VADODARA : WPL ની મેચ પર સટ્ટો રમાડતા પાંચ ઝબ્બે, એક ડઝન ફોન મળી આવ્યા
VADODARA : બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA - VADODARA) ના કોટંબી સ્ટેડિયમમાં (KOTAMBI STADIUM - VADODARA) વુમન પ્રિમીયર લીગની મેચ (WPL MATCH - VADODARA) રમાઇ રહી છે. જેમાં રાજસ્થાન અને કોલકાતાથી આવેલા પાંચ બુકીને સ્ટેડિયમમાં જ સટ્ટો રમાડતા જરોદ પોલીસે ઝડપી પાડ્યા છે. તમામ પાસેથી 15 મોબાઇલ ફોન અને હજારોની રોકડ હાથ લાગતા જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION) માં જુગારધારાનો દાખલ કરવામાં આવ્યો છે.
ટિકિટ બુક કરાવી સ્ટેડિયમમાં જ સટ્ટો રમાડતા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, જરોદ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.એ. બારોટને બાતમી મળી હતી કે, કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં કેટલાક બુકીઓ ચાલુ મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે. જેને પગલે નાયબ પોલીસ અધિક્ષક સી.એન. ચૌધરી અને મિલન મોદી તેમજ સ્ટાફ સાથે દરોડો પાડી સ્ટેડિયમમાં બેઠેલા મનોજ ઉર્ફે નોઇ પપ્પારામ ઉર્ફે પપ્પસિંગ બિશ્નોઇ, હનુમાન રામ શ્યામલાલ બિશ્નોઇ (બંન્ને રહે.ગુડા બિસ્નોઇયા, પોસ્ટ લુણી, જોધપુર, રાજસ્થાન) ને ઝડપી પાડયા હતા. આ બન્ને મોબાઇલ ફોન ઉપર એપ્લીકેશનમાં રન ફેર સેશન ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. હાલમાં અભ્યાસ કરતા આ બન્ને યુવાનો વિમાન માર્ગે વડોદરા આવ્યા હતા અને ટિકિટ બુક કરાવી સ્ટેડિયમમાં જ સટ્ટો રમાડતા હોવાથી તેમની પાસેથી 66 હજારના પાંચ મોબાઇલ ફોન, એક લેપટોપ, રૂ. 10 હજાર રોકડા અને ટિકિટ મળી કુલ 91,480નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ સટ્ટાખોરી ડામવા માટે સક્રિય
જ્યારે કોલકાતાથી વિમાન માર્ગે આવેલા સબુજ પારીતોષ બિશ્ર્વાસ, પ્રલય પારીતોષ મિસ્ત્રી, ( બંન્ને રહે. રસુલાપુર, તા. ચાકદા, જિ. નોદીયા, પશ્ર્ચિમ બંગાળ) અને કપિલ દિપક સરકાર (રહે. ચૌગાછા, તા. ચાકદા, જિ. નોદીયા, પશ્ર્ચિમ બંગાળ) આ ત્રણેય વેલ્કી નામની વેબસાઇટમાં ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. ત્રણે યુવાનો પાસેથી રૂ. 1.79 લાખના 10 મોબાઇલ ફોન અને રૂ. 11 હજાર રોકડા મળી રૂ. 1.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના પાંચેય યુવાનો સામે ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધી વધુ તપાસ જરોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે સટ્ટાખોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. અને બીજી તરફ પોલીસ પણ સટ્ટાખોરી ડામવા માટે સક્રિય હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : રેલવેના સિનિયર DPO ની ઓફિસ-નિવાસસ્થાને CBI ના દરોડા


