VADODARA : વડોદરાવાસીઓને પાલિકાના બજેટમાં રસ પડ્યો, જાણો કારણ
VADODARA : આવતી કાલે વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિ (VADODARA - VMC BUDGET - 2025) સમક્ષ બજેટ પ્રસ્તાવ મુકવામાં આવશે. આ વર્ષે પ્રથમ વખત વડોદરા પાલિકા દ્વારા બજેટમાં સમાવવા યોગ્ય વિકાસના કાર્યો ઇમેલ મારફતે મંગાવ્યા હતા. જેમાં માત્ર 10 દિવસના સમયગાળામાં જ પાલિકાને 1600 જેટલા સૂચનો મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી વડોદરાવાસીઓને બજેટમાં રસ પડ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે તમામ સૂચનો જોયા
પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરાના લોકોના સંસ્કાર સૂચનમાં છલકાઇ રહી છે. દરેક સર્વિસને આવરી લેતા પાણી, રસ્તા, ડ્રેનેજ, સફાઇ, બ્રિજ, વહીવટી લગતા, વિશ્વામિત્રી પ્રોજેક્ટ, આકારણી, આવાસ, તથા અન્ય વિષયોને આવરી લેતા સૂચનો આપવામાં આવ્યા છે. તેમના સૂચનો પૈકી કેટલાક અમે સમાવ્યા જ છે. કેટલાક આ બજેટમાં લેવાશે. લગભગ 600 થી વધુ લોકોએ 1600 જેટલા સૂચનો મોકલ્યા છે. આ ખુબ સારા સૂચનો છે. તેના પર પાલિકાના અધિકારીઓ લાગેલા છે. મ્યુનિસિપલ કમિશનરે તમામ સૂચનો જોયા છે.
કેટલાક સૂચનો અન્ય વિભાગ સંબંધિત છે
વધુમાં જણાવ્યું કે, સૌથી વધારે સૂચનો રસ્તા, પાણી અને ડ્રેનેજને લગતા છે. આ સાથે કેટલાક સૂચનો તેવા પણ છે કે, રોડની ગુણવત્તા સારી હોવી જોઈએ, આ વસ્તુ અહિંયા ના હોવી જોઇએ. કેટલાક સૂચનો ખરેખર આવકારવા લાયક છે. કેટલાક સૂચનો અન્ય વિભાગ સંબંધિત છે. આ એક સકારાત્મક પગલું લીધેલું છે. પુના, અમદાવાદ પાલિકા દ્વારા અગાઉ આ રીતે પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વામિત્રી નદીને લઇને તેને ઉંડી કરવી, તેનું નાળું સાફ કરવું તથા ફરી પૂર ના આવે તે રીતે કામ કરવું જેવા સૂચનો સામે આવ્યા છે. આ વખતે ઇમેલ હતું. આવતા વર્ષે ગુગલ ફોર્મ તથા અન્ય માધ્યમો થકી લોકો સૂચનો આપી શકે તેવું આયોજન છે. આવતા વર્ષે ડિસેમ્બરથી જ આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે તેવું અમારૂ આયોજન રહેશે. અમે તમામને આવરી લેતું બજેટ રજુ કરીશું.
આ પણ વાંચો --- VADODARA : રસ્તામાં કાર રોકીને તોડફોડ મચાવનાર ઝબ્બે


