કચ્છની ઠગ ટોળકી સક્રિય, સસ્તું સોનુું આપવાના બહાને મહિલા સાથે કરી કરોડોની છેતરપિંડી, 4 ની પોલીસે કરી ધરપકડ
હૈદરાબાદની એક મહિલાને કચ્છની કુખ્યાત ઠગ ટોળિકીએ કરોડો રૂપિયાના શીશામાં ઉતારી હોવાનું સામે આવી રહ્યું છે. મહિલાને સસ્તા સોનાની લાલચ આપી આ ઠગ ટોળકીએ અંદાજે 2 કરોડની ચીટીંગ કરી હતી. તેટલું જ નહીં પૈસા પાછા આપવાના બહાને આ ઠગ ટોળકીએ મહિલા પાસેથી વધુ 26 લાખની પણ ચીટીંગ કરી હતી. ઠગ ટોળકીના 4 આરોપીઓ વિરુદ્ધ મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતા LCB એ તેમની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરતા તેમને 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
મુળ હૈદરાબાદના સિંકદરાબાદની શૈલજા વેંકટેશ યામુસાની એક શાળા ચલાવે છે. જેને સસ્તું સોનું તેમજ વ્યવસાયમાં નફો મેળવવાની લાલચ આપી આ આરોપીઓએ અલગ-અલગ સમયે 2 કરોડ રૂપિયા લીધા હતા પરંતુ જ્યારે તે રકમ પાછી ન આપી ત્યારે મહિલાએ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી અને બાદમાં ભુજ LCB એ 8 શખ્સોમાંથી 4 ની ધરપકડ કરી હતી. LCB એ કુખ્યાત ઠગ મીઠિયા આલી મંડળીના ભુજના રહીમનગરના હનીફ ઉર્ફે મીઠિયો ઉર્ફે મીઠુ નુરમામદ સોઢા તથા તેના બે પુત્રો જાકીર અને અમીન તેમજ માંડવી તાલુકાના શેરડીના ગાભા સુજાભાઇ સંઘારની અટકાયત કરી ભુજની કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતાં આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
કચ્છની આ ઠગ ટોળકીના ધરપકડ કરાયેલા આરોપીઓમાં હનીફ ઉર્ફે મીઠિયો તેમજ તેના બે પુત્રો ઉપર આવા જ ઠગાઇના અગાઉ પણ કેસ નોંધાઇ ચૂક્યા છે, ત્યારે ગાભા સંઘાર ઉપર પણ ઠગાઇ, ચોરી અને મારામારી સહિતના અનેક કેસો નોંધાઇ ચૂક્યા હોવાથી ચારે આરોપીઓનો ઇતિહાસ ગુનાઓથી ખરડાયેલો છે. વર્ષ 2019 માં હૈદરાબાદની ભોગ બનનાર આ મહિલાએ એક અજય નામના શખ્સ સાથે વ્યાપાર શરૂ કર્યો હતો. જે પછી તે વિદેશમાં ચાલ્યા ગયા હતા. તેમના પરત આવ્યા બાદ બિઝનેસ પાર્ટનર અજયે આ ઠગ ટોળકીના એક સભ્ય હનીફ ઉર્ફે મીઠાયા સોઢાની સુનીલ પટેલ તરીકે ઓળખ આપી તેનો પરિચય કરાવ્યા હતો. જે પછી આ ઠગ ટોળકીએ 11 કિલો સોનું હોઇ મહિલા પાસેથી મોટી રકડ પડાવી લીધી. જોકે, જ્યારે તે પરત ન મળ્યા તો મહિલાએ આ ઠગ ટોળકીના 8 શખ્સ સામે પોલીસ ફરિયાદ કરી હતી. સૌથી નવાઈની વાત એ છે કે, મહિલા સાથે ઠગાઈ થયા બાદ આજ ઠગ ટોળકીના અન્ય સાગરીતોએ મહિલાને પૈસા પાછા આપવાની લાલચ આપી વધુ 26 લાખ પડાવી લીધા હતા. હવે આ સમગ્ર મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર લોકોની શોધખોળ શરૂ કરી છે. વળી પોલીસે આ પ્રકારની સસ્તા સોનાની લાલચમાં ન ફસાવવાની પણ લોકોને અપીલ કરી છે.
આ પણ વાંચો - ભાવનગર મનપા કચેરીની કામગીરી સામે શખ્સનો અનોખો વિરોધ, વીડિયો જોશો તો કાળજું કંપી જશે


