VADODARA : અતિવૃષ્ટિથી ખેતીને થયેલા નુકશાન સામે 6118 ખેડૂતોને સહાય ચૂકવાઇ
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને નદી નાળાના પૂરના પાણી ખેતરોમાં ભરાતા ખેતી પાકોને નુકશાન થયું હતું.તેને લગતી રજૂઆતોને અનુલક્ષીને રાજ્ય સરકારે સંવેદના દાખવતા ઓકટોબર મહિનામાં ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવી હતી.
જિલ્લાના ૬૨૧૮ ખેડૂતોની તારવણી કરવામાં આવી
તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકશાન સામે સહાય મેળવવા ઓનલાઇન અરજીઓ કરી હતી. મળેલી અરજીઓની પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના ૬૨૧૮ ખેડૂતોની તારવણી કરવામાં આવી હતી.
નુકશાન સહાય પેટે કુલ રૂ.૧૨.૯૮ કરોડ ચૂકવવામાં આવ્યા
વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ઉપરોક્ત ૬૨૧૮ ખેડૂતોને પેકેજની જોગવાઈઓ પ્રમાણે તાજેતરમાં ૧૬ મી નવેમ્બરના રોજ ખેડૂત ખાતેદારોના બેંક ખાતાઓ માં સીધેસીધી સહાયની રકમ જમા કરાવી દેવામાં આવી છે.જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકશાન સહાય પેટે કુલ રૂ.૧૨.૯૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે.
ત્વરિત સહાય મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, અતિવૃષ્ટિના કારણે જનજીવન ભારે ખોરવાયું હતું. સાથે જ ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. કપરો સમય વિતી ગયા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરવે કરવાનું શરૂ કરી દીધું હતું. અને સાથે જ નુકશાન ભોગવનાર ખેડૂતોને ત્વરિત સહાય મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમ જેમ અરજીઓ મળતી ગઇ તેમ તેમ તબક્કાવાર રીતે તેની ચૂકવણી સીધી ખેડૂતોનો ખાતામાં કરવામાં આવતી હતી.
આ પણ વાંચો -- VADODARA : કોમન રિવ્યુ મિશનની ટીમે SSG હોસ્પિટલની મુલાકાત લીધી, વાંચો વિગતવાર


