VADODARA : કોમન રિવ્યૂ મિશનના સદસ્યોએ લાલજીપુરાના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો
VADODARA : ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૯ સદસ્યોનું બનેલું કોમન રિવ્યૂ મિશન (common review mission) છેલ્લા બે દિવસથી વડોદરા (Vadodara) જિલ્લાના ગ્રામ વિસ્તારો અને વડોદરા શહેરમાં સરકારી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ અને ગુણવત્તાની સમીક્ષા માટે તલસ્પર્શી મુલાકાત લઈ રહ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા મિશનના સદસ્યોને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
લાભોની ઉપલબ્ધિ અને સેવા ગુણવત્તાની ઝીણવટભરી માહિતી મેળવી
મિશનના સદસ્યો એ વડોદરા તાલુકાના લાલજીપુરા ગામે,આરોગ્ય તંત્રના માત્ર પાયાના કાર્યકરોને સાથે રાખીને લગભગ અર્ધો દિવસ વિતાવિને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને આરોગ્ય કાર્યક્રમો હેઠળના લાભોની ઉપલબ્ધિ અને સેવા ગુણવત્તાની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
જમનાબાઈ હોસ્પિટલ અને શહેરી આરોગ્ય કેન્દ્રોની મુલાકાત, નિરીક્ષણ અને સંવાદ કર્યો
મિશનના સદસ્યોએ સોખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સમયે પણ ઉપસ્થિત દર્દીઓની સીધી પૂછપરછ કરીને જાણકારી લીધી હતી. અને તબીબી અધિકારી તથા આરોગ્ય કર્મચારીઓ પાસેથી લોક આરોગ્ય રક્ષા માટેના કાર્યક્રમો અને યોજનાઓ અમલીકરણ ની પદ્ધતિની વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી. મિશન ના સદસ્યો ગ્રામ જન આરોગ્ય સમિતિઓ ના સભ્યો, ગામના આગેવાનો અને પદાધિકારીઓ સાથે સંવાદ કરીને જાણકારી મેળવી રહ્યા છે. તેમણે સયાજી હોસ્પિટલ ઉપરાંત જમનાબાઈ હોસ્પિટલ અને શહેરી આરોગ્ય કેન્દ્રોની મુલાકાત, નિરીક્ષણ અને સંવાદ કર્યો. આ ઉપરાંત ઔષધ અને રસી ભંડારોનું નિરીક્ષણ કરીને સંગ્રહ વ્યવસ્થા સહિતની કાર્ય પધ્ધતિ જાણી હતી.
આ પણ વાંચો -- VADODARA : ડિજીટલ અરેસ્ટ કેસમાં 100 ટકા રકમ પરત અપાવતી સાયબર ક્રાઇમ પોલીસ


