VADODARA : ટ્રેનની અડફેટે દીપડીનું મોત, સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ નજીક રેલવે ટ્રેક પરથી દીપડી (FEMALE LEOPARD DIED ON RAILWAY TRACK - VADODARA RURAL) નો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ દીપડી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. દીપડીના મૃતદેહને રેન્જ કચેરીએ લાવ્યા બાદ તેનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ પાદરા પાસે રેલવે ટ્રેક નજીકથી ઇજાગ્રસ્ત દીપડો મળી આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા
ડભોઇ તાલુકાના ચાણોદ નજીક ઓરસંગ ગામડી અને ભાલોદ્રા ગામડી વચ્ચે રેલ્વે બ્રિજ આવેલો છે. ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ દોડી આવેલી દીપડીનું અહિંયા ટ્રેનની અડફેટે મોત નિપજ્યું હોવાની ઘટના સપાટી પર આવી છે. આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. અને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મૃતક દીપડીની ઉંમર 3.5 વર્ષ હોવાનું અનુમાન
મહિલા ફોરેસ્ટ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, આજે સવારે ચાણોદ રેલવે દ્વારા ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, દીપડાનું અકસ્માતે મોત નિપજ્યું છે. ત્યાર બાદ નેચર હેલ્પ ફાઉન્ડેશન તથા ફોરેસ્ટના જવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં જઇને વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક દીપડી હોવાનું અને તેની ઉંમર 3.5 વર્ષ હોવાનું અનુમાન છે. તેને રેન્જ ઓફિસે લાવીને પીએમ અર્થે પશુ દવાખાને લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને સન્માનપૂર્વક અગ્નિદાહ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો ---- VADODARA : MSU ની દિવાલ લોહીથી ખરડાઇ, અનેક પ્રકારના કુતૂહલ સર્જાયા


