VADODARA : શહેરમાં દારૂ ઠલવાય તે પહેલા જ દરોડા, મહિલાએ વર્ણવ્યો ઘટનાક્રમ
VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) માં દારૂ ઠલવાય તે પહેલા જ ગ્રામ્ય પોલીસ (VADODARA RURAL POLICE) દ્વારા બાતમીના આધારે દારૂ સંગ્રહ કરતી ઓરડી પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન આ ઓરડીની રખેવાડી કરતી મહિલા મળી આવી હતી. મહિલાએ પુછપરછમાં આ દારૂ વડોદારમાં લઇ જવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા
31, ડિસે.ને ધ્યાને રાખીને વડોદરા શહેર જિલ્લાની પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસે પેટ્રોલીંગ વધારી દીધું છે. દરમિયાન વડોદરા ગ્રામ્ય પોલીસ અંતર્ગત આવતા સાવલી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ઉત્તમનગર ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સુરેખાબેન મહેશભાઇ ચોહાણ (રહે. વાઘોડિયા, વડોદરા) મળી આવ્યા હતા. સ્થળ પરથી પોલીસને 165 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ, 13.81 લાખ આંકવામાં આવી રહી છે.
દારૂને રાત્રીના સમયે મોટા વાહનમાં લાવ્યા હતા
મહિલાની પુછપરછમાં તેણીએ જણાવ્યું કે, આ દારૂનો જથ્થો ભાવેશસિંહ જશવંતસિંહ ચૌહાણ (રહે. વૈકુંઠ સોસાયટી, વાઘોડિયા, વડોદરા) અને શૈલેષ વિક્રમભાઇ ચૌહાણ (રહે. રાજપુરા, વાઘોડિયા) બે દિવસ પહેલા રાત્રીના સમયે મોટા વાહનમાં લાવ્યા હતા. આ દારૂ વડોદરા શહેર તરફ લઇ જવાનો હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર મામલે વિદેશી દારૂ આપનાર અને મંગાવનાર સામે પોલીસ ફરિચાદ નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : દારૂની મહેફિલ પર દરોડા, પોણો ડઝન રસીયાઓ સામે ફરિયાદ


