Gujarat congress: ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ-જુગાર સામે કોંગ્રેસનો હલ્લાબોલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં 3 જિલ્લાઓમાં અપાયું આવેદન
- ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) ના સમર્થનમાં ત્રણ જિલ્લાઓમાં અપાયું આવેદન
- નશાબંધી અને ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસ સંગઠન પૂર્ણ તાકાતથી મેદાનમાં
- મોરબી, બનાસકાંઠા અને ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલીઓ કાઢી
- પોલીસ અધિક્ષક તેમજ પ્રાંત અધિકારીઓને આપ્યા આવેદનપત્ર
Gujarat congress : ગુજરાતમાં દારૂબંધી અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) અને પોલીસ વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. આજે ગુજરાતમાં નશાબંધીના કાયદાનું કડક અમલ, દારૂ-ડ્રગ્સના વેપલા પર પ્રતિબંધ અને યુવાનોને આ બદીઓથી બચાવવાની માગણી સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં 3 જિલ્લામાંથી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જેમાં મોરબી, બનાસકાંઠા અને ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલીઓ કાઢીને પોલીસ અધિક્ષક તેમજ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપ્યા હતા.
મોરબીમાં જીગ્નેશ મેવાણીના સમર્થનમાં એસપીને આવેદન
કોંગ્રેસ દ્વારા ત્રણ માગ સાથે એસપીને આવેદન અપાયું
નશાબંધીનું કડક પાલન થાય અને નશાનો વેપલો બંધ થાયઃ કોંગ્રેસ
ભારતના ભવિષ્ય એવા યુવાનોને બચાવવામાં આવેઃ કોંગ્રેસ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં બેનરો સાથે આવેદન@jigneshmevani80… pic.twitter.com/I2DO4mSqWb— Gujarat First (@GujaratFirst) November 28, 2025
મોરબી જિલ્લામાં કોંગ્રેસના બેનર સાથે SPને આવેદન
મોરબી જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ બેનરો લઈને SP કચેરીએ પહોંચી 3 મુખ્ય માગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે, નશાબંધીના કાયદાનું કડક પાલન થવું જોઈએ, દારૂ-ડ્રગ્સનો વેપલો તાત્કાલિક બંધ કરવો જોઈએ, ભારતના ભવિષ્ય એવા યુવાનોને આ બદીઓથી બચાવવા જોઈએ.
જીગ્નેશ મેવાણીના સમર્થનમાં બનાસકાંઠાના ડીસામાં રેલી
જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આપના નેતાઓ પણ આવ્યા
રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનો જોડાયા
મોટી સંખ્યામાં સમર્થકો રેલી કાઢી પ્રાંત કચેરીએ આવેદન આપ્યું@jigneshmevani80 @INCGujarat #Deesa #Banaskantha… pic.twitter.com/tJavtye4RE— Gujarat First (@GujaratFirst) November 28, 2025
બનાસકાંઠાઃ ડીસામાં રેલી, AAP ના નેતાઓ પણ જોડાયા
બનાસકાંઠાના ડીસામાં જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) ના સમર્થનમાં મોટી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં સમર્થકો રેલીમાં સામેલ થયા બાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગીર સોમનાથઃ ઉનામાં પણ આવેદન, ગીરગઢડામાં ખનીજ ચોરીના પણ આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા વિસ્તારમાં પણ ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનમાં દારૂ, ડ્રગ્સ અને જુગાર (વિશેષ કરીને વરલી મટકા) જેવી બદીઓ દૂર કરવાની માગ કરવામાં આવી હતી. સાથે જ ગીરગઢડા વિસ્તારમાં બેફામ દારૂનો ધંધો, વરલી મટકા જુગાર તેમજ ખનીજ ચોરીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું નેતૃત્વ પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કર્યું હતું.
કોંગ્રેસ સંગઠન પૂર્ણ તાકાતથી મેદાનમાં ઊતરી આવ્યું
ઉલ્લેખનીય છે કે, આમ એક જ દિવસમાં 3 અલગ-અલગ જિલ્લાઓમાં જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) એ ઉઠાવેલા નશાબંધી અને ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસ સંગઠન પૂર્ણ તાકાતથી મેદાનમાં ઊતરી આવ્યું છે. આગામી દિવસોમાં વધુ જિલ્લાઓમાં આવા કાર્યક્રમો થવાની શક્યતા છે.
આ પણ વાંચો: SIR કામગીરી દરમિયાન ગુજરાતમાં 5થી વધુ BLOના નિધન થયા: કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી


