ChhotaUdepur: નગરપાલિકાની ચૂંટણીમાં 142 ઉમેદવારો મેદાને, દરેકને છે જીતવાની આશા
- આ પહેલા ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી મેદાને હતી
- છોટાઉદેપુરમાં 28 બેઠકો માટે કુલ 142 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
- આવતી કાલે તારીખ 4થીએ ફોર્મ પરત ખેંચી શકાશે
ChhotaUdepur: છોટાઉદેપુરમાં આગામી ફેબ્રુઆરી 16 મી એ ચૂંટણી યોજાનાર છે. જેથી છેલ્લાં 22 માસ જેટલાં સમયથી સંભવીત ઉમેદવારો ચૂંટણીની કાગડોળે રાહ જોતા હતા. રાજકીય જાણકારોના કહેવા પ્રમાણે છોટાઉદેપુર નગરપાલિકામાં 1996 માં ભાજપે સત્તા હાંસલ કરી હતી. હાલ છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાન સભા બેઠકો, લોકસભા બેઠક તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભાજપા પાસે છે, તેવામાં સત્તા હાંસલ કરવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યો છે.
સાત રાજકીય પાર્ટીઓ નગરપાલિકાની બાગડોર કબજે કરવા મેદાને!
અત્યાર સુધી યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી મેદાનમાં હતી. પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં કહી શકાય સાત સાત રાજકીય પાર્ટીઓ નગરપાલિકાની બાગડોર કબજે કરવા મેદાનમાં ઉતરી છે. આ વખતે પાલિકાની ચૂંટણીમાં અપક્ષો સહીત કોંગ્રેસ, ભાજપ, બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, નવીન ભારત નિર્માણ મંચ દ્વારા વિવિધ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Morbi: ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ, દારૂની કોથળીઓ મૂકી ભાગ્યા લોકો
જાણો કયા વોર્ડમાંથી કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે?
વોર્ડ નંબર 1 માં ભાજપ, કોંગ્રેસ, ગુજરાત સર્વ સમાજ અને અપક્ષ મળી કુલ 14 ઉમેદવારો. વોર્ડ નંબર 2 માં ભાજપ, બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી 15 ઉમેદવારો. વોર્ડ નંબર 3 માં ભાજપ, બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી તેમજ અપક્ષ મળી કુલ 24 ઉમેદવારો. વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ, ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અપક્ષ મળી 21 ઉમેદવારો છે. વોર્ડ નંબર 5 માં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ 21 ઉમેદવારો છે, વોર્ડ નંબર 6 માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, નવીન ભારત નિર્માણ મંચ, ગુજરાત સર્વ સમાજ પાર્ટી તેમજ અપક્ષ મળી કુલ 29 ઉમેદવારો મેદાને છે.
આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી જેલમાં ફરી લોરેન્સ બિશ્નોઈ 'મૌન ઉપવાસ' પર, હવે નિશાના પર કોણ?
ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો મેદાને છે તે કાલે ખબર પડશે
વોર્ડ નંબર 7માં ભાજપ, બહુજન સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી અપક્ષ મળી કુલ 18 ઉમેદવારો એમ કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 142 ઉમેદવારો એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી ઉમેદવારે પત્રો ભર્યા હતાં. વોર્ડ નંબર 1 અને 5 માં ભાજપે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા નથી. જ્યારે વોર્ડ નંબર 2 અને 7 માં કોંગ્રેસે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા નથી. તારીખ 3જીએ ફોર્મ ચકાસણી થશે અને તારીખ 4થીએ ફોર્મ પરત ખેંચાશે. એટલે ચૂંટણી જંગમાં ખરેખર કેટલા ઉમેદવારે મેદાનમાં છે તે તો તારીખ 4જીએ સ્પષ્ટ થશે. અત્રે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકો માટે કોઈપણ પાર્ટીને 28 ઉમેદવારો મળ્યા નથી તે વાત અહીં સ્પષ્ટ થઈ રહી છે.
અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


