Chhota Udepur: બોડેલી બસ ડેપોની બિસ્માર હાલત, મુસાફરો હેરાન-પરેશાન
- 2018માં લોકાર્પિત બસ ડેપોની બિસ્માર હાલત
- પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ
- મુસાફરો ભોગવી રહ્યા છે હાલાકી, તંત્રનો લૂલો બચાવ
Chhota Udepur: અદ્યતન સુવિધાઓથી સજ્જ એવા બસ ડેપોની જાળવણીને અભાવે કેવા હાલ થાય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છોટા ઉદેપુરનું બોડેલી બસ ડેપો છે. જ્યારે 2018માં બોડેલી બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સુરક્ષા અને સલામતી માટે સીસીટીવી કેમેરા, પીવાના વોટર કુલર, શૌચાલયથી લઈને તમામ સુખ અને સુવિધાઓથી સજ્જ હતું.
મુસાફરોને હાલાકી
છોટા ઉદેપુરના બોડેલીના બિસ્માર બસ ડેપોથી મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ બસ ડેપોમાં વોટર કુલર મશીન બગડેલું હોવાથી મુસાફરો વેચાતું પાણી લઈને પોતાની તરસ છીપાવવા મજબૂર બન્યા છે. અગન ગોળા વરસાવતી ગરમીમાં બસ ડેપોના વોલફેન બંધ હાલતમાં હોવાથી મુસાફરો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. મુસાફરો ગરમીમાં રાહત મેળવવા માટે ન્યૂઝ પેપર, હાથ રૂમાલનો આશરો લઈ રહ્યા છે. ઈલેક્ટ્રીક રૂમની બિસ્માર હાલત છે. જેમાં જીવંત વાયરો લટકતી અને જોખમી હાલતમાં જોવા મળી રહ્યા છે. બસ ડેપોમાં સીસીટીવી કેમેરા આઉટ ઓફ ઓર્ડર છે અને શોભના ગાંઠીયા સમાન બની ગયા છે. આ સ્થિતિમાં મુસાફરો અને તેમના જાન-માલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે..
આ પણ વાંચોઃ VADODARA : ડ્રેનેજનું ગંદુ પાણી રોડ પર વહેતા ઉબકા ચઢે તેવી સ્થિતી
" સલામત સવારી અને એસટી અમારી"થી તદ્દન ઉલટી હકીકત
છોટા ઉદેપુરના બોડેલી શહેરના બસ ડેપોની બિસ્માર હાલતથી મુસાફરોને ખૂબજ હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે આ અંગે મેનેજમેન્ટને મુસાફરો તેમજ જાગૃત નાગરિકો એ સવાલ કર્યા ત્યારે સરકારી જવાબ મળ્યો છે. મેનેજમેન્ટે અમે ઉપલી કચેરીએ જાણ કરી છે....તેવા નિવેદનથી લૂલો બચાવ કરવામાં આવ્યો છે. માત્ર " સલામત સવારી અને એસટી અમારી" ના સ્લોગન લખી દેવાથી બધું પૂરું થઈ જતું નથી. મુસાફરોને યોગ્ય સલામત અને સુરક્ષા મળશે તો જ નિગમના આવા સ્લોગન અર્થપૂર્ણ સાબિત થાય તેમ છે.
અહેવાલઃ તોફીક શેખ, છોટા ઉદેપુર
આ પણ વાંચોઃ VADODARA : પડતર પ્રશ્નો મુદ્દે મહેસુલી કર્મચારી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન


