VADODARA : પાલિકાની સભામાં પાણી, હોટલ-મોલના દબાણના મુદ્દે કોર્પોરેટર ગર્જ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત પૂરની પરિસ્થિતી બાદ ગતરોજ પ્રથમ વખત પાલિકાની સામાન્ય (VMC GENERAL BOARD MEETING) સભા મળી હતી. જે ભારે તોફાની રહી હતી. પાલિકાની સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મળીને અપુરતા પાણીનું વિતરણ, વિશ્વામિત્રી નદીના પટમાં અગોરા મોલ (AGORA MALL - VADODARA) અને સયાજી હોટેલ (SAYAJI HOTEL - BHIMNATH BRIDGE, VADODARA) જેવા મસમોટા દબાણો સહિતના મુદ્દે ધારદાર રજુઆતો કરી હતી. આમ, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના કોર્પોરેટરોએ લોકોના પ્રશ્ને બરાબરના ઘેર્યા હતા.
જરૂરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી નથી
વોર્ડ નં - 1 ના કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ કહ્યું કે, આ સૌથી કલંકિત બોર્ડ ગણાય. વર્ષની શરૂઆતમાં હરણી બોટ કાંડ અને બાદમાં સત્તાપક્ષ સર્જિત પુરમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂર બાદ આ પ્રથમ સભા મળી હતી. તેમણે લોકોને પાણીમાં ડુબાડ્યા અને પીવાના પાણીમાં માંદા પાડ્યા છે. અમારા વોર્ડમાં લોકો ગંદા પાણીથી લોકો ચાર મહિનાથી ત્રાહીમામ પોકારી ગયા છે. છતાં પણ તેમના પેટનું પાણી નથી હાલતું. પાલિકાના પાણી વિતરણ વિભાગમાં પણ જરૂરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી નથી. જેથી પ્રશ્નો જલ્દીથી ઉકેલાઇ નથી રહ્યા. તેની રજુઆત હતી.
બે ઇંચ વરસાદ પડે, તો આખું વડોદરા શહેર પાણી પાણી થઇ જશે
વધુમાં તેમણે જણાવ્યું કે, બીજી શહેર કક્ષાએ રજુઆત હતી. પૂર બાદ સત્તાધીશોએ લોકોને ઉંધા ચશ્મા પહેરાવવાનું કાવતરું કર્યું હતું. તેમાં વિશ્વામિત્રીમાં તેમને માત્ર 15 જ દબાણો દેખાયા. તે પણ નાના લોકોના દબાણો દેખાયા. તેમાં આખું અગોરા મોલ વિશ્વામિત્રી કિનારે છે, તેનું કોઇ નામ નહીં. વિશ્વામિત્રી નદીના ગ્રીન ઝોનમાં કેટકેટલા દબાણો થયા છે, તેનું કોઇ નામ નહીં. સયાજી હોટલ આખીને આખી વિશ્વામિત્રી નદી પર છે, તમે તોડવા જાવ તો અડધો ભાગ તેનો તુટે, છતાં તેનું પણ નામ નહીં. દબાણો તોડવાની જગ્યાએ તમે જે કામ કરો છો, તેમાં લખી રાખો કે જો આજે પણ બે ઇંચ વરસાદ પડે, તો આખું વડોદરા શહેર પાણી પાણી થઇ જશે. તમે તોડવામાં વ્હાલા દવ્યાલાની નિતી રાખો છે. માલેતુજારોને સાચવો છે, અને સામાન્ય નાગરિકને દંડો છો.
અધિકારીઓ કોના પ્રેશરથી પાણીની ચોરી નથી પકડી રહ્યા, તે સમજાતું નથી
વોર્ડ નં - 13 ના ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ જણાવ્યું કે, વડોદરામાં પૂરમાં પાણી આવ્યું, પરંતુ બે મહિનાથી લોકોના પાણીના ટાંકીમાં પીવાનું પાણી નથી આવ્યું. બાપોદ, નાલંદા, ગાજરાવાડી, આયુર્વેદિક ટાંકીમાં પાણીની ઘટ પડી રહી છે. આ ઘટ કઇ રીતે દુર કરવી તે સિસ્ટમ પણ આપણે નાંખેલી છે. રૂ. 200 કરોડના ખર્ચે સ્કાડા સિસ્ટમ નાંખી હોય, તો તેનો ફાયદો થવાની જગ્યાએ, પાણીનું લિકેજ અને ચોરી થઇ રહી છે. આજવા સરોવર 213 ફૂટ હોય ત્યારે તેવું કહેવાય કે, આખુ વર્ષ પાણીની સમસ્યા આપણને નહીં રહે. આપણે નર્મદા કેનાલમાંથી નહીં છોડવું પડે. પૂરને બે મહિના નથી થયા ત્યાં તો પાણીની સમસ્યા સામે આવી રહી છે. અધિકારીઓ કોના પ્રેશરથી પાણીની ચોરી નથી પકડી રહ્યા, તે સમજાતું નથી.
આ પણ વાંચો -- VADODARA : મેડીકલ વેસ્ટનો અયોગ્ય નિકાલ કરનાર સામે આકરી કાર્યવાહી


