Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur: જ્યાં બાળકોનું ઘડતર, ત્યાં જીવનું જોખમ, આટલી આંગણવાડીઓ જર્જરિત!

Chhota Udepur ના નસવાડી તાલુકાના ગોયાવાંટ સહિતના ગામોમાં આંગણવાડી મકાનો જર્જરિત હાલતમાં છે. ગોયાવાંટમાં બાળકો કપાસ અને ગેસ સિલિન્ડર સાથે એક ખાનગી મકાનના જોખમી શેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે, જેનાથી વાલીઓમાં ચિંતા છે. સરપંચના મતે, નવી આંગણવાડીનું કામ બે વર્ષથી તંત્ર દ્વારા નાણાં ન ચૂકવતાં બંધ પડ્યું છે, જેથી તાત્કાલિક નિવારણની માંગ છે.
chhota udepur  જ્યાં બાળકોનું ઘડતર  ત્યાં જીવનું જોખમ  આટલી આંગણવાડીઓ જર્જરિત
Advertisement
  • આંગણવાડીઓની દયનીય સ્થિતિ
  • બાળકોના જીવન પર જોખમ!
  • ખાનગી મકાનના પતરાના શેડ નીચે આંગણવાડીઓ
  • બાળકો જે ઓરડામાં બેસે ત્યાજ કપાસ અને ગેસ સિલિન્ડર

Chhota Udepur:છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી કેટલીક આંગણવાડીઓની હાલત એટલી દયનીય છે કે, જ્યાં નાના ભૂલકાં પાપા પગલી ભરી જીવનનું ઘડતર કરવા જાય છે, તે જ સ્થળો તેમના માટે જીવનું જોખમ બની ગયા છે. જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડીના મકાનોનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે.

કપાસ અને ગેસ સિલિન્ડર વચ્ચે શિક્ષણ

Chhota udepur

Advertisement

નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામમાંમાંથી ચોંકાવનારી વાસ્તવિકતા બહાર આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામમાં આંગણવાડી એક ખાનગી મકાનમાં ચાલી રહી હતી. બાળકો પતરાના શેડ નીચે રમી રહ્યા હતા. સૌથી મોટી બેદરકારી એ જોવા મળી કે, જે ઓરડામાં બાળકોને બેસાડવામાં આવી રહ્યા હતા, તે જ રૂમમાં કપાસનો જથ્થો નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રૂમની બાજુમાં જ રસોડાનો સમાન અને ગેસ સિલિન્ડર પણ મૂકવામાં આવ્યો હતો. આ સ્થિતિ બાળકો માટે એક મોટું જોખમ છે. કપાસ જ્વલનશીલ હોવાથી અને ગેસ સિલિન્ડરની હાજરીને કારણે જો કોઈ નાનો પણ દુર્ઘટના ઘટે તો મોટી જાનહાનિ થઈ શકે છે. વાલીઓ પણ પોતાના બાળકોની સુરક્ષાને લઈને સતત ચિંતામાં છે, પરંતુ સ્થાનિક તંત્રને જાણે માસૂમ બાળકોના જીવની કોઈ પડી ન હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

23 વર્ષ જૂની આંગણવાડી જર્જરિત

Chhota udepur

ગોયાવાંટ ગામના લોકોએ જણાવ્યું કે ગામમાં આવેલી મૂળ આંગણવાડી આજથી લગભગ 23 વર્ષ પહેલાંની છે અને તે હવે સંપૂર્ણપણે જર્જરિત બની ગઈ છે. મકાન એટલું જોખમી છે કે બાળકોને બેસવા માટે તે બિલકુલ યોગ્ય નથી, જેના કારણે ગ્રામજનોને ખાનગી મકાનમાં આંગણવાડી ચલાવવાની ફરજ પડી છે.

મળતી જાણકારી મુજબ ગામના સરપંચે આ મામલે તંત્રની બેદરકારી તરફ ધ્યાન દોરાયું હતુ. તેમણે જણાવ્યું કે નવી આંગણવાડી બનાવવાનું કામ બે વર્ષ પહેલાં જ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ કામ પૂર્ણ થતાં પહેલાં જ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને કામના નાણાં ચૂકવવામાં ન આવતા કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે લાંબા સમયથી નવી આંગણવાડીનું નિર્માણ કાર્ય અટકેલું પડ્યું છે.

મંજૂર છતાં 28 આંગણવાડીનું કામ શરૂ જ ન થયું

નસવાડી તાલુકામાં આંગણવાડી મકાનોની સ્થિતિ વધુ ખરાબ છે. મનરેગા યોજના હેઠળ તાલુકામાં કુલ 112 આંગણવાડી મકાનો મંજૂર થયા હતા. તે પૈકી, અત્યાર સુધીમાં માત્ર 50 આંગણવાડી જ પૂર્ણ થઈ છે, જ્યારે 35 આંગણવાડીનું કામ પ્રગતિમાં છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 28 આંગણવાડી એવી છે જેની કામગીરી હજુ સુધી શરૂ જ થઈ શકી નથી, જેનું મુખ્ય કારણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થવું છે.

વાલીઓ અને ગ્રામજનો હવે તંત્ર પાસે જલ્દીમાં જલ્દી આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. માસૂમ ભૂલકાં કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે જર્જરિત મકાનોના સમારકામ અથવા નવી આંગણવાડીના બાકી કામોને પૂર્ણ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે તે સમયની તાતી જરૂરિયાત છે.

અહેવાલઃ સલમાન મેમણ

આ પણ વાંચોઃ Jamnagar: જુગાર પર પોલીસની તવાઈ, 7 સ્થળો પર દરોડા, 10 શખ્સો ઝડપાયા

Tags :
Advertisement

.

×