VADODARA : બોલવાના હોશ ગુમાવી ચૂકેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો
VADODARA : વડોદરા (VADODARA) માં મકરસંક્રાંતિ પર્વની રાત્રીએ જેતલપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેતલપુર બ્રિજની નીચે ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. ત્યાં નશામાં ચૂર શખ્સે કાર લાવીને આડી કરી મુકી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હતી. પરંતુ ચાલકને શરૂઆતમાં અડધો કલાક તો બોલવાના પણ હોશ ન્હતા. આખરે સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. અને નશામાં ચૂર શખ્સને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં ચાલક પોતે પાદરાનો મેજીસ્ટ્રેટ હોવાનો મીડિયા સમક્ષ દાવો કરતા નજરે પડ્યો હતો. આ શખ્સની ઓળખ નરેશ પર્માભાઇ વણકર (રહે. મામલતદાર ક્વાટર્સ, પાદરા) હોવાની થઇ છે.
રસ્તા પર આડી થઇ ગઇ
વડોદરામાં ઉત્તરાયણ પર્વ પર કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તમામ પ્રયાસો કર્યા હતા. લોક જાગૃતિથી લઇને જરૂર જણાય ત્યાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક લોકો પોલીસના પ્રાયસોમાં સહયોગ ના આપતા હોય તેવી એકાદ ઘટના સામે આવી છે. ગતરાત્રે શહેરના જેતલપુર બ્રિજ પાસે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેતલપુર બ્રિજ નીચેના રસ્તા પર ડ્રેનેજ કાર્ય ચાલતું હોવાથી વાહનોની ખાસ અવર-જવર હોતી નથી. ખાસ કાર લઇને આવવું-જવું તો શક્ય જ નથી. ત્યારે ગતરાત્રે એક કાર પુર ઝડપે અહિંયા ઘૂસી ગઇ હતી. અને રસ્તા પર આડી થઇ ગઇ હતી.
તેનામાં કોઇ હરકત જણાતી ન્હતી
ઘટનાના કારણે અવાજ થતા લોકો દોડીને આવ્યા હતા. અને જોયું તો ડ્રાઇવીંગ સીટ પર એક શખ્સ નશાની હાલતમાં હતો. તેને બોલાવતા કે હલાવતા તે કોઇ હરકત કરતો ન્હતો. શખ્સને સીટ પર જ આડો પાડી દઇને તેને જગાડવાનો ખુબ સ્થાનિકો દ્વારા પ્રયાસ કરાયો હતો. પરંતુ તેનામાં કોઇ હરકત જણાતી ન્હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા કાફલો તુરંત દોડી આવ્યો હતો. અને નશામાં ચૂર શખ્સને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને ખભાનો સહારો આપીને પોલીસની વાતમાં બેસાડવામાં આવ્યો હતો.
બોલતા સમયે તેના મોઢા પર શ્રમ પડતો હતો
આ શખ્સને બહાર કાઢતી વખતે તેની કારમાં ડેપ્યુટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેર લખેલી તક્તી નીચે પડેલી જોવા મળી હતી. જેને પગલે તે કોઇ સરકારી અધિકારી હોય તેવું લાગતું હતું. શખ્સને પોલીસવાનમાં બેસાડવા જતા તેણે તોતડાતી જીભે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તે એટલું જ બોલી શક્યો હતો કે, મેજીસ્ટ્રેટ છું, હું પાદરાનો મેજીસ્ટ્રેટ છું. આ બોલતા સમયે તેના મોઢા પર શ્રમ પડતો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું હતું. નશામાં ચૂર શખ્સને પોલીસ મથક લઇ જઇને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : શાકભાજી વિક્રેતાના પુત્ર પર બોથડ પદાર્થ વડે હુમલો


