VADODARA : તહેવારને લઇને વધુ ST બસો દોડાવવાનું આયોજન
VADODARA : દિપાવલી (DIWALI - 2024) પર્વને હવે જુજ દિવસો બાકી છે. ત્યારે વડોદરા એસટી ડેપો (VADODARA ST DEPOT) દ્વારા લોકોના ઘસારાને ધ્યાને રાખીને વધુ બસો દોડાવવાનું આયોજન કર્યું છે. જેમ જેમ દિપાવલી પર્વ નજીક આવતા જશે તેમ તેમ વધુ બસો દોડાવાશે. આજથી વધુ બસો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ મુસાફરોની સુરક્ષા માટે 24 કલાક માટેના સીસીટીવી અને સિક્યોરીટીની તૈનાતી પણ કરવામાં આવી છે.
આજથી જ વધુ બસો દોડાવવામાં આવી રહી છે
તહેવારો ટાણે વડોદરાના એસટી ડેપો (VADODARA ST DEPOT) પર મુસાફરોનો ઘસારો જોવા મળે છે. આસપાસના વિસ્તારો સુધી પહોંચવા માટે વડોદરાનું એસટી ડેપો કેન્દ્ર સ્થાન ધરાવે છે. આ વખતે પણ તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે. આજથી જ ધીરે ધીરે કરીને વધુ બસો દોડાવવામાં આવી રહી છે. જેમ જેમ દિપાવલી પર્વ નજીક આવશે તેમ તેમ વધુ બસો દોડાવવામાં આવશે તેવું ડેપો ઇન્ચાર્જે મીડિયાને જણાવ્યું છે.
મોટા ભાગે પંચમહાલ તરફનો ટ્રાફીક વધારે
વડોદરા એસટી ડેપો ઇન્ચાર્જ એચ. એમ. રાઠોડ એ મીડિયાને જણાવ્યું કે, અમારા એસટી વિભાગ દ્વારા જણાવાયું છે કે, આજથી અમે વધુ બસો દોડાવવાનું ચાલુ કરી દીધું છે. આજે (25, ઓક્ટોબર) અમે વધુ 15 બસો દોડાવી રહ્યા છે. આવતી કાલે (26, ઓક્ટોબર) 35 બસો અને પરમ દિવસે (27, ઓક્ટોબર) 45 બસો દોડાવીશું. અને 28 - 31 ઓક્ટોબર સુધી 85 વધુ બસો દોડાવવામાં આવશે. મોટા ભાગે પંચમહાલ તરફનો ટ્રાફીક અમારે વધારે હોય છે. રોજ અંદાજીત 250 જેટલી કુલ ટ્રીપો થઇ જાય છે. અમારા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
સુરક્ષા માટે 24 કલાક સીસીટીવી મોનીટરીંગ
વધુમાં તેમણે જણાવ્યું કે, આ વખતે મુસાફરોને કોઇ પણ પ્રકારની તકલીફ નહીં પડે. મુસાફરોની સુવિધા પર દેખરેખ રાખવા માટે ત્રણ અધિકારીઓ મુકવામાં આવ્યા છે. દાહોદ, ઝાલોદ, સંતરામપુર, અને ગોધરાની વધુ ટ્રીપો લાગે છે. જેમ જેમ જરૂર પડે તેમ તેમ કાઠીયાવાડ, ભાવનગર, પોરબંદર, જુનાગઢ સુધી બસો દોડાવવામાં આવશે. મુસાફરોના સામાનની સુરક્ષા માટે 24 કલાક સીસીટીવી મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સિક્યોરીટી પણ લોકોની સુરક્ષા અને સુલક્ષતા માટે સતત તૈનાત રહેશે.
આ પણ વાંચો -- VADODARA : ઘરે બેઠા સુશોભનની વસ્તુઓ બનાવી મહિલાઓ પગભર બની, દિવડાની ભારે ડિમાન્ડ


