VADODARA : સર્કલના નામને લઇને વિવાદ, કોર્પોરેટરે કૂચડો ફેરવતા પોલીસ બોલાવવી પડી
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી-ભાયલી વિસ્તારમાં સર્કલના નામકરણનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. ગતરોજ શહેરના ગોત્રી તળાવ પાસેના તળાવનું નામ કોર્પોરેટર નિતિન દોંગા દ્વારા પારેશ્વર મહાદેવ સર્કલ કરવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. સાથે જ નિલાંબર સર્કલને લાલગુરૂ સર્કલ તરીકે જાહેર કર્યું હતું. જો કે, આ તક્તી હટાવી લેવામાં આવતા તેઓ આક્રોશિત થયા હતા. અને સોશિયલ મીડિયા લાઇવમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ બિલ્ડરની તક્તી પર કેસરિયો કૂચડો ફેરવવાનો પ્રયાસ કરતા લોકો એકત્ર થઇ ગયા હતા. અંતમાં પોલીસને બોલાવવી પડી હતી.
બિલ્ડરોની મનમાની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો
વડોદરામાં ગોત્રી-ભાયલી વિસ્તારમાં પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવેલા સર્કલના નામને લઇને વિવાદ ચાલી રહ્યો છે. વોર્ડ નં - 10 ના ભાજપના કોર્પોરેટર દ્વારા બિલ્ડરના નામકરણને હટાવીને સર્કલ પાસેની જાણીતી જગ્યાના નામે સર્કલનું નામકરણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ તેમના દ્વારા આ અંગે પાલિકામાં રજુઆત કરી હતી. પરંતુ કોઇએ વાત ધ્યાને ના લેતા સતત બીજા દિવસે તેમના દ્વારા સર્કલનું નામકરણ કરવામાં આવ્યું છે. અને બિલ્ડરોની મનમાની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. તાજેતરમાં તેમના દ્વારા નિલાંબર સર્કલની જગ્યાએ લાલ ગુરૂ સર્કલ ની તક્તી મુકવામાં આવી હતી. જેને બિલ્ડર દ્વારા હટાવવામાં આવતા વિવાદ થયો હતો. બાદમાં તેમણે સ્થળ પર પહોંચીને કૂચડો ફેરવતા માથાકુટ થઇ હતી. અને અંતે પોલીસ બોલાવવી પડી હતી.
આ વડોદરા તમારા બાપની જાગીર નથી
વોર્ડ નં - 10 ના કોર્પોરેટર નિતિન દોંગાએ સોશિયલ મીડિયાના લાઇવમાં જણાવ્યું કે, વડોદરાના બિલ્ડરો એટલા તો ફાટી ગયા છે. કાલે અમારા પારેશ્વર મહાદેવ સર્કલની તક્તીઓ રોડ પર ફેંકી દીધી હતી. આજે ભરત પારીખના માણસોએ લાલ ગુરૂની તક્તીઓ રોડ પર ફેંકી છે. હું વડોદરાના બધા જ બિલ્ડરોને હેવા માંગું છુ, આ વડોદરા તમારા બાપની જાગીર નથી. હવે તમે આ તક્તીને હાથ લગાડીના બતાવજો. સમજો છો શું તમે તમારા મનમાં અમારા ભગવાન-ગુરૂઓની તમારા મનમાં કોઇ કિંમત નથી. આટલા બધા ફાટી ગયા છો. આ નિતિન દોંગા છે, કોઇનાથી બીતો નથી.
આ પણ વાંચો -- VADODARA : અગોરા મોલને રૂ. 711 કરોડનું દેવું, ઇ-ઓક્શનની પ્રક્રિયા શરૂ


