VADODARA : નોટીસ પાઠવતા નવીનગરીના રહીશોએ અધિકારીઓને ઘેર્યા
VADODARA : વડોદરા (VADODARA) ના છેવાડે આવેલા તરસાલીના ઇન્દિરા આવાસ યોજનાના મકાનોનો નોટીસ પાઠવવા માટે પાલિકા તથા એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. આ તકે સ્થાનિકોએ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ સ્થાનિકોની વ્હારે સામાજીક કાર્યકર અને પાલિકાના વિરોધ પક્ષના નેતાના પુત્ર વિશાલ શ્રીવાસ્તવ પણ દોડી આવ્યા હતા.
ઉપરથી કરેલા ઓર્ડર પ્રમાણે કામગીરી
વડોદરાના છેવાડે આવેલા તરલાસી નવીનગરીના ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા રહીશોને આજે પાલિકા તથા એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના અધિકારીઓ નોટીસ આપવા પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા ઉપરથી કરેલા ઓર્ડર પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જ્યારે સ્થાનિકો દ્વારા અહિંયાથી ખસવા મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
અહિંયાથી અન્યત્રે તેમને આવાસના મકાનો ફાળવવામાં આવશે
અધિકારીઓ સર્વેએ મીડિયાને જણાવ્યું કે, એફોર્ડેબલ ડિપાર્ટમેન્ટ અને પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી રહી છે. નોટીસમાં દિન- 10 માં પુરાવા રજુ કરવા જણાવાયું છે. ઉપલા અધિકારીની સુચનાથી ધનિયાવી, નવીનગરીમાં સર્વે થઇ રહ્યા છે. તેને મકાન માટેના ફોર્મ આપવામાં આવી રહ્યા છે. સાથે જ નોટીસ આપવામાં આવી રહી છે. ગેરકાયદેસર દબાણો દુર કરવા માટેની નોટીસ પાઠવવામાં આવી રહી છે. 550 જેટલા મકાનો આવેલા છે. જે ગેરકાયદે મકાનો અમારા ધ્યાને આવ્યા છે, તેની જાણ કરીશું. અંદાજીત 200 લોકોને નોટીસ પાઠવવામાં આવી છે. અને 50 જેટલા લોકોએ ફોર્મ ભરીને આપ્યા છે. અહિંયાથી અન્યત્રે તેમને આવાસના મકાનો ફાળવવામાં આવશે.
આ લોકોએ કોઇ સર્વે કર્યો નથી
વિશાલ શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું કે, પાલિકાના અધિકારીઓ ટાઉન પ્લાનીંગ અને એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. એક ઘરમાં ચાર સર્વે નંબરની નોટીસ પાઠવવામાં આવી છે. એક ઘરમાં ચાર સર્વે નંબર હોઇ શકે ખરાં ?. આ લોકોએ કોઇ સર્વે કર્યો નથી. વર્ષ 1987 માં ગ્રામપંચાયતે પ્લોટ ફાળવ્યા હતા. જેના તેમની પાસે પુરાવા છે. અધિકારીઓ દ્વારા જે નોટીસ આપે છે, તે ગેરકાયદેસર છે. અધિકારીને પુછ્યું તો આ ચાર સર્વે નંબર કોના છે, તેમની પાસે કોઇ જવાબ નથી. અહિંયાના લોકો ત્રણ દિવસથી ઉંઘતા નથી. કામધંધા છોડીને કાગળિયાઓ ભેગા કરવામાં લાગી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : મોડે મોડે કેબલની કામગરી યાદ આવતા રોડ-પેવર બ્લોક ખોદી નંખાયા


