VADODARA : વિબગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે વાલી વિફર્યા
VADODARA : વડોદરાના ભાયલીમાં આવેલી વિબગ્યોર શાળાના સંચાલકો દ્વારા શાળામાંથી જ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વાતે વાલીઓ વિફર્યા છે, અને ડીઇઓ કચેરી પહોંચીને વાતનો વિરોધ નોંધાવ્યો છે. રોષે ભરાયેલા વાલીઓ દ્વારા શાળાની માન્યતા રદ કરવા સુધીની રજુઆત કરતા ચકચાર મચી જવા પામી છે. અગાઉ પણ વિબગ્યોર શાળાને લઇને અનેક વિવાદો સામે આવ્યા હતા. પરંતુ ઠોસ કાર્યવાહીના અભાવે શાળા સંચાલકોની મનમાની પર રોક લાગી શકી નથી. (VIBGYOR SCHOOL NOT FOLLOWING FRC RULES, PARENTS OPPOSE - VADODARA)
અનેક રજુઆતો છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી
વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર શાળાના સંચાલકો દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. ફી નિર્ધારણ કમિટિ દ્વારા સૂચિત વધારાથી ઉંચી ફી વાલીઓ પાસેથી વસુલવામાં આવી રહી છે. આ અંગે અનેક રજુઆતો છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. વાલીઓ અગાઉ પણ શાળા વિરૂદ્ધ મોરચો લઇને ડીઇઓની કચેરીએ આવ્યા હતા. રજુઆતો પણ કરી હતી. છતાંય શાળાના વલણમાં કોઇ ફર્ક જણાતો નથી.
શાળા કોર્ટમાં ગઇ છે
તાજેતરમાં શાળા દ્વારા વાલીઓને નવા શૈક્ષણિક વર્ષમાં શાળામાંથી જ પુસ્તકો ખરીદવા દબાણ કરી રહ્યા હોવાનો આરોપ વાલીઓ દ્વારા લગાડવામાં આવ્યો છે. આ વાતથી વિરફેલા વાલીઓ ડીઇઓની કચેરીએ પહોંચ્યા છે. અને શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવા માટેની ભલામણ કરી છે. એટલું જ નહીં એફઆરસી દ્વારા સૂચિત ભાવથી વધારે લીધેલી ફી સેટલ કરવાનું પણ શાળા સંચાલકો ટાળી રહ્યા છે. આ અંગે ડીઇઓએ મીડિયાને જણાવ્યું કે, શાળાની એનઓસી રદ કરવા માટે ડીઆઇઓ કચેરીએ શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. તેની સામે શાળા કોર્ટમાં ગઇ છે.
યુનિફોર્મ અને પુસ્તકો તેમને ત્યાંથી જ લેવા પડે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ શાળા ફ્રેન્ચાઇઝી મોડલ પર કાર્યરત છે. આ મોડલ પર ચાલતી વિબગ્યોર સહિતની અનેક શાળાઓ દ્વારા યુનિફોર્મ અને પુસ્તકો તેમને ત્યાંથી જ લેવા પડે તેવું હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે વાલીઓના હિતમાં આગળ શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને UCC ના ફોર્મ આપતા વિવાદ


