VADODARA : ફટાકડા સ્ટોરની મંજુરી ઝડપભેર આપવા માંગ, તંત્રની સુસ્તી સામે નારાજગી
VADODARA : દિવાળી (DIWALI - 2024) પર્વને હવે જુજ દિવસો બાકી છે, ત્યારે ફટાકડાના વેપારીઓ ગ્રાહકોની જગ્યાએ પાલિકાની મંજુરીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પોલો ગ્રાઉન્ડ (POLO GRAUND - VADODARA) પર દર વર્ષે લાગતા ફટાકડા સ્ટોલના માલિકો દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવા છતાં મંજુરીની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી હોવાના આરોપ તંત્ર પર મુકવામાં આવી રહ્યા છે. હાલમાં દિવાળીની ખરીદી વેગ પકડી રહી છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા પણ વેપાર-ધંધાને ધ્યાને રાખીને સત્વરે મંજુરી આપવામાં આવે તેવી વેપારીઓની માંગ છે. તો બીજી તરફ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરે મીડિયાને જણાવ્યું કે, અરજી અનુસંધાને સ્થળ તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવે છે. અત્યાર સુધીમાં 22 સ્ટોલને એનઓસી આપવામાં આવી છે.
તમામ તૈયારીઓ કરી દીધી હોવા છતાં મંજુરીની રાહ
દિપાવલી પર્વને હવે એક સપ્તાહ જેટલો જ સમય બાકી છે, ત્યારે માર્કેટમાં ખરીદી માટે લોકોની ચહલ પહલ વધી છે. લોકો મનપસંદ ફટાકટા ખરીદી શકે તે માટે સ્ટોલ ધારકોએ પણ તૈયારી કરી લીધી છે. વડોદરાના સૌથી મોટા પોલો ગ્રાઉન્ડ ખાતેના ફટાકટા સ્ટોરમાં તમામ તૈયારીઓ કરી દીધી હોવા છતાં મંજુરીની રાહ વેપારીઓ જોઇ રહ્યા છે. મંજુરી આપવા માટે તંત્રની સુસ્તી સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોઇ પણ દુર્ઘટના ના સર્જાય તે માટે ફાયર વિભાગ દ્વારા તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ જ મંજુરી આપવામાં આવે છે.
22 જગ્યાએ એનઓસી આપી છે
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર નિકુંજ આઝાદે મીડિયાને જણાવ્યું કે, વડોદરા શહેરમાં ઓનલાઇન 47 અરજીઓ આવી હતી. બાદમાં જે તે વિસ્તારના અધિકારીઓને સ્થળ તપાસ કરાવીને સુચનોનું પાલન થાય તે રીતે 22 જગ્યાએ એનઓસી આપી છે. જેમ જેમ તેમના દ્વારા સુવિધાઓ કરવામાં આવશે તેમ તેમ તેમને એનઓસી આપવામાં આવશે. દિવાળીના અનુસંધાને જાહેર નોટીસ આપી છે. લોકોએ શું કરવું અને શું ના કરવું તે સંબંધિત વિગતવાર માહિતી તેમાં આપવામાં આવી છે. સાથે જ દિવાળીના તહેવાર ટાણે દરેક ફાયર સ્ટેશનોમાં પુરતો સ્ટાફ છે.
આ પણ વાંચો -- VADODARA : કારનો કાચ તોડીને સામાનની ચોરી, એક જ પેટર્નથી બે ઘટનાને અંજામ


