VADODARA : 10 દિવસમાં બીજી વખત સાવલીમાંથી રેતી ખનન ઝડપાયું, લાખોનો મુદ્દામાલ જપ્ત
VADODARA : વિતેલા 10 દિવસમાં બીજી વખત વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના સાવલી (SAVLI) પાસેથી પસાર થતી મહીસાગર નદી (MAHISAGAR RIVER) ના પટમાંથી રેતી ખનન (ILLEGAL SAND MINING - MAHISAGAR RIVER, SAVLI - VADODARA) ઝડપાયું છે. વડોદરાના ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં રૂ. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા રૂ. 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દર્શાવે છે કે, વડોદરા પાસેના ખનીજ માફિયાઓ કઇ હદે બેફામ બન્યા છે. ખનીજ માફિયાઓને ડામવા માટે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
ખનીજ માફિયાઓમાં ડર પેંસતો નથી
વડોદરા જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો આવેલા છે. આ ખનીજ તત્વોને ગેરકાયદેસર રીતે ઉલેચીને કમાઇ લેવા માટે ખનીજ માફિયઓ સતત સક્રિય રહે છે. ખનીજ માફિયાઓને ડામવા માટે સાંસદ અને ધારાસભ્યો દ્વારા અનેક વખત જિલ્લા કલેક્ટર જોડેની સંકલનની બેઠકમાં રજુઆતો કરવામાં આવી છે. રજુઆતો બાદ કાર્યવાહી પણ કરવામાં આવે છે, છતાં ખનીજ માફિયાઓમાં ડર પેંસતો નથી. આ વાતની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે.
વડોદરાના ખાણ ખનીજ વિભાગ દ્વારા સાવલીમાં દરોડા પાડવામાં આવ્યા
10 દિવસ પહેલા ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા સાવલીના પોઈચા સ્થિત મહીસાગર નદીમાંથી રેતી ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં આશરે રૂ. 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મોટી કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ પેંસી જશે તેવી આશા હતી. પરંતુ આ આશા ઠગારી નિવડી છે. આજરોજ વડોદરાના ખાણ ખનીજ વિભાગ દ્વારા સાવલીમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વધુ એક વખત ખનીજ ચોરી ઝડપાઇ છે.
જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની અંદાજીત કિંમત રૂ. 90 લાખ
વડોદરાના ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહીમાં રેતી ઉલેચવા માટે કામ લાગતુ હિટાચી મશીન - 1, જેસીબી - 1 અને ડમ્પર - 4 કબ્જે કરવામાં આવ્યા છે. દરોડામાં જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની અંદાજીત કિંમત રૂ. 90 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 10 દિવસમાં બે વખત રેતી ચોરીનું કૌભાંડ ઝડપાતા હવે ખનીજ માફિયાઓ સામે તંત્ર ક્યારે દાખલો બેસે તેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : હિટ એન્ટ રન : BMW ની અડફેટે વૃદ્ધનું મોત, 24 દિવસે બિલ્ડરનો પુત્ર ઝડપાયો


