અમદાવાદમાં Builder હિંમત રુદાણી ની હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા
- અમદાવાદના જાણીતા બિલ્ડર હિંમત રુદાણી ની હત્યા કરવામાં આવી
- પોલીસે આ હત્યાની સઘન તપાસ કરીને ગણતરીના કલાકમાંજ 3 આરોપી ની કરી ધરપકડ
- બિલ્ડરની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં વધુ એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી જાણીતા બિલ્ડર હિંમત રુદાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લઈ, વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
બિલ્ડર હિંમત રુદાણી હત્યામાં ત્રણ આરોપી પકડાયા
ઓઢવ પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ (રહે. હિરાવાડી, ચાર રસ્તા, અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ, શીરોહી, રાજસ્થાન) અને એક સગીરનો સમાવેશ થાય છે. ત્રણેયને રાજસ્થાનના શીરોહીમાંથી પકડવામાં આવ્યા છે અને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. CCTV ફૂટેજ અને ફોન રેકોર્ડના પુરાવાઓએ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરી હતી.
મૃતકની ઓળખ
મૃતક હિંમત રુદાણી અમદાવાદના જાણીતા બિલ્ડર અને પાટીદાર અગ્રણી હતા. તેમની કંપની ડી.વી. ડેવલપર્સ અનેક મોટા પ્રોજેક્ટ્સમાં સામેલ છે. આ ઘટનાએ શહેરમાં આઘાત અને શોકનું મોજું ફેલાવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની પૂછપરછ બાદ ગુનાના હેતુ અને સંજોગો અંગે વધુ માહિતી મળવાની શક્યતા છે.
આ પણ વાંચો: અમદાવાદના પાલડી વિસ્તારમાં યુવકની હત્યા મામલે પોલીસે 6 આરોપીની કરી ધરપકડ


