VADODARA : એક પછી એક ચાર વાહન ભટકાયા, લારીઓનું દબાણ જવાબદાર
VADODARA : વડોદરા (VADODARA) ના અતિ વ્યસ્ત રહેતા એરપોર્ટ સર્કલ (AIRPORT CIRCLE) થી ખોડિયાર નગર (TO KHODIYAR NAGAR - VADODARA) તરફના રૂટ પર એક પછી એક ચાર વાહનો ભટકાયા હતા. જેને પગલે સ્થળ પર હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનામાં એક મહિલાને નાની-મોટી ઇજા થતા તેણીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. ઘટના પાછળ રોડ સાઇડ ઉભી રહેતી લારીઓનું દબાણ જવાબદાર હોવાનું સ્થળ પર પહોંચેલા સ્થાનિક કોર્પોરેટરનું કહેવું છે. આ સાથે જ તેમણે દબાણખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે.
એરપોર્ટની દિવાલને અડીને લારી ધારકોનું ભારે દબાણ
વડોદરાના એરપોર્ટ સર્કલથી ખોડિયાર નગર તરફ જતો 40 મીટરનો રોડ સતત વ્યસ્ત રહેતા રૂટ પૈકીનો એક છે. અહિંયા મોટા કોમ્પલેક્ષ, શાળાઓ, પાર્ટી પ્લોટ, ઇન્ટસ્ટ્રીયલ એરીયા આવતો હોવાથી વાહનોની અવર-જવર વધારે પ્રમાણમાં રહે છે. દરમિયાન વચ્ચે આવતી એરપોર્ટની દિવાલને અડીને લારી ધારકોનું ભારે દબાણ રહે છે. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ગતરોજ આ જગ્યાએ એક પછી એક ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને કોર્પેરેટર દોડી આવ્યા હતા.
40 મીટર રોડ પર ઉભી રહેતી લારીઓને હટાવવામાં આવે
વોર્ડ નં - 4 ના કોર્પોરેટર વિનોદભાઇ ભરવાડે મીડિયાને જણાવ્યું કે, એરપોર્ટ સર્કલથી ખોડિયાર નગર તરફ જવાના રસ્તે, ગુરૂદ્વારા સામે બે ડિવાઇડરનું ક્રોસીંગ છે. જે 50 મીટરના અંતરે છે. ત્યાં લક્ઝરી બસ, કાર, રીક્ષા અને એક્ટીવાનો અકસ્માત થયો છે. મેં અગાઉ પાલિકામાં રજુઆત કરી છે કે, અહિંયા 40 મીટર રોડ પર ઉભી રહેતી લારીઓને હટાવવામાં આવે. તેના લીધે મુખ્ય માર્ગ પર ટ્રાફિક થાય છે, તેના કારણે આજે દુર્ઘટના ઘટી છે.
આ વાતની જાણ લેખિતમાં પણ કરવામાં આવી
વધુમાં જણાવ્યું કે, ભવિષ્યમાં આવી કોઇ ઘટના ના બને તે માટે હું મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરૂં છું કે, એરપોર્ટ સર્કલથી ખોડિયાર નગર સુધીમાં રોડ સાઇડ કોઇ પણ લારી ઉભી રહેવી ના જોઇએ. તે અંગેની કડક સુચના આપવી જોઇએ. આ વાતની જાણ લેખિતમાં પણ કરવામાં આવી છે. હાલમાં સર્જાયેલા અકસ્માતમાં એક્ટીવા ચાલક મહિલાને માથાના ભાગે નાની-મોટી ઇજા થઇ છે. હોસ્પિટલ લઇ જતા સમયે તેઓ સ્વસ્થ હતા.
આ પણ વાંચો -- VADODARA : ડોર ટુ ડોરના બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માંગ ઉઠી


