VADODARA : માથાભારે કલ્પેશ કાછીયા વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ ઇશ્યુ
VADODARA : વડોદરા (VADODARA) માં વ્યાજખોરીમાં સંડોવાયેલો માથાભારે કલ્પેશ કાછીયાને (PRIVATE MONEY LENDER KALPESH KACHIYA) શોધવા માટે પોલીસ વિતેલા 11 દિવસથી તનતોડ મહેનત કરી રહી છે. પરંતુ કંઇ હાથ લાગતું નથી. ત્યારે કલ્પેશ કાછીયો વિદેશ ભાગી જવાની આશંકાને ધ્યાને રાખીને પોલીસે તેના વિરૂદ્ધમાં લુક આઉટ નોટીસ ઇશ્યુ કરી છે. જેથી હવે માથાભારે કલ્પેશ કાછીયાનું દેશ છોડવું મુશ્કેલ બન્યું છે. નવાપુરા પોલીસ મથકમાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતના મામલાની તપાસમાં કલ્પેશ કાછીયાનું નામ ખુલ્યું હતું. ત્યાર બાદથી તેને પોલીસ શોધી રહી છે.
રૂ. 47 લાખની સામે પોણા બે કરોડ આપ્યા બાદ પણ તેનો ત્રાસ ચાલુ હતો
તાજેતરમાં વડોદરાના નવાપુરા પોલીસ મથકમાં વ્યાજખોર વિરૂદ્ધ ફ્રુટના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. ફ્રુટના વેપારીએ રૂ. 47 લાખની સામે સંતોષ ભાવસારને પોણા બે કરોડ આપ્યા બાદ પણ તેનો ત્રાસ ચાલુ હતો. જેથી વેપારીએ કંટાળીને તેની સામે જ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આરોપીની પુછપરથમાં તેણે કલ્પેશ અરવિંદભાઇ પટેલ ઉર્ફે કલ્પેશ કાછીયા (રહે. રાધે ફ્લેટ્સ, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા) નું નામ આપ્યું હતું. ત્યાર બાદથી માથાભારે કલ્પેશ કાછીયાને પોલીસ શોધી રહી છે. તેની ભાળ મેળવવા માટે વિવિધ ટીમો શહેર-જિલ્લા તથા રાજ્ય બહારમાં તપાસ કરી રહી છે.
વિદેશ ભાગી જાય તેવી શક્યતાઓ હાલ તબક્કે નકારી શકાય તેમ નથી
કલ્પેશ કાછીયા વર્ષ 1990 થી ગુનાખોરીની દુનિયામાં પ્રવેશી ચુક્યો છે. તેની સામે આશરે 20 જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમજ પાંચ વખત તેની પાસામાં અટકાયત કરવામાં આવી છે. કલ્પેશ કાછીયાને શોધવાના અત્યાર સુધીના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. ત્યારે કલ્પેશ કાછીયાની દુબઇ પ્રવાસની હિસ્ટ્રીને ધ્યાને રાખીને તે વિદેશ ભાગી જાય તેવી શક્યતાઓ હાલ તબક્કે નકારી શકાય તેમ નથી. જેથી તે ફરી નાસી ના જાય તે માટે તેના વિરૂદ્ધમાં લુક આઉટ નોટીસ ઇશ્યુ કરી છે. અંદરખાને ચર્ચાઇ રહ્યું છે કે, કલ્પેશ કાછીયાથી પીડિતોની યાદી લાંબી છે. પરંતુ તેની ધાકના કારણે કોઇ ખુલીને તેની સામે બોલવા તૈયાર નથી.
પોલીસે કોર્ટમાં એફીડેવીટ કરવા માટે સમય માંગ્યો
તો બીજી તરફ વ્યાજખોરીના કેસમાં ફરાર કલ્પેશ કાછીયાએ વડોદરાની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી છે. આ મામલે પોલીસે કોર્ટમાં એફીડેવીટ કરવા માટે સમય માંગ્યો છે. હાલ આ મામલાની સુનવણી 17, ડિસે.ના રોજ થનાર છે.
આ પણ વાંચો -- VADODARA : શેરબજારમાં રોકાણના નામે ઠગાઇનું મોટું કૌભાંડ ઝડપાયું, એક ડઝન સામે ફરિયાદ


