VADODARA : શિક્ષણ સાથે પર્યાવરણ બચાવવાના પાઠ ભણાવતા શિક્ષીકાની અનોખી સિદ્ધી
- વડોદરા જિલ્લાના શિક્ષીકાની અનોખી સિદ્ધી ઝળહળી
- દોઢ લાખ પ્લાસ્ટીક બોટલનો ઉપયોગ કરી અનોખો માર્ગ ચિંધ્યો
- અન્ય શિક્ષીકોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું
VADODARA : આજના સમયમાં જ્યારે પર્યાવરણ સંરક્ષણ એક વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના (VADODARA DISTRICT) ચોખંડી વિસ્તારની મંજુલાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા છાયાબેન ચુડાસમા બાળકોમાં પર્યાવરણ જાગૃતિ (ENVIRONMENT AWARENESS) ના બીજ વાવી રહ્યા છે. એક શિક્ષિકા માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી રહ્યા, તેઓ બાળહ્રદયમાં કુદરત પ્રત્યેની સંવેદનાને સિંચન કરી રહ્યા છે.
બાળકોના હૃદય સુધી પહોંચાડે છે
છાયાબેનનું શિક્ષણ પદ્ધતિ કેવળ પુસ્તકિયા શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, તેમાં જીવનમૂલ્યો, સર્જનાત્મકતા અને સામાજિક જવાબદારી સામેલ છે. તેઓ પોતે ભણાવતા વિષય — સામાજિક વિજ્ઞાનના મર્મને બાળકોના હૃદય સુધી પહોંચાડે છે, જ્યાં શિક્ષણ શ્રમ અને સર્જનાત્મકતાના માધ્યમથી જીવંત બને છે.
પ્રયાસને વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું
તેઓ વિદ્યાર્થીઓને ઘરના વપરાયેલા પ્લાસ્ટિકમાંથી નવીન શિક્ષણ સાધનો, શૈક્ષણિક કલાકૃતિઓ અને શાળાના સૌંદર્યમાં વધારો કરે તેવા સાધનો બનાવવા માટે પ્રેરણા આપે છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ 1.51 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી અને તેનો ઉપયોગ શાળાના આયોજનમાં કર્યો, આ પ્રયાસને વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું.
અનેક વખત સન્માનિત કરવામાં આવ્યા
વર્ષ 2024માં છાયાબેનનું નામ એક એવા વિશાળ પ્રોજેક્ટ માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું હતું, જેમાં 51000 વિદ્યાર્થીઓએ એકસાથે પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી હતી, જે તે સમયમાં સૌથી વધારે નોંધાયું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમનાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ છાયાબેનને તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે અનેક વખત સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં તેમને વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે દેખાવેલા મહત્વપૂર્ણ કામ બદલ પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર એનાયત થયો છે. જે માત્ર એક વ્યક્તિ માટે નહિ, પણ સમગ્ર શૈક્ષણિક ક્ષેત્ર માટે ગૌરવ સમાન છે.
પાલનપોષણમાં તનમનથી જોડાય
છાયાબેનના પ્રયત્નો શિક્ષણની પરંપરાગત પ્રણાલીથી આગળ છે. તેઓ દર વર્ષે શાળાના આંગણે વૃક્ષારોપણ કરે છે અને દરેક છોડને વિદ્યાર્થીઓના નામે આપે છે. જેથી બાળકો તેમાં ભાવનાત્મક જોડાણ અનુભવે અને તેના પાલનપોષણમાં તનમનથી જોડાય. "વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ વૃક્ષો જેટલું જ હરિયાળું હોય તે માટે હું પ્રતિબદ્ધ છું," તેવું છાયાબેનનું માનવું છે.
આજના યુગના પર્યાવરણ યોધ્ધા
તેઓના પ્રયાસો માત્ર શાળાની દિવાલો સુધી સીમિત નથી. સમાજના અન્ય શિક્ષકોને પણ તેઓ પ્રેરણા આપી છે. રાજ્યના 52 શિક્ષકોને તેમણે શીખવ્યું કે કેવી રીતે પ્લાસ્ટિક કચરાનો સકારાત્મક અને શૈક્ષણિક ઉપયોગ કરી શકાય. શાળામાં અને ઘરે પ્લાસ્ટિકના પુનઃઉપયોગ અને પર્યાવરણીય સંરક્ષણ માટે શૈક્ષણિક પદ્ધતિનો અમલ કરીને છાયાબેન ચુડાસમા આજના યુગના પર્યાવરણ યોધ્ધા તરીકે ઉભા રહ્યા છે. આજની બાળપેઢી માટે તેઓ માત્ર એક શિક્ષિકા નથી — પરંતુ એક વિચાર છે, એક પ્રવાહ છે, જે પ્રકૃતિ સાથે જીવન જીવવાનો પાઠ ભણાવે છે.
આ પણ વાંચો --- VADODARA : ભાયલીની વિબગ્યોર સ્કુલને રૂ. 10 લાખનો દંડ ફટકારતી FRC


