની દ્વારા 10-10 કલાક મેન્ટેનન્સ કામગીરી ના નામે વીજકાપ છતાં પરિણામ શૂન્ય રહેતા સ્થાનિકોએ અડધી રાત્રે વીજ અધિકારીના ઘરે હલ્લાબોલ પણ કર્યુ હતું. જો કે કમનસીબે તેનુંય પરિણામ શૂન્ય જ આવ્યું છે.
વીજ અધિકારીના ઘરે જ હલ્લાબોલ
છોટા ઉદેપુરના મુખ્ય મથકમાં શનિવારની રાત્રે કોઈ વરસાદ કે પવન ના ફૂંકાતો હોવા છતાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોએ ગરમી અને અંધારપટ વેઠવાનો વારો આવ્યો હતો. તેથી છોટા ઉદેપુર નગરના પેલેસ રોડ ફીડરના વીજ ગ્રાહકોએ MGVCL કચેરીના કમ્પ્લેન નંબર પર સંપર્ક કર્યો હતો. જેનો કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ ઘટનાથી સ્થાનિકો ગુસ્સે થયા હતા. તેઓ અડધી રાત્રે MGVCL ના નાયબ કાર્યપાલક ઈજનેર (Deputy Executive Engineer) ના ઘરે જ પહોંચી ગયા હતા. જો કે અધિકારીએ પરિસ્થિત પારખી જઈને બારણા ખોલ્યા નહતા.
10-10 કલાક મેન્ટેનન્સ છતાં પરિણામ શૂન્ય
તાજેતરમાં જ MGVCL દ્વારા ચોમાસામાં અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે 10-10 કલાક વીજકાપ રાખી કામગીરી કરવામાં આવી હતી. જો કે આ કામગીરીની પોલ 24 કલાકમાં જ ખુલી ગઈ હતી. માત્ર એક નાનકડાં વરસાદી ઝાપટામાં જ વીજ પુરવઠો ફરીથી ખોરવાઈ ગયો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા છોટા ઉદેપુર નગરના પેલેસ રોડ ફીડરના વીજ ગ્રાહકો અકળાયા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
આ પણ વાંચોઃ Relief Package for Dimond Industry : રત્નકલાકારોના હિતમાં રાહત પેકેજ, હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત
ઉનાળા બાદ હવે ચોમાસામાં સમસ્યા
આગ ઝરતા ઉનાળામાં છોટા ઉદેપુર નગરના રહેવાસીઓ મેન્ટેનન્સના નામે રવિવારે રોજ સવારે 6 થી સાંજના 5 કલાક સુધી વીજકાપ સહન કરીને સ્થાનિક વીજ કચેરીને સહકાર આપ્યો હતો. હવે ચોમાસામાં વીજ પુરવઠાની સમસ્યાનો ક્યાંક ને ક્યાંક અંત આવશે તેવી આશાઓ સેવતા નગરજનોની આશા ઠગારી નીવડી છે. સામાન્ય રીતે
પ્રિમોન્સૂન કામગીરી ફેબ્રુઆરી-માર્ચ માસથી શરૂ કરી દેવામાં આવતી હોય છે. જેથી નાગરિકોને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો ખોરવાવા (Power cuts)ની સમસ્યા વેઠવી ન પડે. જો કે હકીકત તેનાથી તદ્દન વિપરિત છે. સ્થાનિકો મેન્ટેનન્સના નામે 10-10 કલાક આગ ઓકતી ગરમી પણ સહન કરી સહકાર આપે છે પરંતુ ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા ઠેરની ઠેર છે.
અહેવાલઃ તોફિક શેખ, છોટા ઉદેપુર...
આ પણ વાંચોઃ Gujarat ATS ની મોટી સફળતા, કચ્છમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ


