VADODARA : વિશ્વામિત્રી નદીમાં મગર ખેંચી ગયા બાદથી મહિલા લાપત્તા
VADODARA : વડોદરા (VADODARA) ના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER - VADODARA) માં કામગીરી અંતર્ગત મગરને થોડાક સમય માટે અન્યત્રે શિફ્ટ કરવાની પ્રબળ લોકચર્ચા વચ્ચે આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા ગ્રામ્યમાં આવતા કોટાલીથી માંગરોળ વચ્ચે આધેડ મહિલાને મગર ખેંચી ગયા બાદથી લાપત્તા બન્યા (CROCODILE SNATCH WOMAN - VADODARA) છે. ઘટના અંગે સ્થાનિકો દ્વારા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તુરંત દોડી આવ્યા હતા. અને મહિલાને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
પશુ નદીના સામે કિનારે જતું રહ્યું હોવાનું ધ્યાને આવતા દોડ્યા
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી સેંકડો મગરોનું રહેઠાણ છે. ગત સાંજે કોટાલીથી માંગરોળ પાસે કામરોલ સામેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારાના ખેતરો સાચવતા શ્રમિક પરિવારો કામ કરતા હતા. આ વચ્ચે મેકલીબેન ભિલાલા પશુ ચરાવતા હતા. તેવામાં એક પશુ નદીના સામે કિનારે જતું રહ્યું હોવાનું તેમના ધ્યાને આવતા તેઓ તુરંત દોડ્યા હતા. તેવામાં નદી ઓળંગીને પેલે પાર જવા જતા વચ્ચેથી નદીમાંથી મગર તેમને ખેંચી ગયો હતો.
મહિલાની કોઇ ભાળ મળી ન્હતી
આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા જ તેઓ તુરંત દોડીને સ્થળ નજીક ગયા હતા. પરંતુ મહિલાની કોઇ ભાળ મળી ન્હતી. બાદમાં આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા. અને બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો પણ પહોંચ્યા હતા. અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કર્યું હતું.
મહિલાના ચપ્પલ અને કપડાં મળી આવ્યા
ગત સાંજથી ચાલતા રેસ્ક્યૂ ઓપરેશનમાં હજી સુધી મહિલાની કોઇ ભાળ મળી નથી. નદી કિનારેથી મહિલાના ચપ્પલ અને કપડાં મળી આવ્યા છે.આ ઘટના બાદ પરિજનોમાં આક્રંદ છવાયો છે. અને મહિલાની કોઇ ભાળ મળે તે માટે સૌ કોઇ ફાયર વિભાગની કામગીરી પર મીટ માંડીને બેઠા છે.
આ પણ વાંચો --- VADODARA : ટુંડાવ ગામે મંડળીમાં ગેરવહીવટનો આરોપ, પશુપાલકોએ દૂઘ વહાવ્યું


