VADODARA : વાહનોની હરાજીમાં શહેર પોલીસને અપસેટ વેલ્યૂ કરતા વધુ આવક થઇ
VADODARA : વડોદરા પોલીસ દ્વારા ડિટેઇન કરીને લાંબા સમયથી મુકી રાખવામાં આવેલા વાહનોની હરાજી કરવામાં આવી રહી છે. અગાઉ ટ્રાફિક વિભાગ દ્વારા વાહનોની હરાજી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે વડોદરાના ડી ડિવિઝન પોલીસ મથકમાં આવતા ત્રણ પોલીસ મથકોમાં ભંગાર હાલતમાં પડેલા 26 વાહનોની હરાજી કરવામાં આવી છે. જેમાં અપસેટ વેલ્યૂ કરતા વધારે રકમ મળી છે. આ હરાજી ગોત્રી પોલીસ મથક ખાતે આયોજિત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. (THREE POLICE STATION UNCLAIMED VEHICLE AUCTION - VADODARA)
ગોત્રી, અટલાદરા અને જે.પી. રોડ પોલીસ મથકના વાહનોનો નિકાલ
વડોદરા પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં વિવિધ ગુનાના કામે ડિટેઇન કરેલા બિનવારસી વાહનોના નિકાલની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોની હરાજી કરવામાં આવી હતી. જેમાં નિયત કરેલી અપસેટ વેલ્યૂ કરતા વધારે કિંમત મળી હતી. તે બાદ આજરોજ વડોદરા શહેર પોલીસના ડી ડિવિઝનમાં આવતા ગોત્રી, અટલાદરા અને જે.પી. રોડ પોલીસ મથકના મળીને કુલ 26 વાહનોની હરાજી કરવામાં આવી છે. આ વાહનોની અપસેટ વેલ્યૂ રૂ. 1.53 લાખ રાખવામાં આવી હતી.
એસીપી કાટકડ તથા ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા
જેની સામે હરાજીમાં તમામ વાહનોની મળીને રૂ. 1.95 લાખ કિંમત મળી છે. આ હરાજી ટાણે એસીપી કાટકડ તથા તમામ પોલીસ મથકના ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, હરાજીમાંથી મેળવેલ રૂ. 1.95 લાખને સરકારની ટ્રેઝરીમાં જમા કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : ડિલીવરીના ડેસ્ટીનેશન સુધી પહોંચે તે પહેલા જ રૂ. 22 લાખનો વિદેશી દારૂ જપ્ત


