VADODARA : ટુ-વ્હીલર પર જતા અછોડો તુટ્યો, રોડ પર પટકાતા વૃદ્ધાનું મોત
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયા તાલુકાના રાહકુઇ ગામે રહેતા વૃધ્ધ ભાભીને વિધવા પેન્શનના નાણાં ઉપાડવાના હોવાથી તેમને બેસાડી રસુલાબાદ સ્ટેટ બેન્કમાં જતા હતા. ત્યારે પાછળથી નંબર વગરની બાઇક ઉપર આવેલા બે યુવાનો વૃધ્ધાના ગળામાંથી અછોડો તોડી ભાગ્યા હતા. જેથી વૃધ્ધાએ બુમ પાડવા જતા અચાનક બાઇક પરથી રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેઓ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં જરોદ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં જરોદ પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (OLD AGE FEMALE LOST LIFE AFTER INJURED DURING CHAIN SNATCHING - VADODARA)
ઘરેથી નજીકના રસુલાબાદ ગામે બેંકમાં જવા નીકળ્યા
શનિવારે જરોદ નજીક રાહકુઈ ગામે રાજેન્દ્રપ્રસાદ બાબુભાઇ આઠીયા (70) કે નિષ્કલંકી નારાયણના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમયે ફળીયામાં રહેતા તેમના ભાભી નર્મદાબેન નવીનચન્દ્ર પટેલ પણ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી આ દિયર-ભાભી વાતો કરતા હતા. અને વાતો-વાતમાં ભાભીએ રાજેન્દ્રભાઈને જણાવ્યું કે, મારે વિધવા સહાયના પૈસા ઉપાડવા માટે રસુલાબાદ એસબીઆઇ બેંકમાં જવાનું છે. તો તમે મારી સાથે આવશો ? તેમ પૂછતા રાજેન્દ્રભાઈએ ભાભી સાથે જવા માટે હા પાડી હતી ત્યારબાદ રાજેન્દ્રભાઈ અને તેમના ભાભી નર્મદબેન સ્કૂટર લઈ સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ ઘરેથી નજીકના રસુલાબાદ ગામે બેંકમાં જવા નીકળ્યા હતા.
બુમો પાડી અછોડો, અછોડો બોલવા લાગ્યા
દરમિયાન ગામની સીમમાં આવેલ વૃંદાવન ટાઉનશિપ સામે પહોંચતા અચાનક રાજેન્દ્રભાઈના ભાભીએ બુમો પાડી અછોડો, અછોડો બોલવા લાગ્યા હતા. તેમના ગળામાંથી સોનાની ચેન અજાણ્યા બે ઇસમો તોડીને રસુલાબાદ તરફ ભાગી ગયેલા. આ સમયે તેમના ભાભી નર્મદાબેન રોડ ઉપર પટકાયા હતા. જેમને જમણા ગાલે તથા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને જમણા કાનમાંથી લોહી નિકળતુ હતું.
ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી
આ સમયે ત્યાં સ્થળ પર હાજર કોઇ વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને અને પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર પર ફોન કર્યો હતો. જેથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી.સાથે 108 એમ્બ્યુલન્સ આવી જતા નર્મદાબેનને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં જાણવા મુજબ ટૂંકી સારવાર દરમિયાન વધારે ઇજાને લઈને નર્મદાબેનનું મોત થયું હતું.
આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રનનો આરોપી રક્ષિત લાવ્યો હતો ગાંજો, ત્રણે મળીને જોઇન્ટ ફૂંક્યા


