VADODARA : રાત્રીના સમયે મહિલાને શિકાર બનાવી તફડંચી કરતી ગેંગ ઝબ્બે
VADODARA : વડોદરા શહેરના અલગ - અલગ વિસ્તારોમાં રાત્રીના સમયે પસાર થતી મહિલાઓના પર્સ અને મોબાઇલ તફડાવવાની ઘટનાઓ સામે આવી હતી. જેના પગલે ડીસીબી (DCB - VADODARA) ની ટીમે આ ટોળકીને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાત્રીના સમયે બાઇક ઉપર આવી કિંમતી સામાન ભરેલા પાકિટ અને મોબાઇલ ફોન તફડાવતી ટોળકીના ચાર સાગરિતોને ઝડપી પાડ્યા હતા. દુમાડ ગામે રહેતા ચારેય યુવાનો પાસે મોબાઇલ ફોન, ચાંદીનો કંદોરો અને વાહનો મળી રૂ. 2.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી છેલ્લા છ મહિનામાં બનેલા સાત જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. (DCB POLICE CAUGHT ACCUSED INVOLVED IN PURSE, MOBILE SNATCHING - VADODARA POLICE)
ટોળકી હરણી તરફથી આવતી હોવાની વિગતો સામે આવી
પીસીબી સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં વિતેલા 15 દિવસમાં રાત્રિના સમયે પસાર થતી મહિલાઓના પર્સ અને મોબાઇલની ચીલઝડપની સાત કરતાં વધુ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી. જેના પગલે ડીસીબીના PI જાડેજા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુના સ્થળની મુલાકાત લઇ સીસીટીવી ફુટેજીસના આધારે તપાસ આરંભી હતી. જેમાં આ ટોળકી હરણી તરફથી આવતી હોવાની વિગતો સામે આવવા પામી હતી. જેને પગલે પીસીબીની ટીમે વોચ ગોઠવી દુમાડ ગામમાં રહેતા સમીર રમેશભાઇ ઠાકોર, યોગેન્દ્રસિંહ ઉર્ફે ચીકુ વિઠ્ઠલસિંહ ચાવડા, મિતેશ અશોકભાઇ પરમાર અને પ્રતિક મુકેશભાઇ ચૌહાણને બાઇક સાથે ઝડપી પાડ્યા હતા.
રૂ. 2.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
પોલીસે ચારેય આરોપીઓની કડકાઇ પૂર્વક પુછપરછ હાથ ધરતા છેલ્લા એક પખવાડીયામાં સાત ગુના આચર્યા હોવાની તેમજ વિતેલા છ માસમાં પાંચ ગુના આચર્યા હોવાની કબુલાત આપી હતી. તેમની પાસેથી અલગ અલગ કંપનીના 6 મોબાઇલ ફોન, ત્રણ લેડીસ પર્સ અને એક ચાંદીનો કંદોરો મળી ગુનામાં વપરાયેલા ત્રણ વાહનો સહિત કુલ રૂ. 2.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ટોળકીએ વિતેલા એક પખવાડીયામાં ગોરવા, સમા, બાપોદ, કપુરાઇ, મકરપુરા, હરણી અને અકોટા પોલીસ મથક વિસ્તારમાં તફડંચીના ગુના આચર્યા છે.
આ પણ વાંચો --- VADODARA : ચોર અને જ્વેલર્સનું ગજબ કનેક્શન, લાખોના ઘરેણા જપ્ત


