CM ભૂપેન્દ્ર પટેલે 4 મનપા, 4 ન.પા. ને દિવાળી ભેટ આપી, 502 કામો માટે રૂ.1664 કરોડની ફાળવણી
- CM Bhupendra patel ની રાજ્યની 4 મનપા અને 4 ન.પા.ને દિવાળી ભેટ
- સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કામોને મંજૂરી
- કુલ 502 કામો માટે 1664 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી
- ભચાઉ, ધાનેરા, ડાકોર, ખેડબ્રહ્મા નપામાં ભૂગર્ભ ગટર યોજનાના કામોને મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) રાજ્યનાં નગરો-મહાનગરોમાં વસતા લોકોનાં જીવનધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે ઈઝ ઓફ લીવિંગમાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Golden Jubilee Chief Minister Urban Development Scheme) અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મહાનગરોને વિવિધ 502 જેટલા વિકાસકામો માટે સમગ્રતયા 1664 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યની 4 નગરપાલિકાઓ ભચાઉ, ધાનેરા, ડાકોર અને ખેડબ્રહ્માને ભૂગર્ભ ગટર યોજના ભાગ-2ના કામો માટે કુલ રૂ. 67.70 કરોડની ફાળવણી કરવાની પણ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. રાજ્યનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરેલી દરખાસ્તોને તેમણે અનુમતિ આપી છે. ગુજરાતની સ્થાપનાનાં 50 વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે 2010 થી આ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી છે.
આ બહુહેતુક યોજનામાંથી નગરો-મહાનગરોમાં ટ્રાફિકભારણ સરળ કરવા, ફ્લાયઓવરબ્રિજ નિર્માણ માટે, અર્બન મોબિલિટી માટે, તેમ જ નગરની આગવી ઓળખ ઊભી કરતાં કામો સાથે રોડરસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા, સ્ટ્રીટલાઈટ, જેવા સામાજિક અને ભૌતિક આંતર-માળખાકીય વિકાસના કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તદઅનુસાર, સુરત (Surat) મહાનગરમાં યાતાયાત સરળ બને અને માર્ગ પરનાં ટ્રાફિકનું ભારણ હળવું થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાને 380 કરોડ રૂપિયા 6 ફ્લાય ઓવરબ્રિજનાં કામો માટે ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
આ પણ વાંચો - Diwali 2024 : તહેવારમાં વધુ 2200 બસો દોડશે, 'ST આપને દ્વારે' પ્રોજેક્ટનો લાભ લેતા નાગરિકો
મુખ્યમંત્રીએ સુરતમાં જે 6 ફ્લાય ઓવરબ્રિજના કામો માટે રૂ. 380 કરોડ મંજૂર કર્યા છે, તેમાં ઈસ્ટ ઝોન એ(વરાછા) વિસ્તારમાં સુરત-કામરેજ રોડ પર એન્ટ્રી એક્ઝિટ રેમ્પ અને શ્યામધામ મંદિર જંક્શન પર ફ્લાયઓવરબ્રિજ, સુરત-બારડોલી રોડ પર એ.પી.એમ.સી. જંક્શન નજીક ફ્લાયઓવર બ્રિજ, વલ્લભાચાર્ય રોડ પર હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ પર જવા માટેનો એન્ટ્રી રેમ્પ, સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોન વિસ્તારમાં મીડલ રિંગરોડ મહારાણા પ્રતાપ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ અને નીલગીરી સર્કલ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ વગેરેનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ (CM Bhupendra patel) અમદાવાદ (Ahmedabad) મહાનગરનાં આઉટગ્રોથ વિસ્તારના 46 જેટલા વિકાસકામો માટે 316 કરોડ રૂપિયા પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ 46 કામોમાં ડ્રેનેજ, સ્યુએઝ પ્લાન્ટ, રોડરસ્તાનાં કામો તેમ જ પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન તેમ જ દક્ષિણ પશ્ચિમ ઝોનના કામો સમાવિષ્ટ છે. તેમણે વડોદરા મહાનગરપાલિકાને પણ આઉટગ્રોથ વિસ્તારના 50 કામો માટે 68.08 કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે. વડોદરા મહાનગરમાં આ કામો અંતર્ગત પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટરનાં કામો, રોડનાં કામો, સ્ટ્રીટ લાઈટનાં કામો સાથે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનના વિવિધ કામો હાથ ધરાશે.
એટલું જ નહીં, વડોદરા મહાનગર પાલિકાને ભૌતિક આંતર-માળખાકીય સુવિધાના પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને જુદા-જુદા ઝોનમાં ગટર, વરસાદી ગટર, બિલ્ડિંગ, બ્રિજ પ્રોજેક્ટ, પાર્ક્સ, ગાર્ડનના કામો વગેરે મળી 370 કામો માટે 755.96 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં 144.43 કરોડ રૂપિયા આંતર-માળખાકીય વિકાસ માટે મંજૂર કર્યા છે. આ રકમમાંથી 38 કરોડ રૂપિયા શહેરની આગવી ઓળખનાં 5 કામો માટે ખર્ચ થશે.
આ પણ વાંચો - આવતીકાલથી PM Modi ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે, અહીં વાંચો કાર્યક્રમોની વિગત
આ કામોમાં કોબા સર્કલથી ઈન્દિરા બ્રિજ, કોબા સર્કલથી તપોવન તથા કોબા સર્કલથી રક્ષાશક્તિ સર્કલ અને રક્ષાશક્તિ સર્કલથી શાહપુર સર્કલ સુધીનાં રસ્તાની બન્ને બાજુ લેન્ડસ્કેપિંગ, બ્યુટિફિકેશન તથા પબ્લિક સ્પેસ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરાશે.
ઉપરાંત, પી.ડી.પી.યુ.-ગિફ્ટ સિટી રોડ પર બ્યુટિફિકેશનની કામીગીરી હાથ ધરાશે.
આ ઉપરાંત રાયસણ, સરગાસણ સહિતનાં વિસ્તારોમાં રોડ-રસ્તાનાં 3 કામ, 6 બગીચાઓનાં નવીનીકરણ, સ્ટોર્મ વોટર વોટર ડિસ્પોઝલ અને ડ્રેનેજ લાઈન સહિતનાં કામો માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ભૌતિક આંતરમાળખાકીય સુવિધાનાં આવા કુલ 13 કામો માટે 97.43 કરોડ રૂપિયાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકામાં સામાજિક આંતર-માળખાકીય સુવિધા માટે રાયસણ ખાતે સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર તથા રાંદેસણ ખાતે નવીન પાર્ટી પ્લોટનાં નિર્માણની કામગીરી, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આંગણવાડીઓ અને પી.એચ.સી. કેન્દ્રોનાં રિનોવેશન અને બાંધકામની કામગીરી સહિતનાં કામો માટે 11 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
સમગ્રતયા ગાંધીનગરને (Gandhinagar) 22 કામો માટે 144.43 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 2021-22 થી 24-25 ના વર્ષોમાં રાજ્ય સરકારે 8 મહાનગરોમાં આંતર-માળખાકીય વિકાસના કામો માટે કુલ 9591.49 કરોડ, આઉટગ્રોથ એરિયાનાં કામો માટે 1388.85 કરોડ અને ફ્લાય ઓવર બ્રિજ માટે 1141.88 કરોડ મળીને સમગ્રતયા રૂપિયા 12,122 કરોડ ફાળવ્યા છે.
આ પણ વાંચો - Gujarat :મુખ્યમંત્રીના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમો


