VADODARA : સ્થાનિક પોલીસને ઉંઘતી ઝડપતી PCB, મોટી માત્રામાં દારૂ જપ્ત
VADODARA : વડોદરામાં બાપોદ પોલીસ (BAPOD POLICE STATION - VADODARA) વધુ એક વખત દારૂબંધીની અમલવારીમાં ઉંઘતી ઝડપાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરા શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (VADODARA POLICE - PCB BRANCH) ની ટીમો દ્વારા બાપોદ પોલીસ મથકમાં પ્રોહીબીશનની રેડ કરવામાં આવી હતી. જેમાં રૂ. 6.89 લાખનો દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે, ત્યાજે અન્ય બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પ્રોહીબીશનની રેડ અંગે વડોદરાના બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બાપોદ પોલીસ મથકમાં પ્રોહીબીશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો
તાજેતરમાં વડોદરા પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે, મારૂતીધાન સોસાયટી સામેના એક ગોડાઉનમાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા સુવાલાલ પંચાલ દ્વારા ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને હાલમાં તે ગોડાઉન ખાતે હાજર છે. બાતમી મળતા જ પીસીબીની ટીમો દ્વારા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુવાલાલ લાલજીભાઇ પંચાલ (રહે. જીવણ નગર, વુડાના મકાન, વાઘોડિયા રોડ, વડોદરા) મળી આવ્યો હતો. આ મામલે બાપોદ પોલીસ મથકમાં પ્રોહીબીશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
ગણનાપાત્ર કેસ પકડાતા વિભાગીય પોલીસ કાર્યવાહીની શક્યતાઓ
ઉપરોક્ત કાર્યવાહીમાં પીસીબીની ટીમોને રૂ. 6.89 લાખના વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ અને રોકડ સાથે કુલ મળીને રૂ. 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. દરોડામાં એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નવીન (રહે. રાજસ્થાન) અને અજાણ્યા કન્ટેનર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પીસીબીની ટીમના દરોડાને પગલે બાપોદ પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ છે. દારૂનો ગણનાપાત્ર કેસ પકડાતા વિભાગીય પોલીસ કાર્યવાહીની શક્યતાઓ સેવાઇ રહી હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : સગીરા પર દુષકર્મમાં મિત્રએ આપ્યો સાથ, તસ્વીરો વાયરલ થતા કાર્યવાહી


