VADODARA : "અમે ટેક્સ ભરીએ છીએ, એટલે તમારા પગાર થાય છે", કહી પોલીસ જવાન પર હુમલો
VADODARA : વડોદરા (VADODARA) માં પોલીસ જવાન પર હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. બાપોદ પોલીસ મથકના એએસઆઇને વોરંટ સંદર્ભે મળ્યા બાદ બંને વચ્ચે વાતચીત થઇ હતી. દરમિયાન અચાનક આરોપીએ ઉશ્કેરાઇ જઇને પોલીસ જવાનને બેફામ બોલવાનું શરૂ કરી દીધું હતું. અને ત્યાર બાદ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આખરે ફરિયાદી જવાને બુમાબુમ કરતા સાથી જવાનો દોડી આવ્યા હતા. અને તેમને બચાવ્યા હતા. આખરે આ મામલે બાપોદ પોલીસ મથક
(BAPOD POLICE STATION - VADODARA) માં ફરિયાદ નોંધાવવા પામી છે.
વોરંટની બજવણી બીજા કરતા હોવાથી તેઓ સાંજે આવશે
બાપોદ પોલીસ મથકમાં એએસઆઇ હરીશભાઇ ઇશ્વરભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ હાલ એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તાજેતરમાં નિર્મલસિંહ ભરતસિંહ ડોડીયા તેઓને મળ્યા હતા. એજન્સી વિરૂદ્ધ નેગોશિયેબલ એક્ટનો વોરંટની મામલે મળ્યા બાદ મામલો બિચક્યો હતો. ફરિયાદીએ તેમને જણાવ્યું કે, પીએસઓ પાસે નવી તારીખ દાખલ કરાવી દો. વોરંટની બજવણી બીજા કરતા હોવાથી તેઓ સાંજે આવશે, તેમને મળી લેજો. તેવામાં આરોપીએ ઉશ્કેરાઇ જઇને કહ્યું કે, અમે સરકારમાં ટેક્સ ભરીએ છીએ, જેનાથી તમારા પોલીસવાળાના પગાર થાય છે. તારે મને તમે નહીં બોલાવવાનું સાહેબ કહીને બોલાવવાનું.
બુમાબુમ થતા અન્ય પોલીસ જવાનો દોડી આવ્યા
જેથી એએસઆઇએ તેમને રોકતા પ્રથમ ખુરશીને લાત મારી હતી. બાદમાં ફરિયાદી નીચે પડતા તેમને લાતો અને ફેંટો મારવામાં આવી હતી. તેવામાં બુમાબુમ થતા અન્ય પોલીસ જવાનો દોડી આવ્યા હતા. અને માર ખાતા ફરિયાદીને બચાવ્યા હતા. આખરે પોલીસ જવાનને માર મારનાર નિર્મલસિંહ ભરતસિંહ ડોડીયા સામે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : "લાગવગ"થી જેલમાં કેદ પુત્રને છોડાવવાનું જણાવી માતા સાથે મોટી ઠગાઇ


