VADODARA : ગોત્રીમાં ઇકો કારની અડફેટે બે ટુ વ્હીલર આવ્યા, ચાર ગંભીર
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઇટ્સ પાસે ત્રિપલ અકસ્માત (TRIPLE ACCIDENT - VADODARA) ની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ઇકો કારના ચાલકે ઓવર સ્પીડમાં હંકારતા આ અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટુ વ્હીલર કારની નીચે ઢસડાયું હતું. જ્યારે અન્ય તેની અડફેટે આવ્યું હતું. ઘટનામાં ચાર જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. એક તરફ સડક સુરક્ષા માટેના ટ્રાફિક પોલીસના પ્રયાસો અને બીજી તરફ આ રીતે ભયંકર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બેલગામ ફરતા કાર ચાલકો પર તો પોલીસે ગાળિયો કસવો જોઇએ તેવી લોકમાંગ દિવસેને દિવસે પ્રબળ બનતી જાય છે.
ટ્રાફિકને લઇને લોકજાગૃતિ અને સન્માન વચ્ચે આઘાતજનક ઘટના
હાલ વડોદરા સહિત દેશભરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત વિવિધ રીતે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. અને સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જો કે, આ બંને વાતથી વિપરીત એક ઘટના શહેરના ગોત્રી વિસ્તારમાં સામે આવી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઇટ્સ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે બે ટુ વ્હીલરને અડફેેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારની એરબેગ પણ ખુલી જવા પામી હતી.
ઘટનામાં ચાર જેટલા લોકોને ગંભીર ઇજાઓ
ગઇ કાલે રાત્રે પુર ઝડપે આવતી ઇકો કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને પગલે બે ટુ વ્હીલર એર પછી એક તેની અડફેટે આવ્યા હતા. જે પૈકી એક ટુ વ્હીલર તો કારના પાછળના ટાયરની નીચે આવી ગયું હતું. અને અન્ય તેની અડફેટે દુર ફંગોળાયું હતું. ઘટનામાં ચાર જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, એર બેગ પણ ખુલી ગઇ હતી. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અંતમાં કાર ડિવાઇડર પર ચઢી જઇને થોભી ગઇ હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : તરસાલીમાં અછોડા તોડ ગેંગ સક્રિય, મહિલાએ જણસ ગુમાવી


