VADODARA : ઓવરબ્રિજનો નિર્ણય થોપી દીધા બાદ પોસ્ટર વોર શરૂ થયું
VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા રોડ જંક્શન પર ડિ માર્ટ સર્કલ પાસે માત્ર 800 મીટરનો ઓવરબ્રિજ બનાવવાનો એક તરફી નિર્ણય પાલિકા દ્વારા સ્થાનિકો પર થોપી દેવામાં આવ્યો છે. કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ એકત્ર થઇને પાલિકા કમિશનરની મુલાકાત લઇને પોતાનો વિરોધ (VASNA ROAD OVER BRIDGE OPPOSE - VADODARA) નોંધાવ્યો હતો. તેમ છતાં તંત્રના પેટનું પાણી નહીં હાલતા હવે ડિ-માર્ટ સર્કલ પાસે પોસ્ટર વોર (POSTER WAR - VADODARA) શરૂ થયું છે. પોસ્ટર મારનાર પોતે મોદી તરફી અને ભાજપ વિરોધી હોવાનું તેમાં જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, હાલ ભાજપના મોટાભાગના હોદ્દેદારો દ્વારકાના પ્રવાસે છે, ત્યારે શહેરમાં પોસ્ટર વોર શરૂ થતા રાજકીય ગરમાવો આવવા પામ્યો છે.
લોકોના સમર્થનમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ પણ આવ્યા
તાજેતરમાં પાલિકા દ્વારા વાસણા રોડના ડિ-માર્ટ જંક્શન અને સનફાર્મા રોડ-ભાયલીને જોડતા ઓવરબ્રિજની કામગીરીનો સળવળાટ શરૂ કરતા વિરોધ શરૂ થયો છે. બંને બ્રિજ માટે અલગ અલગ કારણોસર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં લોકોના સમર્થનમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ (BJP MLA CHAITANYA DESAI - VADODARA) પણ આવ્યા છે. છતાં તંત્ર દ્વારા નિર્ણય પરત લેવામાં આવ્યો નથી. વાસણા રોડ જંક્શન પરનો બ્રિજ માત્ર 800 મીટરનો હોવાથી તે બિનજરૂરી છે, અને તેનાથી લોકોના વેપાર-ધંધા પડી ભાંગશે તેવું સ્થાનિકોનુ માનવું છે. જ્યારે સનફાર્મા રોડ-ભાયલીને જોડતા બ્રિજની જગ્યાએ સાયફન બનાવવામાં આવે તો પૈસાનો ખર્ચ બચી શકે તેમ છે. અને અન્ય સમસ્ચયાઓનો પણ ઉકેલ આવી શકે તેમ છે.
ભીખમાં પહેલા વ્યવસ્થા આપો.. મોદી સાહેબ
આ વચ્ચે વડોદરાના વાસણા રોડ ડિ-માર્ટ જંક્શનની આસપાસ પોસ્ટર વોર શરૂ થયું છે. અહિંયા બે પ્રકારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. જેમાં લખ્યું છે કે, પહેલા વ્યવસ્થા, પછી વિકાસ, અને આઝાદ દેશના ગુલામ નાગરિકોને ભીખમાં પહેલા વ્યવસ્થા આપો.. મોદી સાહેબ. આ પોસ્ટરો ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ મારવામાં આવ્યા છે. અને અંતમાં લખ્યું છે કે, મોદી તરફી અને ભાજપ વિરોધી (#PRO MODI #ANTI BJP). આ અગાઉ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટને ટીકીટ ફાળવવામાં આવતા પોસ્ટરવોર શરૂ થયું હતું. જેના પરિણામે રંજનબેન દ્વારા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવવામાં આવી હતી.
અમારૂ દુખ છે કે અમને કોઇ સાંભળતું નથી
આ તકે સ્થાનિક કિશનભાઇએ મીડિયાને જણાવ્યું કે, અમે 20 વર્ષ ઉપરથી અહિંયા રહીએ છીએ. અમારો રોજગાર પણ અહિંયા છે. બેનરો લાગ્યા છે, તેની અમને હાલ જ ખબર પડી છે. બેનરો ખરેખર જે તે વ્યક્તિની હૈયાવરાળ છે. બહુ આશા અને અપેક્ષા સાથે મત આપ્યા હોય , વર્ષો સુધી ભાજપને મત આપ્યા હોય, અમારૂ દુખ છે કે અમને કોઇ સાંભળતું નથી. અમે તમારા માધ્યમથી કહી રહ્યા છીએ, આ જે તે વ્યક્તિએ કંડારી આપ્યું છે. અમે સ્થાનિક વ્યક્તિઓ છીએ. બ્રિજ કોના માટે બનાવો છો, સ્થાનિકો માટે માટે, સ્થાનિકોને એક પણ વખત પુછવામાં નથી આવ્યું.
સોસાયટીઓ કોઇ પણ રાજકીય પક્ષને આવવા નહીં દે
વધુમાં જણાવ્યું કે, આ તાનાશાહી નિર્ણય છે. થોપી દેવામાં આવ્યો છે. સ્થાનિકોને ખબર પડે કે અહિંયા બ્રિજની જરૂર છે. વધારે અગવડ પડે તો અમે જ બ્રિજની ડિમાન્ડ કરીએ. પણ તેવું નથી. વર્ષો પહેલાના સર્વે પર તમે બ્રિજ થોપી દો છો. તમારી જીદ પુરી કરવા માટે કરી રહ્યા છો. આખી સિસ્ટમમાં અમે રજુઆતો અને નિવેદન આપ્યા છે. ધારાસભ્ય ચૈતન્યભાઇ દેસાઇએ અમને સમર્થન આપ્યું છે. બાકી બીજા કોઇ નેતાઓનું સરાહનીય નિવેદન આવ્યું નથી. બ્રિજ બનશે તો 800 મીટરની સોસાયટીઓ કોઇ પણ રાજકીય પક્ષને આવવા નહીં દે, અને વોટીંગ પણ નહિં કરે.
આ પણ વાંચો -- Anand: પાલિકાએ શહેરના અનેક વિસ્તારોના કાચા પાકા દબાણો દૂર કર્યાં, વેપારીઓમાં મચી દોડદામ


