Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

થરાદ : મહિલાના સાસરીયાઓએ કરી હત્યા અને લાશને લગાવી ઠેંકાણે, હવે ફૂટ્યો ભાંડો

થરાદના આંતરોલ ગામે સાટા પ્રથામાં 30 વર્ષીય બે બાળકોની માતા સોરમબેન નાઈ નામની પરણીતાની હત્યા કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયેલા હોવાના કારણે ઘરમાં વારંવાર થતાં ઝઘડાઓને લઈને મહિલાના સાસરીયાઓએ તેની...
થરાદ   મહિલાના સાસરીયાઓએ કરી હત્યા અને લાશને લગાવી ઠેંકાણે  હવે ફૂટ્યો ભાંડો
Advertisement

થરાદના આંતરોલ ગામે સાટા પ્રથામાં 30 વર્ષીય બે બાળકોની માતા સોરમબેન નાઈ નામની પરણીતાની હત્યા કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયેલા હોવાના કારણે ઘરમાં વારંવાર થતાં ઝઘડાઓને લઈને મહિલાના સાસરીયાઓએ તેની હત્યા કરી તેની લાશને તળાવમાં ફેંકી દઈ આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. જોકે, થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી સાસુ-સસરા અને દિયરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

થરાદ તાલુકાના આંતરોલ ગામના તળાવમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થરાદ પોલીસને 27 મેના થતાં થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના સ્થળે મહિલાનો મોબાઇલ મળ્યો હતો અને તળાવમાંથી મહિલાની લાશ બહાર નીકાળી અને થરાદ રેફરલમાં પીએમ અર્થે મોકલી દેવાઇ હતી. જોકે, પોલીસે ત્યારબાદ ત્રણ ટીમો બનાવી અને આ મહિલાની હત્યા અંગે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ તપાસમાં ઘર કંકાશમાં મહિલાની હત્યા કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement

27 મેના આંતરોલ ગામના તળાવમાંથી સોરમબેન નાઈ નામની મહિલાનો મૃતદેહ મળ્યો હતો અને તે આત્મહત્યા નહીં પરંતુ હત્યાની શંકાને લઈને પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને ત્રણ ટીમોની રચના કરી હતી અને થરાદ પોલીસની ત્રણ ટીમો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. જોકે, પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોને આધારે હત્યાનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. ત્યારે શકમંદ એવા મૃતક મહિલાના સાસુ સસરા અને દિયરની પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી અને જેમાં થરાદ પોલીસને સફળતા મળી હતી. જોકે પોલીસ પુછપરછમાં મહિલાના હત્યારા એવા આરોપીઓએ મહિલાની હત્યા કરી દીધી હોવાની કબુલાત કરી હતી. આરોપીઓની કબુલાતમાં હત્યાનો સમગ્ર મામલો સાટા પ્રથાની બાબતમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક સોરમબેનની નણંદ રમીલાબેન નાઈની સગાઈ રાજસ્થાનના ગુંદઉં ગામમાં મૃતક પરણિતાના ભાઈ સાથે કરેલી હતી. જોકે, તેની નણંદ રમીલાબેનના લગ્ન નહીં કરાવતા એકમાસ પહેલા મૃતક મહિલાના પિતા તેની સાસરી આંતરોલમાં નણંદ માટે ચાંદીના કડલા અને તોડા લઈને આવ્યા હતા. આ દાગીનાને લઈને આરોપી એવા તેની સાસુ વાદળીબેન નાઈએ કડલા અને તોડા નાના લાવવા બાબતે બોલચાલ શરૂ કરી હતી અને ત્યારબાદ મૃતક સોરમબેન નાઈને તેના પિયરીયા વિશે મહેણાં મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાટા પ્રથાનો અણગમો રાખી સાસુ સસરા અને દિયરે સોનમબેન નાઈની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. સસરા તગાભાઈ નાઈ, સાસુ વાદળીબેન નાઈ અને દિયર રાજુભાઈ નાઈએ 24મે મૃતક સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ કાવતરું રચી રાત્રે 3 વાગે મૃતક સોરમબેન તેના પતિથી અલગ ઘરમાં સૂતી હતી ત્યારે સસરા તગાભાઈ અને સાસુ વાદળીબેને મૃતક મહિલાના પગ તથા હાથ પકડી રાખ્યા હતા અને દિયર રાજુભાઈએ સોરમબેનના માથામાં ઓઢવાની ચુંદડીથી તેનું મોઢું દબાવી અને એક હાથ વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી.

Advertisement

ત્યારબાદ મૃતકનો નાનો દીકરો જાગી જતા સાસુ વાદળીબેને નાના દીકરાને ઢાળીયાના બાજુમાં સુવડાવી દીધો હતો અને ત્યારબાદ મૃતક સોરમબેનની લાશને એક કોથળામાં ભરી ટ્રેક્ટર પર મૂકી અને આંતરોલ ગામના તળાવમાં લઈ જઈને તળાવમાં નાખી દીધી હતી અને ગુનો છુપાવવા માટે બીજી રાત્રે સવારે સાડા પાંચ વાગે સસરા તગાભાઈએ તળાવની નજીક મૃતક સોરમબેનનો મોબાઇલ મૂકી દીધો હતો. જોકે, મૃતક સોરમબેન ગુમ થવાની પોલીસને જાણ કરાઈ હતી અને મોબાઈલ લોકેશનને આધારે મૃતકનો મોબાઈલ તળાવના કિનારે મળ્યો હતો. ત્યારબાદ મૃતકની લાશ તળાવમાંથી મળી હતી. જોકે, પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ત્રણ ટીમોની રચના કરી હતી અને થરાદ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વિલન્સ અને બાતમીદારોને આધારે પૂછપરછ કરતા શંકા સાસુ સસરા અને દિયર પર ગઈ હતી. ત્યારબાદ પોલીસે આ ત્રણેયની અટકાયત કરી હતી અને પોલીસની પૂછપરછમાં આખા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. જોકે, સાટા પ્રથામાં એક મહિલાનો ભોગ લેવાયો હતો જેમાં પોલીસે સાસુ વાદળીબેન સસરા તગાજી અને દિયર રાજુ નાઇની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા હતા.

આ પણ વાંચો - પંચમહાલ : ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારોમાં નલ સે જલ યોજના માત્ર કાગળ પર, મહિલાઓ પરેશાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સચિન શેખલીયા

Tags :
Advertisement

.

×